Friendship Day પર રાહુલ ગાંધીનો 'Gen Z' અવતાર: K-Pop સ્ટાઇલ 'ફિંગર હાર્ટ' બનાવી યુવાનોને પાઠવી શુભેચ્છા

ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક ખાસ તસવીર અને વીડિયો શેર કરતા રાહુલ ગાંધીએ લખ્યું, હજુ પણ એક વિદ્યાર્થી છું, જે દરરોજ કંઈક નવું શીખી રહ્યો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 02 Aug 2026 03:34 PM (IST)Updated: Sun, 02 Aug 2026 03:34 PM (IST)
rahul-gandhi-gen-z-avatar-k-popfinger-heart-friendship-day
રાહુલ ગાંધી

Rahul Gandhi: લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફ્રેન્ડશીપ ડેના ખાસ અવસર પર પોતાનો એક અનોખો અને નવો 'જનરલ ઝેડ' (Gen Z) અવતાર દર્શાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર દક્ષિણ કોરિયાની વિખ્યાત K-Pop શૈલીમાં 'ફિંગર હાર્ટ' બનાવીને તમામ દેશવાસીઓ અને ખાસ કરીને યુવાનોને મિત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

"હજુ પણ એક વિદ્યાર્થી છું": રાહુલ ગાંધી

ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક ખાસ તસવીર અને વીડિયો શેર કરતા રાહુલ ગાંધીએ લખ્યું, "હજુ પણ એક વિદ્યાર્થી છું, જે દરરોજ કંઈક નવું શીખી રહ્યો છે. આજનો પાઠ: આજે ફ્રેન્ડશીપ ડે છે, અને આ એક હાર્ટ છે. દરેકને ફ્રેન્ડશીપ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ. અનંત પ્રેમ." તેમણે ટિપ્પણી કરી હતી કે તેઓ દરરોજ યુવાનો પાસેથી નવી વાતો શીખે છે અને તેમની સાથે જોડાવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.

યુવાનો અને 'Gen Z' સાથે સતત સંવાદ

છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધી સોશિયલ મીડિયા, અનૌપચારિક મુલાકાતો અને વિશેષ ઝુંબેશ દ્વારા દેશના યુવાનો સાથે સીધો સંપર્ક સાધી રહ્યા છે. તેઓ પોતના ભાષણો અને પોસ્ટ્સમાં વારંવાર 'જનરલ ઝેડ'નો ઉલ્લેખ કરે છે. તાજેતરમાં જ તેમણે પેપર લીક, બેરોજગારી, કારકિર્દી, શિક્ષણ અને લોકશાહી જેવા ગંભીર મુદ્દાઓ પર વિદ્યાર્થીઓ સાથે ખુલ્લી ચર્ચા કરી હતી. 'છાત્રોં કી ગુંજ' અભિયાન દરમિયાન તેમણે યુવાનોને પરીક્ષાઓમાં થતી ગડબડી સામે અવાજ ઉઠાવવા પ્રોત્સાહિત કર્યા હતા અને જીવનમાં મજબૂત રહેવાની સલાહ આપી હતી.

શું છે આ 'K-Pop ફિંગર હાર્ટ'?

'ફિંગર હાર્ટ' એ દક્ષિણ કોરિયામાંથી શરૂ થયેલો એક અત્યંત લોકપ્રિય હાવભાવ છે, જે K-Pop સંગીત અને K-Drama ના કારણે આજે વિશ્વભરમાં ટ્રેન્ડ કરી રહ્યો છે. આ હાવભાવમાં અંગૂઠા અને તર્જની (પહેલી આંગળી) ને એકબીજા પર ક્રોસ કરીને નાનું હૃદય બનાવવામાં આવે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને એક્સ પર યુવા પેઢી વચ્ચે પ્રેમ, કૃતજ્ઞતા અને મિત્રતા વ્યક્ત કરવા માટે આ સિમ્બોલનો વ્યાપકપણે ઉપયોગ થાય છે.