Nashik TCS scandal: દેશની પ્રતિષ્ઠિત આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ની નાસિક શાખા હાલમાં એક અત્યંત ગંભીર અને સંવેદનશીલ વિવાદના કેન્દ્રમાં છે. અગાઉ મહિલા કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા જાતીય સતામણી અને ધર્મ પરિવર્તનના દબાણના આરોપો બાદ, હવે એક પુરુષ કર્મચારીએ આગળ આવીને કંપનીના ઉચ્ચ અધિકારીઓ પર માનસિક ત્રાસ અને ધાર્મિક ઉત્પીડનના ચોંકાવનારા આરોપો લગાવ્યા છે. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં કુલ 9 FIR નોંધી છે અને તપાસ તેજ કરી છે.
પુરુષ કર્મચારીની આપવીતી
તાજેતરમાં જે પુરુષ કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે, તેના જણાવ્યા અનુસાર આ ત્રાસ 2022માં કંપનીમાં જોડાયાના થોડા સમય બાદ જ શરૂ થઈ ગયો હતો. પીડિત કર્મચારીએ તેના ટીમ લીડર તૌસિફ અખ્તર અને સહકર્મી દાનિશ શેખ પર ગંભીર આક્ષેપો કર્યા છે. કર્મચારીનો દાવો છે કે તેને ઓફિસમાં બળજબરીથી ટોપી પહેરાવવામાં આવતી હતી. એટલું જ નહીં, તેને 'કાલિમા' વાંચવા અને નમાજ અદા કરવા માટે પણ મજબૂર કરવામાં આવ્યો હતો. પીડિતે આરોપ લગાવ્યો છે કે ઈદના પ્રસંગે તેને પરાણે નમાજ પઢાવતી વખતે તેના ફોટા પાડવામાં આવ્યા હતા અને તે ફોટા ઓફિસના ઇન્ટરનલ ગ્રુપમાં શેર કરીને તેની મજાક ઉડાવવામાં આવી હતી. કર્મચારીએ વધુમાં જણાવ્યું કે તેની નિઃસંતાનતાને લઈને ટીમ લીડર દ્વારા અત્યંત અભદ્ર અને અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી, જે સહનશીલતાની બહાર હતી.
નાસિક યુનિટમાં 2022થી ચાલી રહેલું વ્યવસ્થિત ઉત્પીડન?
તપાસમાં સામે આવ્યું છે કે આ પ્રકારની ઘટનાઓ 2022થી શરૂ થઈ હતી. જાન્યુઆરી 2023માં જ્યારે 23 વર્ષીય એક મહિલા કર્મચારીએ હિંમત દાખવીને લેખિત ફરિયાદ કરી ત્યારે આ આખો મામલો જાહેર થયો હતો. મહિલા કર્મચારીએ પોતાની ફરિયાદમાં છેડતી, લગ્ન માટે દબાણ અને ધર્મ પરિવર્તન માટે આપવામાં આવતા માનસિક ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. તેણીએ જણાવ્યું હતું કે એચઆર (HR) અધિકારી નિદા ખાન અને અન્ય સાથીદારો તેની ધાર્મિક માન્યતાઓનું અપમાન કરતા હતા અને તેને સતત નીચી બતાવવાનો પ્રયાસ કરતા હતા.
9 એફઆઈઆર અને 7 ધરપકડ કરાઇ
TCS નાસિક શાખાના આ કેસમાં પોલીસની કાર્યવાહી અત્યંત કડક રહી છે. 2023થી 2026 દરમિયાન વિવિધ તબક્કે કુલ 9 ફરિયાદો નોંધવામાં આવી છે.
- ધરપકડ: પોલીસે અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં 5 પુરુષો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે.
- આરોપો: આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ છેડતી, ધાર્મિક લાગણી દુભાવવી, માનસિક ઉત્પીડન અને ધાકધમકી આપવાના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
- તપાસ: નાસિક પોલીસ હાલમાં કંપનીના ઇન્ટરનલ કોમ્યુનિકેશન રેકોર્ડ્સ અને સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે જેથી પીડિતોના દાવાઓની પુષ્ટિ થઈ શકે.
કોર્પોરેટ જગતમાં ચર્ચાનો વિષય
ટાટા જેવી પ્રતિષ્ઠિત સંસ્થાની શાખામાં જ્યારે આ પ્રકારના ગંભીર આરોપો લાગે છે, ત્યારે સમગ્ર કોર્પોરેટ જગત સ્તબ્ધ છે. કર્મચારીઓએ ફરિયાદ કરી છે કે જ્યારે તેઓએ આ બાબતે વિરોધ કર્યો, ત્યારે તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવતી હતી. હાલમાં પોલીસે આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈને ઊંડી તપાસ શરૂ કરી છે.
