UpdatedIST

Khatu Shyam Mela 2026: DJ, અત્તર અને ગુલાબ પર પ્રતિબંધથી લઈને QR કોડથી પાર્કિંગ સુધી, ખાટુ શ્યામના લક્ખી મેળામાં જતા પહેલા નિયમો જાણો

બંગાળના એક્સપર્ટ કારીગરોએ મંદિર પરિસરમાં શિવના વિશાળ ડમરુ અને ઐરાવત હાથીની બનાવેલી પ્રતિકૃતિ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બની

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 22 Feb 2026 11:18 PM (IST)Updated: Sun 22 Feb 2026 11:18 PM (IST)
massive-crowd-at-khatu-shyam-temple-vip-darshan-banned-during-phalgun-lakhi-mela-2026-696949
HIGHLIGHTS
  • 28મી સુધી ચાલશે લક્ખી મેળો, જેમાં 27મી ફેબ્રુઆરી મુખ્ય દિવસ
  • બાબાના દરબારમાં કોઈ VIP નહીં, સૌએ લાઈનમાં જ દર્શન કરવા જવું પડશે

Khatu Shyam Mela 2026: જો તમે પણ 'હારે કા સહારા બાબા શ્યામ'ના દર્શન કરવા જવાનું વિચારી રહ્યા હોવ, તો તમારે પ્લાનિંગ કરતાં પહેલા આ જાણવું ખૂબ જ જરૂરી છે. હકીકતમાં રાજસ્થાનના પાટનગર જયપુરથી 80 કિલોમીટર દૂર આવેલા સીકર જિલ્લા સ્થિત વિશ્વવિખ્યાત ખાટુ શ્યામ મંદિરમાં વાર્ષિક ફાલ્ગુન લક્ખી મેળો શરૂ થઈ ચૂક્યો છે, જે આગામી 8 દિવસ એટલે કે 28 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે.

લક્ખી મેળાને પગલે ખાટુ શ્યામ બાબાના દરબારને ભવ્ય શણગાર રવામાં આવ્યો છે. આ સાથે જ શ્રદ્ધાળુઓની સુવિધા ખાતે વહીવટી તંત્ર દ્વારા કેટલાક જરૂરી પગલા પણ લેવામાં આવ્યા છે.

આ વર્ષે મંદિરને સજાવવા માટે ખાસ પશ્ચિમ બંગાળથી એક્સપર્ટ કારીગરોને તેડાવવામાં આવ્યા છે. જેમણે મંદિર પરિસરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાની રાસલીલા ઉપરાંત કાલી માતા અને બાલાજી મહારાજની મનમોહક પ્રતિકૃતિઓ બનાવી છે. ભગવાન શિવનું વિશાળ ડમરું અને ઐરાવત હાથીની વિશાળ પ્રતિકૃતિ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. જેને નિહાળવા ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

VIP કલ્ચર બંધ, બાબાના દર્શન માટે સૌએ લાઈનમાં ઉભા રહેવું પડશે
લક્ખી મેળામાં ઉમટતી ભીડને ધ્યાનમાં રાખીને મંદિર કમિટી તેમજ વહીવટી તંત્ર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે VIP દર્શન સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યા છે. ગમે તેવા મોટા નેતા કે અધિકારી કેમ ના હોય, સૌએ સામાન્ય ભક્તોની જેમ બાબાના દર્શન માટે લાઈનમાં ઉભા રહેવું પડશે.

ભક્તોની ભીડને મેનેજ કરવા માટે અલગ-અલગ 14 લાઈનો બનાવવામાં આવી છે. બેરિકેડ અને લાઈનના પગલે ભક્તોને મુખ્ય મંદિર સુધી પહોંચવા માટે લગભગ 23 કિલોમીટર જેટલું ચાલવું પડી શકે છે.

પાર્કિંગ માટે QR કોડનો ઉપયોગ કરાયો
બહારથી આવતા ભક્તોને પાર્કિંગ માટે રખડવું ના પડે, તે માટે વહીવટી તંત્ર દ્વારા QR કોડ આધારિત પાર્કિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત વાહનો માટે પાવતી આપવામાં આવી રહી છે, જેના પર આપવામાં આવેલા QR કોડને સ્કેન કરતાં જ ગૂગલ મેપ તમને તમારા પાર્કિંગ લોકેશન સુધી પહોંચાડી દેશે.

રેલવે અને સરકારી બસ સેવા દ્વારા બાબાના ભક્તોની સુવિધા ખાતર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રેલવે દ્વારા 16 સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આવી જ રીતે રોડવેઝ દ્વારા પણ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે.

રીંગસમાં લોખંડી સુરક્ષા, DJ અને અત્તર પર પ્રતિબંધ
વહીવટી તંત્ર દ્વારા મેળામાં DJ વગાડવા પર રોક લગાવી દેવામાં આવી છે. આ સિવાય સુરક્ષા કારણોસર મંદિરમાં અત્તર અને કાંટાવાળા ગુલાબના ફૂલ લઈ જવાની પણ મનાઈ ભરવામાં આવી છે. લક્ખી મેળાની સુરક્ષા માટે 5000થી વધુ પોલીસના જવાનો ખડકી દેવામાં આવ્યા છે. આ સિવાય ડ્રોન કેમેરા અને 400થી વધુ CCTVની મદદથી ખૂણે-ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે.

આ મેળાનો મુખ્ય દિવસ 27 ફેબ્રુઆરી છે. આ દિવસે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડે તેવી શક્યતા છે. જેના પગલે શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા ના પડે અને જરૂરી માર્ગદર્શન મળી રહે, તે માટે 'શ્યામ સારથી' નામે મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે, જે દર્શનાર્થીઓને ખૂબ જ મદદરૂપ સાબિત થશે.