OMG: આજના ઈન્ટરનેટ યુગમાં મોટાભાગનું દરેક કામ ડેડલાઈન પ્રમાણે કરવું પડે છે. જેના કારણે ઘણાં લોકો ઑફિસમાં માનસિક તણાવ તેમજ શોષણનો સામનો કરે છે. ઑફિસ પૉલિટિક્સ પણ ઘણાં લોકોની કાર્યક્ષમતા પર અસર કરે છે, ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી એક પોસ્ટે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. જેમાં કર્મચારીએ ખુલાસો કર્યો છે કે, ઑપરેશન બાદ ડિસ્ચાર્જ થતાં જ મેનેજરે તેને પથારીમાં સૂતા-સૂતા કામ કરવા માટે મજબૂર કર્યો છે.
સોશિયલ મીડિયામાં પોતાનો ખરાબ અનુભવ શેર કરતાં કર્મચારીએ લખ્યું છે કે, ઑપરેશન પહેલા તે મહિનાઓ સુધી પીડા સહન કરતો રહ્યો. આખરે સર્જરી કરાવવી પડી. મારા ઑપરેશન બાદ 15 દિવસની મેડિકલ લીવ મળવા છતાં મેનેજર મને પથારીમાં સૂતા-સૂતા કામ કરવા માટે દબાણ કરતો હતો.
આટલું જ નહીં, સર્જરી સમયે જ્યારે તે દવાના ઘેનમાં હતો, ત્યારે પણ મેનેજરે મને ફોન કર્યો હતો. ઑપરેશનના ત્રીજા દિવસે જ મેનેજર કામના પ્રોગ્રેસ વિશે પૂછીને મને મેસેજ મોકલવા લાગ્યો. સાતમા દિવસે તો મેનેજરે મને પ્રશ્ન પૂછી લીધો કે, તે ફૂલ ટાઈમ કામ પર ક્યારે પરત ફરશે. જો કે સોશિયલ મીડિયામાં વાયરલ આ પોસ્ટમાં કંપની કે મેનેજરનું નામ નથી દર્શાવવામાં આવ્યું.
વધુમાં કર્મચારીએ જણાવ્યું કે, ડિસ્ચાર્જ પેપર, ડોક્ટરનું પ્રિસ્ક્રીપ્શન અને આરામ કરવાની સલાહ આપતા મેડિકલ ડોક્યૂમેન્ટ જમા કરાવવા છતાં મેનેજર કામ માટે પ્રેશર કરતો રહ્યો.
જ્યારે તેની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ, ત્યારે ઘણાં લોકોએ નિર્દયી મેનેજરના આવા અસંવેદનશીલ વર્તનની ટીકા કરી હતી. એક યુઝર્સે કોમેન્ટમાં લખ્યું પણ ખરું કે, તમને રજા મળી છે. વધારે તણાવ ના લેશો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
આ બાબત કેટલીક કંપનીઓમાં કર્મચારીઓની હાલત કેવી બદતર છે, તે તરફ ઈશારો કરી રહી છે. આ ઘટનાએ વધુ એકવાર વર્કપ્લેસ પર મળતા મૂળભૂત અધિકારો પર ચર્ચાને જન્મ આપ્યો છે.
