Independence Day Alert: સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ) પહેલાં દેશને હચમચાવવાના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના ખતરનાક ષડયંત્રને સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવી દીધું છે. દિલ્હી, પંજાબ અને પશ્ચિમ બંગાળ પોલીસના સંયુક્ત ઓપરેશન્સમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન કુલ 12 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે.
તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર નેટવર્ક પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ અને કુખ્યાત આતંકી શહઝાદ ભટ્ટી દ્વારા ઓપરેટ થઈ રહ્યું હતું. આ આતંકી મોડ્યુલના હિટ લિસ્ટમાં દિલ્હી, અમૃતસર, તરણતારણ અને બંગાળનું વર્ધમાન સામેલ હતા.
બંગાળ મોડ્યુલ: મુખ્યમંત્રીની રેકી, હની ટ્રૅપ અને પાકિસ્તાની કનેક્શન
પશ્ચિમ બંગાળના બર્ધમાન થાણામાં 31 જુલાઈ, 2026ના રોજ દાખલ થયેલી FIRમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
વિદેશી નંબરોથી સંપર્ક: ઝડપાયેલ આરોપી મોહમ્મદ હમીમ મંડળ પાકિસ્તાનના +92 કોડવાળા વોટ્સએપ નંબર તેમજ US અને UKના શંકાસ્પદ નંબરોથી હેન્ડલર્સ સાથે સતત વાતચીત કરતો હતો.
જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધ: આરોપી પાસે ડિજિટલ પુરાવા અને ચેટ્સ મળી આવી છે, જે તેના જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથેના સીધા તંત્રો છતા કરે છે.
હની ટ્રૅપનો ઉપયોગ: ઝારખંડની અર્પિતા નામની મહિલાની ભૂમિકા સામે આવી છે. તેને હની ટ્રૅપ દ્વારા બંગાળના રાજકીય વર્તુળો સુધી પહોંચવા અને વીઆઈપીની રેકી કરવાનો ટાસ્ક અપાયો હતો.
ષડયંત્ર: તેને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની સુરક્ષામાં સેંધ મારવા અને દિલ્હીના જંતર-મંતર ખાતે પોલીસ ગણવેશમાં અશાંતિ ફેલાવવાની સૂચના અપાઈ હોવાનો દાવો કરાયો છે.
અમૃતસર મોડ્યુલ: રેલવે ટ્રેક પર સીસીટીવી અને જંતર-મંતરની રેકી
પંજાબ પોલીસે અમૃતસરમાંથી બે મોડ્યુલનો પર્દાફાશ કરીને 4 સગીરો સહિત 9 લોકોની ધરપકડ કરી છે.
મુદ્દામાલ જપ્ત: આરોપીઓ પાસેથી 3 ગેરકાયદેસર પિસ્તોલ, 9 કારતૂસ, 4 પેટ્રોલ બોમ્બ અને ચોરાયેલી બાઇક મળી આવી છે.
લાઈવ ફૂટેજ કેમેરા: આરોપીઓ સુરક્ષા દળો અને પોલીસ સ્ટેશનોની જાસૂસી કરતા હતા. તેમણે રેલવે ટ્રેક નજીક કેમેરા ગોઠવી તેના લાઈવ ફૂટેજ પાકિસ્તાન મોકલ્યા હતા. આ કેમેરા ખરીદવા માટેનું ફંડિંગ ઓનલાઈન વિદેશથી આવ્યું હતું.
દિલ્હી સુધી પહોંચ: પૂછપરછમાં સામે આવ્યું કે આ ટીમ અગાઉ જંતર-મંતર સુધી પહોંચી ગઈ હતી પરંતુ કોઈ કારણસર પ્લાન અમલમાં મૂકી શકી નહોતી.
તરણતારણ મોડ્યુલ: ડ્રોનથી હથિયારોનો સપ્લાય
તરણતારણ પોલીસ અને BSFના સંયુક્ત ઓપરેશનમાં મનજીત સિંહ નામના શંકાસ્પદની ધરપકડ કરાઈ છે.
હથિયારોનો જથ્થો: તેના ઘરેથી 7 વિદેશી પિસ્તોલ, 1 MP-9 ગન અને મોટી માત્રામાં કારતૂસ જપ્ત કરાયા છે.
ડ્રોન ડિલિવરી: આરોપીએ કબૂલાત કરી છે કે આ તમામ શસ્ત્રો પાકિસ્તાનથી ડ્રોન મારફતે સરહદ પારથી મોકલવામાં આવ્યા હતા.
ટાર્ગેટ કિલિંગ પ્લાન: આ હથિયારોનો ઉપયોગ ગૅંગસ્ટર્સ અને પાકિસ્તાની એજન્ટો દ્વારા લક્ષિત હત્યાઓ (Targeted Killings) માટે થવાનો હતો.
કોડ નેમ્સ: મનજીતના ફોનમાંથી 'ચાચા' અને 'રહેમાન' જેવા કોડ નેમ ધરાવતા 12 પાકિસ્તાની નંબરો મળી આવ્યા છે.
તપાસ ક્યાં પહોંચી?
હાલમાં કેન્દ્રીય એજન્સીઓ અને ત્રણેય રાજ્યોની પોલીસ મની ટ્રેલ, હવાલા ટ્રાન્સફર અને વિદેશી બેંક ખાતાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી 15 ઓગસ્ટ પહેલાં દેશમાં કોઈ મોટી અપ્રિય ઘટના ન ઘટે.
