રામ મંદિર નિર્માણ વિવાદ: 800 કરોડના અંદાજ સામે 2,200 કરોડ ખર્ચાયા, પૂર્વ એકાઉન્ટન્ટે SIT ને સોંપ્યા પુરાવા

મહિપાલ સિંહે SIT ને આપેલા નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે, ટ્રસ્ટની રચના સમયે રામ મંદિર બાંધકામનો અંદાજિત ખર્ચ 800 કરોડ નક્કી કરવામાં આવ્યો હતો.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 04 Aug 2026 09:05 AM (IST)Updated: Tue, 04 Aug 2026 09:05 AM (IST)
ram-mandir-construction-cost-exceeds-estimate-mahipal-singh-submits-evidence-to-sit
રામ મંદિર નિર્માણ વિવાદ

Ram Mandir Ayodhya: અયોધ્યા રામ મંદિરના પ્રસાદ ચોરી કેસ અને ટ્રસ્ટના નાણાકીય વ્યવહારમાં થયેલી કથિત અનિયમિતતાઓને લઈને એક મોટો ખુલાસો સામે આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની 'રામ કચેહરી' ઓફિસના ભૂતપૂર્વ એકાઉન્ટ્સ ઇન્ચાર્જ મહિપાલ સિંહે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) સમક્ષ હાજર થઈને પોતાના ગંભીર આરોપોના સમર્થનમાં પુરાવા રજૂ કર્યા છે. આ સાથે તેમણે મંદિર નિર્માણ ખર્ચમાં થયેલા મસમોટા ભ્રષ્ટાચાર અંગેના નવા દાવા પણ કર્યા છે.

800 કરોડનો અંદાજ અને 2,200 કરોડનો ખર્ચ!

મહિપાલ સિંહે SIT ને આપેલા નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે, ટ્રસ્ટની રચના સમયે રામ મંદિર બાંધકામનો અંદાજિત ખર્ચ 800 કરોડ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ ચોક્કસ વ્યક્તિઓ અને કંપનીઓને આર્થિક ફાયદો પહોંચાડવાના હેતુથી આ ખર્ચ વધારીને 2,200 કરોડ સુધી પહોંચાડી દેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 26 જુલાઈના રોજ SIT ના વડા અને લખનૌ કમિશનર વિજય વિશ્વાસ પંતે મહિપાલ સિંહને ઈમેઈલ મોકલીને પુરાવા રજૂ કરવા તક આપી હતી. આ અગાઉ મહિપાલે 9 જૂને ધડાકો કર્યો હતો કે 2021ની શરૂઆતમાં જ તેમને પ્રસાદની ચોરી થતી હોવાની જાણ થઈ ગઈ હતી.

ચોરીનો વિરોધ કરવા પર હોદ્દા પરથી હટાવ્યા

મહિપાલ સિંહના જણાવ્યા અનુસાર, રામશંકર યાદવ 'ટીનુ'ના સમર્થનથી બેંક કર્મચારીઓ રત્નેશ ચતુર્વેદી અને ગગનદીપ ચલણી નોટોના મોટા બંડલો ઉપાડીને ચોરી કરતા હતા. જ્યારે તેમણે આ અંગે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને જાણ કરી, ત્યારે તેમને ચૂપ રહેવાની સલાહ આપવામાં આવી હતી. ત્યારબાદ બીજા જ દિવસે ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રાએ તેમને પદ પરથી હટાવીને સુભાષ શ્રીવાસ્તવને જવાબદારી સોંપી દીધી હતી. હાલ સુભાષ શ્રીવાસ્તવ પણ પોલીસ કસ્ટડીમાં છે.

બાંધકામ અને પથ્થરોની ખરીદીમાં ગેરરીતિ

મહિપાલે વધુમાં ખુલાસો કર્યો હતો કે, બાંધકામની દેખરેખ માટે સિવિલ એન્જિનિયરિંગનો અનુભવ ન ધરાવતા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર જગદીશ આફલેને પ્રોજેક્ટ એન્જિનિયર બનાવવામાં આવ્યા, જેના કારણે વાસ્તુ સિદ્ધાંતોનું ઉલ્લંઘન થયું. બંસી પહાડપુરમાંથી મફતમાં ઉપલબ્ધ પથ્થરોનો ઉપયોગ કરવાને બદલે હલકી ગુણવત્તાવાળા પથ્થરોની ખરીદી કરવામાં આવી. જગન્નાથ મંદિર અને રંગમહાલ જેવા મંદિરોમાં ભાડા-મુક્ત જગ્યા ઉપલબ્ધ હોવા છતાં, ચંપત રાયે મહંત શશિકાંત દાસના રામ કચેહરી મંદિરમાં ટ્રસ્ટની ઓફિસ ખોલી. આ ઉપરાંત, વિવાદિત મિલકતો અનધિકૃત વ્યક્તિઓ પાસેથી ખરીદાતા ટ્રસ્ટને કાનૂની મુકદ્દમાઓનો સામનો કરવો પડ્યો.

તપાસનો સામનો કરી રહેલા CA ને જ બેંક ખાતા ચલાવવાની સત્તા

SIT સમક્ષ રજૂ કરેલા દસ્તાવેજોમાં મહિપાલે આરોપ લગાવ્યો કે, કેશિયર વીરેન્દ્ર વર્માએ કોઈ કામ ન કરનારા લોકોના નામે ચૂકવણીઓ કરી હતી. આ ઉપરાંત, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ચંદન રાયે બાંધકામ કંપનીઓના બિલ રોકીને કમિશન માટે હેરાનગતિ કરી હતી. આટલી ગંભીર તપાસ ચાલી રહી હોવા છતાં, ટ્રસ્ટે આજે પણ ચંદન રાયને બેંક ખાતાઓ સંભાળવાની સત્તા આપેલી છે, જેમાં તેમની સાથે કામચલાઉ મહાસચિવ કૃષ્ણ મોહન અને એન્જિનિયર જગદીશ આફલેની સહીઓથી નાણાકીય વ્યવહારો થઈ રહ્યા છે.