Mumbai, OMG News: બોલિવૂડની જાણીતી ફિલ્મ 'થ્રી ઈડિયટ'ના (3 Idiots) અંતમાં જેમ રેન્ચો બનતો આમિર ખાન કરિના કપૂર સાથે વીડિયો કોલ પર વાત કરીને તેના માર્ગદર્શન મુજબ મોના સિંહની ડિલિવરી કરાવે છે, તેવો જ એક બનાવ મુંબઈના રેલવે સ્ટેશન પર ભજવાયો હતો.
હકીકતમાં મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલી એક પ્રેગ્નેન્ટ પ્રવાસીને ચાલુ ટ્રેનમાં જ પ્રસવ પીડા ઉપડી હતી. આ સમયે લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ એક યુવક મદદ માટે આગળ આવ્યો અને તેણે રેલવે પ્લેટફોર્મને જ કામચલાઉ ઑપરેશન થીયેટરમાં તબદીલ કરી દીધુ. આટલું જ નહીં, સતર્ક મુસાફરે એક મહિલા તબીબને વીડિયો કોલ કરીને તેની મદદથી બાળકનો જન્મ કરાવ્યો હતો. પ્લેટફોર્મ પર બનેલી આ ઘટનાનો વીડિયો લોકલ ટ્રેનના એક સહમુસાફરે શેર કર્યો છે.
ગઈકાલે મોડી રાતે મુંબઈની એક લોકલ ટ્રેન ગોરેગાંવથી મુંબઈ તરફ જઈ રહી હતી. આ ટ્રેનમાં મુસાફરી કરી રહેલી એક સગર્ભા મહિલાને અચાનક પ્રસવ પીડા ઉપડી હતી. લેબર પેઈન અસહ્ય થતાં મહિલા મદદ માટે બૂમો પાડવા લાગી. આ સમયે ટ્રેનના ડબ્બામાં મુસાફરી કરી રહેલ વિકાસ બેદ્રે નામનો યુવક મદદ માટે આગળ આવ્યો અને તેણે ઈમરજન્સી ચેન ખેંચીને ટ્રેનને રામ મંદિર સ્ટેશન પર થોભાવી દીધી હતી.
જો કે મોડી રાતના સમયે પ્લેટફોર્મ પર કોઈ મેડિકલ સુવિધા કે આસપાસ કોઈ ડોક્ટર પણ નહતો. મહિલાને હોસ્પિટલ લઈ જવા માટે કોઈ એમ્બ્યુલન્સ પણ નહતી. મહિલાને કણસતી જોતા વિકાસે પોતાને ઓળખતા મહિલા તબીબ દેવિકા દેશમુખને ફોન કરીને તેમની મદદ માંગી હતી.
माझ्या मतदारसंघातील सुपे (ता.कर्जत) येथील विकास बेंद्रे या तरुणाने कोणताही अनुभव नसताना एका अडलेल्या गर्भवती महिलेची सुखरुप प्रसूती करून तिची वेदनेतून सुटका केली. मुंबईत लोकलने प्रवास करत असताना राम मंदिर रेल्वे स्टेशन वर एक महिला प्रसूती वेदनेनं विव्हळत असल्याचं त्याला दिसलं.… pic.twitter.com/o2OMHEHLA0
— Rohit Pawar (@RRPSpeaks) October 16, 2025
આથી ડોક્ટરે વીડિયો કૉલ પર જ વિકાસને ડિલિવરીની તમામ પ્રોસેસ સ્ટેપ-બાય-સ્ટેપ સમજાવી. કોઈ પણ જાતના અનુભવ વિના વિકાસે મહિલાની ઈમરજન્સીમાં ડિલિવરી કરાવી હતી.
આ મામલે ડૉ. દેવિકાએ જણાવ્યું કે, આસપાસ કોઈ હોસ્પિટલ ના હોવાથી મેં વિકાસને પ્લેટફોર્મ પર જ ડિલિવરી કરાવવા કહ્યું હતુ. જે બાદ તે નજીકની દુકાનમાંથી ચપ્પુ અને લાઈટર લઈ આવ્યો. મેં તેને લાઈટરથી ચપ્પુ ગરમ કરીને ગર્ભનાળને કાપવાની પ્રક્રિયા સમજાવી. વિકાસ મારા કહ્યા પ્રમાણે કરતો રહ્યો. હાલ માતા અને બાળક બન્ને સ્વસ્થ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાવી દેવામાં આવ્યા છે.
આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પ્લેટફોર્મ પર ઉપસ્થિત કેટલાક લોકોએ વિકાસની હિંમત અને સંવેદનશીલતાની પ્રસંશા કરતાં તેને અસલી જિંદગીનો રેન્ચો કહી રહ્યા છે.
કરજત-જામખેડ વિધાનસભા વિસ્તારના નેશનલ કોંગ્રેસ પાર્ટી (એસ.પી.)ના ધારાસભ્ય રોહિત પવારે પણ વિકાસ બેદ્રેની હિંમતને બિરદાવી હતી અને તેનું સન્માન કર્યું હતુ. રોહિત પવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિકાસ બેદ્રેનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે.
