Punjab Bus Accident: પંજાબના ફતેહગઢ સાહિબમાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટી; 6ના મોત, 25 થી વધુ ઇજાગ્રસ્ત

પ્રાપ્ત વિગતો અનુસાર, બસ્સી પઠાણા તહસીલના મૈન માજરી ગામના શ્રદ્ધાળુઓ વૈશાખી નિમિત્તે શ્રી આનંદપુર સાહિબ ગયા હતા.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 15 Apr 2026 09:55 AM (IST)Updated: Wed 15 Apr 2026 10:28 AM (IST)
punjab-bus-accident-6-dead-25-injured-in-fatehgarh-sahib-728223

Punjab Bus Accident: પંજાબમાં વૈશાખીના પવિત્ર તહેવારની ઉજવણી વચ્ચે એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. શ્રી આનંદપુર સાહિબમાં મથું ટેકવીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી બસને ફતેહગઢ સાહિબના ભટેરી ગામ પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. મંગળવારે મોડી રાત્રે બનેલી આ ભયાનક દુર્ઘટનામાં 6 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે 25થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

જાણો કેવી રીતે સર્જાયો અકસ્માત

પ્રાપ્ત વિગતો અનુસાર, બસ્સી પઠાણા તહસીલના મૈન માજરી ગામના શ્રદ્ધાળુઓ વૈશાખી નિમિત્તે શ્રી આનંદપુર સાહિબ ગયા હતા. આ જૂથમાં દદ્યાના, મજરા અને શેરગઢ બારા ગામના લોકો પણ સામેલ હતા. તમામ ભક્તો મૈન માજરી ગુરુદ્વારા સાહિબની બસમાં સવાર થઈને પરત ફરી રહ્યા હતા. રાત્રિના સમયે જ્યારે બસ પોતાના ગંતવ્ય સ્થાન મૈન માજરીથી માત્ર 3 કિલોમીટર દૂર ભટેરી ગામ પાસે પહોંચી, ત્યારે અચાનક ચાલકે કાબૂ ગુમાવતા બસ અકસ્માતનો ભોગ બની હતી. અંધારામાં ચીસો અને આક્રંદ સાંભળીને સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ પોતાની રીતે બચાવ કામગીરી શરૂ કરી અને પોલીસને જાણ કરી હતી.

બચાવ કામગીરી શરૂ કરવામાં આવી

ઘટનાની જાણ થતા જ રોડ સેફ્ટી ફોર્સ અને બસ્સી પઠાણા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત બસને ખસેડવામાં આવી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા 25થી વધુ લોકોમાંથી 15 લોકોને મોરિંડા સિવિલ હોસ્પિટલ અને 9 લોકોને ફતેહગઢ સાહિબ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બે શ્રદ્ધાળુઓની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને વધુ સારવાર માટે પીજીઆઈ ચંદીગઢ રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતની ગંભીરતા જોઈને એસએસપી શુભમ અગ્રવાલ, ડીએસપી રાજકુમાર શર્મા અને સ્થાનિક ધારાસભ્ય રૂપિન્દર સિંહ હેપ્પીએ રાત્રે જ હોસ્પિટલ અને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો

આ દુર્ઘટના પર શિરોમણી અકાલી દળના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, "આનંદપુર સાહિબથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓ સાથે થયેલો અકસ્માત અત્યંત દુઃખદ છે. વાહેગુરુ મૃતકોના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે."