IndiGo Viral Video: છેલ્લા ચાર દિવસમાં દેશભરમાં 1,000 થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા એરપોર્ટ મુસાફરોથી ખીચોખીચ ભરેલા છે, તેમના સૂટકેસના ઢગલા ખડકાયેલા છે.
હકીકતમાં ફ્લાઇટ રદ થવાથી મુસાફરોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટ રદ થવાથી મુસાફરોમાં પણ અરાજકતા ફેલાઈ છે. એરપોર્ટ પરથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક આફ્રિકન-અમેરિકન મહિલા ઇન્ડિગો કાઉન્ટર સામે હંગામો કરતી જોવા મળે છે.
મુંબઈ એરપોર્ટ પર આફ્રિકન મહિલાએ મચાવ્યો હોબાળો
આ વિદેશી મહિલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં મુંબઈ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઇટ રદ થયા પછી તે મહિલા એકદમ ગુસ્સે થઈ જાય છે. મહિલા પહેલા ઈન્ડિગો કાઉન્ટર પર જાય છે અને સ્ટાફ પાસે ઈન્ક્વાયરી કરવા માંગે છે, પરંતુ જ્યારે તેને કોઈ યોગ્ય જવાબ નથી મળતો તો તે ગુસ્સે થઈ જાય છે.
આ સમયે રોષે ભરાયેલી મહિલાએ ઇન્ડિગોના ગેરવહીવટ અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. અચાનક ફ્લાઇટ રદ થતાં અને એરલાઇન સ્ટાફ તરફથી તેમને કોઈ જવાબ ન મળતાં તેનો ગુસ્સો વધી ગયો.
મહિલાના ગુસ્સાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તે એરપોર્ટ પર ઇન્ડિગોના કાઉન્ટર પર ચઢી ગઈ અને જોરથી બૂમો પાડવા લાગી હતી. જ્યારે મહિલા હંગામો મચાવી રહી હતી, ત્યારે ત્યાં હાજર અન્ય લોકો પણ તેમની ફ્લાઇટ્સ વિશે અપડેટ્સ ઇચ્છતા હતા.
ઇન્ડિગો કેસમાં કેન્દ્ર સરકાર એલર્ટ
નોંધનીય છે કે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની સેવાઓ હાલમાં કથળી રહી છે. પાઇલટ્સ અને ક્રૂની અછતને કારણે, એરલાઇનને સતત ફ્લાઇટ્સ રદ કરવી પડી રહી છે. કેન્દ્ર સરકાર પણ આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહી છે. શુક્રવારે, સરકારે આ મામલાની ઉચ્ચ-સ્તરીય તપાસનો આદેશ આપ્યો હતો.
