આસામમાં મેઘતાંડવ: પૂરગ્રસ્તોની વહારે આવ્યું રિલાયન્સ ફાઉન્ડેશન, 10,000 પરિવારોને પહોંચાડશે મદદ

આસામમાં પૂર હોનારત બાદ રિલાયન્સ ફાઉન્ડેશન, વનતારા અને જિયોની સંયુક્ત ટીમ વહારે આવી છે. સિવસાગર અને ચરાઈદેવના 10,000 પૂરગ્રસ્ત પરિવારો અને 4000 પશુઓ માટે ભોજન, આરોગ્ય અને શેલ્ટર કિટ્સ સાથે વ્યાપક રાહત કામગીરી શરૂ કરાઈ.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Wed, 29 Jul 2026 11:16 AM (IST)Updated: Wed, 29 Jul 2026 11:16 AM (IST)
reliance-foundation-rolls-out-comprehensive-relief-efforts-in-flood-hit-upper-assam

Reliance Foundation Assam Relief: આસામમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને અચાનક આવેલા વિનાશક પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કુદરતી આફતની આ વિકટ પરિસ્થિતિમાં અસરગ્રસ્તોની મદદ માટે રિલાયન્સ ફાઉન્ડેશન આગળ આવ્યું છે. પૂર પ્રભાવિત વિસ્તારો અને સમુદાયોને ઝડપી અને અસરકારક મદદ પહોંચાડવા માટે ફાઉન્ડેશન દ્વારા વ્યાપક અને બહુઆયામી રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. આ મુશ્કેલ સમયમાં પૂરગ્રસ્તોને સહારે લાવવા માટે રિલાયન્સ પરિવારની વિવિધ પાંખો જેવી કે રિલાયન્સ ફાઉન્ડેશન, વનતારા, રિલાયન્સ રિટેલ અને જિયો એકજૂથ થઈને સંયુક્ત રીતે પાયાના સ્તરે રાહત અને બચાવ સેવાઓ આપી રહ્યા છે.

સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં રાહત કાર્ય

રાજ્યના સિવસાગર અને ચરાઈદેવ જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિ સૌથી વધુ ગંભીર જોવા મળી રહી છે. આ વિસ્તારોમાં અંદાજે 5,00,000 થી પણ વધુ લોકો પૂરથી સીધા પ્રભાવિત થયા છે. લોકોના ઘર, સ્થાનિક માળખાકીય સુવિધાઓ અને આજીવિકાના સાધનોને ભારે નુકસાન પહોંચ્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશન, રાજ્ય સરકાર અને સ્થાનિક સરકારી તંત્ર સાથે સતત પરામર્શ કરીને, આ જિલ્લાઓના ઓછામાં ઓછા 10,000 પૂરગ્રસ્ત પરિવારો સુધી તાત્કાલિક રાહત સામગ્રી અને પુનઃપ્રાપ્તિ સહાય પહોંચાડવાનું લક્ષ્ય ધરાવે છે.

આરોગ્ય અને સ્વચ્છતા પર ભાર

પૂરના પાણી ઓસર્યા બાદ ફેલાતા સંભવિત રોગચાળાને અટકાવવા માટે જાહેર આરોગ્ય જોખમ વ્યવસ્થાપન હેઠળ ખાસ કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ક્ષતિગ્રસ્ત કમ્યુનિટી હેલ્થ સેન્ટર્સની સફાઈ અને પુનઃસ્થાપનનું કાર્ય હાથ ધરાયું છે, જેથી પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઝડપથી પુનઃશરૂ થઈ શકે. આ ઉપરાંત, પૂરગ્રસ્ત પરિવારોમાં રોગચાળો ન ફેલાય તે માટે તેમને પીવાનું શુદ્ધ પાણી અને સ્વચ્છતા માટેની જરૂરી કિટ્સ પૂરી પાડવામાં આવી રહી છે.

ભોજન અને આશ્રયની વ્યવસ્થા

વિસ્થાપિત અને પ્રભાવિત પરિવારો માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કમ્યુનિટી કિચન (સામૂહિક રસોડા) શરૂ કરવામાં આવ્યા છે, જેથી રાશનથી વંચિત પરિવારોને તાજું અને તૈયાર ભોજન મળી રહે. આ સાથે જ યોગ્ય પોષણ જળવાઈ રહે તે માટે ડ્રાય રાશન કિટનું વિતરણ પણ થઈ રહ્યું છે. ઘરવિહોણા થયેલા લોકો માટે ઇમરજન્સી શેલ્ટર કિટ્સ તૈયાર કરવામાં આવી છે, જેમાં તાલપત્રી, ગ્રાઉન્ડ શીટ, મચ્છરદાની અને પથારી જેવી દૈનિક જરૂરિયાતની વસ્તુઓ સમાવિષ્ટ છે.

મૂંગા પશુઓની વહારે 'વનતારા'

માણસોની સાથે પશુધનની સુરક્ષા અને સારવાર માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 'વનતારા' ની 39 સભ્યોની નિષ્ણાત ટીમ મેદાનમાં ઉતારવામાં આવી છે, જે પશુઓને તાત્કાલિક પશુચિકિત્સા સેવાઓ અને સુરક્ષા પૂરી પાડી રહી છે. પૂરથી પ્રભાવિત આશરે 4,000 જેટલા પશુઓ માટે ચારા અને ખોરાકની વ્યવસ્થા પણ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવશે.

રિલાયન્સ ફાઉન્ડેશનની પ્રોફેશનલ ટીમ હાલમાં જિલ્લા પ્રશાસન અને સ્થાનિક સંસ્થાઓ સાથે ખભેખભા મિલાવીને કામ કરી રહી છે, જેથી દરેક જરૂરિયાતમંદ સુધી મદદ સમયસર પહોંચી શકે. આ તમામ વ્યાપક રાહત પ્રયાસો 28 જુલાઈ 2026 થી પૂરજોશમાં અમલી બનાવવામાં આવ્યા છે.