Karnataka Politics: કર્ણાટકમાં કોંગ્રેસ પક્ષની અંદર સત્તા સંઘર્ષ તીવ્ર બન્યો છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ગુરુવારે એકબીજા પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. વચન નિભાવવાની વાત પર બંને નેતાઓ ખુલ્લેઆમ સામસામે આવી ગયા હતા. પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ સ્પષ્ટતા કરી છે કે નેતૃત્વના મુદ્દે અંતિમ નિર્ણય દિલ્હીમાં વરિષ્ઠ નેતાઓ અને બંને ટોચના નેતાઓની હાજરીમાં સામૂહિક ચર્ચા પછી જ લેવામાં આવશે.
શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે શાબ્દિક યુદ્ધ
આ શબ્દયુદ્ધ ત્યારે શરૂ થયું જ્યારે શિવકુમારે ભારપૂર્વક કહ્યું કે શબ્દ શક્તિ જ વિશ્વ શક્તિ છે. જેના જવાબમાં સિદ્ધારમૈયાએ કહ્યું કે શબ્દ ત્યાં સુધી શક્તિ નથી, જ્યાં સુધી તે લોકો માટે દુનિયાને બહેતર ન બનાવે. સિદ્ધારમૈયા દાવો કરી રહ્યા છે કે તેઓ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે. બીજી તરફ શિવકુમાર પોતે સીએમ બનવા માંગે છે, કારણ કે કોંગ્રેસ સરકારે 20 નવેમ્બરના રોજ તેના પાંચ વર્ષના કાર્યકાળનો અડધો ભાગ પૂરો કરી લીધો છે. શિવકુમારની તાજેતરની પોસ્ટને 2023 માં થયેલા કથિત કરારની યાદ અપાવવા તરીકે જોવામાં આવી રહી છે.
વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની મોટી જીત બાદ કહેવામાં આવ્યું હતું કે રોટેશનના આધારે બંને નેતાઓ વારાફરતી સીએમ બનશે. સિદ્ધારમૈયાએ 'એક્સ' પર લખ્યું હતું કે જનાદેશ આખા પાંચ વર્ષ સુધી ચાલનારી જવાબદારી છે, જેના પર શિવકુમારે પોસ્ટ કર્યું કે પોતાની વાત પર કાયમ રહેવું દુનિયાની સૌથી મોટી તાકાત છે!
હાઈ કમાન્ડ પર વધતું દબાણ
સિદ્ધારમૈયા અને શિવકુમારના સમર્થકોએ હવે ખુલ્લેઆમ શક્તિ-પ્રદર્શન શરૂ કરી દીધું છે. જેનાથી કોંગ્રેસ હાઈકમાન્ડ પર દબાણ વધ્યું છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ કહ્યું છે કે તેઓ દિલ્હી જઈને કર્ણાટકના ત્રણ-ચાર મહત્વના નેતાઓને બોલાવશે અને ચર્ચા કરશે. આ ચર્ચામાં રાહુલ ગાંધી પણ સામેલ થશે. જોકે સિદ્ધારમૈયાના પુત્ર અને એમએલસી યતીન્દ્ર તેમજ રાજ્ય સરકારના મંત્રી ઝમીર ખાને પહેલેથી જ કહ્યું છે કે મુખ્યમંત્રી તેમનો કાર્યકાળ પૂરો કરશે.
