જો હું પ્રધાનમંત્રી હોત તો સૌથી પહેલા... વાયરલ વીડિયો અને અબ્યુસિવ લેંગ્વેજ પર સોનમ વાંગચુકનો મોટો દાવો

NEET પેપર લીક વિરોધ પ્રદર્શન દરમિયાન PM મોદી સામેના વાયરલ વીડિયો પર સોનમ વાંગચુકનું નિવેદન. જાણો તેમણે શું આપી પ્રતિક્રિયા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 06 Aug 2026 08:31 PM (IST)Updated: Thu, 06 Aug 2026 08:31 PM (IST)
sonam-wangchuk-on-neet-protest-abusive-language-govt-introspection

Sonam Wangchuk Statement: NEET પેપર લીકની ઘટનાના વિરોધમાં જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રધાનમંત્રી અને સરકાર વિરુદ્ધ અયોગ્ય ભાષાના ઉપયોગ અંગેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ વાયરલ વીડિયો અંગેની ભાષા પર જ્યારે જાણીતા પર્યાવરણવિદ અને એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં આ પ્રકારની ભાષા પ્રત્યે વાંધો વ્યક્ત કર્યો હતો, પરંતુ સાથે જ સરકારને પણ આત્મનિરીક્ષણ કરવાની સલાહ આપી હતી.

એક ઈન્ટરવ્યુ દરમિયાન વાતચીત કરતા સોનમ વાંગચુકને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આ પ્રદર્શનકારીઓને લઈને જે વિવાદ ઉભો થયો છે તેના પર તેમનું શું કહેવું છે. તેના જવાબમાં વાંગચુક બોલ્યા- હું કોઈપણ સંજોગોમાં ગાળાગાળી કે અયોગ્ય ભાષાનો સ્વીકાર કરતો નથી અને તેને સમર્થન આપતો નથી. પરંતુ સરકારે એ વાત સમજવી પડશે કે આ વીડિયો દેશના યુવાનોમાં ફેલાયેલી ભારે હતાશાનો સંકેત આપે છે.

'જો હું પ્રધાનમંત્રી હોત તો...'

પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરતા સોનમ વાંગચુકે ઉમેર્યું હતું કે- જો હું પ્રધાનમંત્રીના પદ પર હોત, તો સૌથી પહેલાં મારી જાતને પૂછત કે મારી નીતિઓમાં કે વ્યવસ્થામાં એવી કઈ ખામી રહી ગઈ છે જેનાથી દેશના યુવાનોમાં આટલો મોટો આક્રોશ ઊભો થયો. આ પ્રદર્શનકારીઓ કોઈ પ્રોફેશનલ આંદોલનકારીઓ કે અસામાજિક તત્વો નથી, પરંતુ અલગ-અલગ અભ્યાસક્રમોમાં ભણતા દેશના ભવિષ્ય સમાન યુવાનો છે જેઓ આજે નિરાશ થયા છે.

સંદેશ સાંભળો, સંદેશવાહકને લક્ષ્ય ન બનાવો

વાંગચુકે પરિસ્થિતિની ગંભીરતા પર પ્રકાશ પાડતા કહ્યું કે- પરિસ્થિતિ કેટલી નાજુક બની ગઈ છે આ તેનો પુરાવો છે. મારી હંમેશાંથી એક જ વાત રહી છે – સંદેશ સાંભળો, સંદેશ પહોંચાડનારને ન મારો. વાત-વાતમાં FIR દાખલ કરવી કે કાર્યવાહી કરવી એ બહુ નિમ્ન સ્તરનો પ્રતિસાદ છે.

તેમણે આગળ કહ્યું કે- સરકારે પોતાની અંદર જોવાની જરૂર છે, આત્મનિરીક્ષણ કરીને સિસ્ટમ સુધારવાની જરૂર છે જેથી કોઈ પણ યુવાન આટલી હદે હતાશ ન થાય કે તેણે આવી ભાષાનો ઉપયોગ કરવો પડે. એક શ્રેષ્ઠ નેતા હંમેશાં આ દિશામાં વિચારે છે.

જોકે, તેમણે એ વાત પણ સ્પષ્ટ કરી હતી કે આંદોલનની અંદર ઘૂસીને માહોલ બગાડતા અસામાજિક તત્વો, હિસ્ટ્રીશીટર્સ કે કાવતરાખોરો સામે સરકારે કડકમાં કડક પગલાં લેવા જ જોઈએ. પરંતુ માત્ર ભાષાના મુદ્દાને આગળ ધરીને સમગ્ર આંદોલન કે સામાન્ય વિદ્યાર્થીઓનો અવાજ દબાવી ન દેવો જોઈએ.