મથુરામાં બનેવીનો અનોખો અંદાજ, બંને સાળાઓને ₹500 ની નોટોની ₹1-1 કરોડની માળા પહેરાવી; ભારે વજનને કારણે વરરાજાઓને છત પર ઊભા રાખવા પડ્યા

રાજસ્થાનના સરપંચ એવા બનેવી યોગેશ કુમાર ઉર્ફે ભૂરા ઠાકુરે પોતાના બે સાળાઓ પ્રશાંત અને કાન્હા રાઘવને ₹500 ની ચલણી નોટોમાંથી બનેલી ₹1-1 કરોડની માળા પહેરાવીને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 23 Nov 2026 02:38 PM (IST)Updated: Mon, 23 Nov 2026 02:38 PM (IST)
mathura-viral-wedding-brother-in-law-gifts-1-crore-rupee-note-garlands-to-two-grooms-stood-on-roof-gujarati-news
વાયરલ વીડિયો

Mathura Viral Wedding: ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના સુરીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નગલા ફોંદા ગામમાં શનિવારે સાંજે નીકળેલી બે પિતરાઈ ભાઈઓની જાનમાં બનેવીનો અનોખો ઠાઠ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. રાજસ્થાનના સરપંચ એવા બનેવી યોગેશ કુમાર ઉર્ફે ભૂરા ઠાકુરે પોતાના બે સાળાઓ પ્રશાંત અને કાન્હા રાઘવને ₹500 ની ચલણી નોટોમાંથી બનેલી ₹1-1 કરોડની માળા પહેરાવીને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ ભવ્ય અને અનોખી ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ભારે અને લાંબી માળા પહેરાવવા વરરાજાઓને છત પર ઊભા રખાયા

મળતી માહિતી મુજબ, નગલા ફોંદા ગામના રહેવાસી યોગેન્દ્ર સિંહ અને કુશલપાલ સિંહના પુત્રો પ્રશાંત અને કાન્હા રાઘવની જાન શનિવારે સાંજે પાંચ વાગ્યે નીકળવાની હતી. બંને વરરાજાઓના લગ્ન ગોવર્ધનના મુડસેરસ ગામની યુવતીઓ સાથે નક્કી થયા હતા. જાન પ્રસ્થાન પહેલાં તેમના બનેવી યોગેશ કુમાર ઉર્ફે ભૂરા ઠાકુરે ખાસ ભેટ સ્વરૂપે ₹500 ની નોટોમાંથી તૈયાર કરાયેલી ₹1-1 કરોડની વિશાળ માળાઓ રજૂ કરી હતી.

આ નોટોની માળાની લંબાઈ અને વજન એટલા વધારે હતા કે એક વ્યક્તિ માટે તેને સંભાળવી મુશ્કેલ હતી. પરિણામે, બંને વરરાજાઓને મકાનની છત પર ઊભા રાખવામાં આવ્યા હતા અને ઘણા લોકોની મદદથી આ ભારેખમ માળાઓને સંભાળીને બંનેના ગળામાં પહેરાવવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ, લોકોમાં ભારે કુતૂહલ

અહેવાલો અનુસાર, બનેવી યોગેશ કુમાર ઉર્ફે ભૂરા ઠાકુર રાજસ્થાનના કામાં વિસ્તારના નંદોલા ગામના રહેવાસી છે અને કામ્યાના સરપંચ છે. લગ્ન પ્રસંગે બનેવીના આ અનોખા અને શાહી અંદાજને જોઈને ગ્રામજનો તથા સગાસંબંધીઓએ પોતાના મોબાઈલ કેમેરામાં આ પળોને કેદ કરી લીધી હતી. ત્યારબાદ આ વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ થતાં યુઝર્સમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે અને લોકો તેના પર જાતજાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

ખેડૂત નેતા મહાવીર સ્વામીના ભત્રીજા છે બંને વરરાજા

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને વરરાજા પ્રશાંત અને કાન્હા રાઘવ ખેડૂત નેતા મહાવીર સ્વામીના ભત્રીજા છે. શનિવારે યોજાયેલા આ અનોખા લગ્ન પ્રસંગમાં ₹1-1 કરોડની નોટોની માળાઓ જોઈને ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોમાં ભારે આશ્ચર્ય અને ઉત્સુકતા જોવા મળી હતી.