Meerut OMG News: ઉત્તર પ્રદેશના મેરઠમાં છૂટાછેડાનો એક અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક પરિવારે તલાક બાદ પોતાની પુત્રીનું હાર પહેરાવી સ્વાગત કર્યું છે. આટલું જ નહીં, લોકો કોર્ટથી ઘર સુધી ઢોલના તાલે ઝૂમતા-ઝૂમતા પહોંચ્યા હતા, તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવીને મોંઢુ મીઠું કરાવ્યું હતુ.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મેરઠના શાસ્ત્રીનગરમાં રહેતા નિવૃત ન્યાયાધીશ ડૉ. જ્ઞાનેન્દ્ર શર્માની પુત્રી પ્રણિતા શર્માના લગ્ન ગત 14 ડિસેમ્બર, 2018ના રોજ શાહજહાંપુરના યાકુબપુરામાં રહેતા ગૌરવ અગ્નિહોત્રી સાથે કરવામાં આવ્યા હતા.
લગ્ન પછી થોડા સમય તો બધુ વ્યવસ્થિત ચાલ્યું, પરંતુ પાછળથી પતિ સહિત સાસરી પક્ષના લોકો પ્રણિતા શર્માને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. પ્રણિતા છેલ્લા 7 વર્ષથી સાસરિયાઓનો અત્યાચાર સહન કરતી હતી. આ લગ્નજીવન દરમિયાન પ્રણિતાએ એક પુત્રને જન્મ આપ્યો, પરંતુ સાસરિયાઓનો જુલમ ઓછો ના થયો.
આખરે કંટાળીને પ્રણિતાએ ગૌરવ સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો. પ્રણિતાએ છૂટાછેડા માટે મેરઠની ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. જ્યાં શનિવારે કોર્ટે પ્રણિતા અને ગૌરવના છૂટાછેડા મંજૂર કર્યાં હતા. જે બાદ સમગ્ર પરિવાર દીકરી પ્રણિતા શર્માને વાજતે-ગાજતે ઘરે પરત લઈને આવ્યો છે.
આઈ લવ માય ડૉટર લખેલી ટી-શર્ટ પહેરીને કોર્ટમાં પહોંચ્યા
આ તકે નિવૃત જજ પિતાએ ફૂલોનો હાર પહેરાવીને પોતાની દીકરીનું સ્વાગત કર્યું હતુ. આ તકે પરિવારના તમામ સભ્યો બ્લેક કલરની ટી-શર્ટ પહેરીને કોર્ટમાં પહોંચ્યા હતા. આ ટી-શર્ટ પર દીકરી પ્રણિતાની તસવીર છાપવામાં આવી હતી. આ સાથે જ તેના પર લખ્યું હતું કે, I Love My Daughter..
પિતા જ્ઞાનેન્દ્ર શર્માએ જણાવ્યું કે, જો મારી દીકરી લગ્ન બાદ દુઃખી છે, તો તેને ખુશ રાખવી મારું કર્તવ્ય છે. જેમ દીકરીને વાજતે-ગાજતે સાસરીમાં વિદાય કરી હતી, તેવી જ રીતે આજે માન-સન્માન સાથે હું તેને પિયરમાં પોતાના ઘરે પાછી લાવ્યો છું.
વધુમાં તેમણે જણાવ્યું કે, દીકરીને ગમે તેવી સ્થિતિમાં સાસરીમાં રહેવા માટે મજબૂર કરવી તદ્દન ખોટું છે. દીકરી કોઈ સામાન નથી, પરંતુ પરિવારનો એક હિસ્સો છે. મહિલા સશક્તિકરણની વાતો માત્ર કાગળ પુરતી જ સિમિત ના રહેવી જોઈએ, તેનો વાસ્વવિક્તામાં અમલ પણ થવો જોઈએ.
જુલમ સહન ના કરશો, પોતાના માટે લડતા શીખોઃ પ્રણિતા શર્મા
બીજી તરફ પ્રણિતાએ જણાવ્યું કે, તે પોતાના માતા-પિતાની એકમાત્ર સંતાન છે. અગાઉ 2022માં એક અકસ્માતમાં મારા ભાઈનું અવસાન થઈ ગયું હતુ. સાસરી પક્ષના ત્રાસથી તે માનસિક રીતે ભાંગી પડી હતી, પરંતુ તે સમયે મને મારા પરિવારનો ભરપુર સાથ મળ્યો.
પ્રણિતાએ અન્ય મહિલાઓને સંદેશ આપતા જણાવ્યું કે, જો તમારા ઉપર પણ કોઈ જુલમ થતો હોય, તો ચૂપ ના રહેશો. તમારી જાતને મજબૂત બનાવો અને લડો. પહેલા સારું શિક્ષણ મેળવીને પગભર થયા બાદ જ લગ્ન વિશે વિચારો. દીકરીઓને શિક્ષિત અને આત્મનિર્ભર બનાવવવામાં જ ખરું મહિલા સશક્તિકરણ છે.
