Noida Yuvraj Mehta Case: નોઈડામાં સોફ્ટવેર એન્જિનિયરના મોતને લઈને ડિલિવરી બોયે જણાવી તે રાતની ભયાનક હકીકત

ડિલિવરી બોયના જણાવ્યા મુજબ તે પહોંચ્યો તેના માત્ર 10 મિનિટ પહેલા જ યુવક ડૂબી ગયો હતો. યુવરાજ ડૂબતા પહેલા કારની છત પર લગભગ 90 મિનિટ સુધી બેસી રહ્યો હતો અને સતત મદદ માંગી રહ્યો હતો.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Mon, 19 Jan 2026 03:40 PM (IST)Updated: Mon, 19 Jan 2026 04:45 PM (IST)
noida-software-engineer-yuvraj-mehta-case-delivery-boy-says-what-happened-that-night

Noida Yuvraj Mehta Death Case: નોઈડાના સેક્ટર 150 માં એક નિર્માણાધીન ઈમારતના બેઝમેન્ટ માટે ખોદવામાં આવેલા 20 ફૂટથી વધુ ઊંડા પાણી ભરેલા ખાડામાં કાર પડવાથી 27 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર યુવરાજ મહેતાનું મોત થયું છે. શુક્રવારે મોડી રાત્રે યુવરાજ પોતાની મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા કારમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

ડિલિવરી બોય યુવરાજને બચાવવા કુદી પડ્યો
આ ઘટના દરમિયાન મોહિન્દર નામના ડિલિવરી એજન્ટની બહાદુરી ચર્ચામાં આવી છે. તેણે જણાવ્યું કે ઘટના રાત્રે 12 વાગ્યાની આસપાસ બની હતી, પરંતુ તે 1:40 વાગ્યે ઓર્ડર લઈને ત્યાં પહોંચ્યો હતો. ત્યાં લોકોની ભીડ જોઈને તે સમજી ગયો હતો કે ગાઢ ધુમ્મસને કારણે કોઈ ખાડામાં પડ્યું છે, કારણ કે 15 દિવસ પહેલા પણ તેની નજર સામે આવો જ એક કિસ્સો બન્યો હતો જેમાં તેણે ડ્રાઈવરને બચાવ્યો હતો.

જીવના જોખમે ડિલિવરી બોયની બચાવ કામગીરી
ઘટનાસ્થળે પહોંચ્યા બાદ મોહિન્દરે અધિકારીઓને પૂછ્યું કે શું તે અંદર જઈ શકે છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેને તરતા આવડે છે, ત્યારે તેણે હા પાડી અને તરત જ કપડાં ઉતારી, કમરે દોરડું બાંધીને સીધો પાણીમાં કૂદી ગયો. તે સમયે રસ્તા પર લગભગ 100 લોકો ઉભા હતા. તે પાણીમાં એટલો અંદર ગયો કે કિનારે ઉભેલા લોકો તેને દેખાતા ન હતા, તેથી લોકો દૂરથી ટોર્ચના ઈશારાથી તેને કાર કઈ તરફ શોધવી તેનું માર્ગદર્શન આપી રહ્યા હતા.

મદદ પહોંચે તે પહેલા જ યુવરાજનું મોત
મોહિન્દરના જણાવ્યા મુજબ તે પહોંચ્યો તેના માત્ર 10 મિનિટ પહેલા જ યુવક ડૂબી ગયો હતો. યુવરાજ ડૂબતા પહેલા કારની છત પર લગભગ 90 મિનિટ સુધી બેસી રહ્યો હતો અને સતત મદદની ગુહાર લગાવી રહ્યો હતો. તેણે પોતાના પિતાને ફોન કરીને પણ કહ્યું હતું કે હું એક ખાડામાં પડી ગયો છું, કૃપા કરીને મને બચાવો.

ડિલિવરી બોયે કહ્યું કે પોલીસ ઘટનાસ્થળે હતી પરંતુ મોટાભાગના પોલીસકર્મીઓ વૃદ્ધ હતા અને યુવા પોલીસકર્મીઓને તરતા આવડતું ન હોવાથી તેઓ પાણીમાં ઉતરી શક્યા ન હતા. ડિલિવરી એજન્ટે લગભગ 30 થી 40 મિનિટ સુધી પાણીમાં યુવકની શોધખોળ કરી પરંતુ તે મળી શક્યો નહીં. ઘટનાસ્થળ વિશે વાત કરતા મોહિન્દરે જણાવ્યું કે તે વળાંક એટલો ખતરનાક છે કે જો કોઈ અજાણી વ્યક્તિ ધુમ્મસમાં તે તરફ જાય તો ખાડામાં પડવાની 101 ટકા શક્યતા રહેલી છે.