Mercedes Flies VIDEO VIRAL: દેશ સહિત દુનિયામાં ગોઝારા અકસ્માતના બનાવો સામે આવતા રહે છે, જેના હચમચાવી નાંખતા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.એવામાં આવા વધુ એક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મર્સિડીઝ કાર હવામાં ઉડતી જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક ડ્રાઈવર મર્સિડીઝ કારને પુરપાટ હંકારતો જોવા મળી રહ્યો છે. આ મર્સિડીઝ સર્કલ ક્રોસ કરવા જતાં હવામાં ફંગોળાઈને સામેથી આવતી બે કારોની ઉપરથી પસાર થઈ રહી છે. આ વીડિયો રોમાનિયાના હાઈવે પર ઈન્સ્ટોલ CCTVમાં કેદ થઈ ગયો છે.
હકીકતમાં એક 55 વર્ષીય વ્યક્તિ પોતાની મર્સિડીઝ ચલાવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક તેની તબિયત લથડી જતાં તેણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેના પરિણામે આ અકસ્માત થયો હતો.
CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, એક મર્સિડીઝ માંતેલા સાંઢની માફક આવી રહી છે અને સર્કલ પર પહોંચતા જ વિમાનની જેમ હવામાં ઉછળીને સામેથી આવતી બે ગાડીઓના માથા ઉપરથી પસાર થઈને ધડાકાભેર જમીન પર પટકાય છે.
The first flying car was spotted in Romania. WTF. pic.twitter.com/DQcu910Eka
— Mihai Simion (@faustocoppi60) December 4, 2025
સદ્દનસીબે જે દિશામાં મર્સિડીઝ હવામાં ઉડીને પહોંચી, ત્યાં થોડીવાર પહેલા જ એક બસ પસાર થઈ હતી. આ અકસ્માતમાં મર્સિડીઝના ડ્રાઈવરને માત્ર સામાન્ય ઈજા પહોંચી છે.
રોમાનિયન પૉર્ટલ Adevarulમાં જણાવ્યા પ્રમાણે, અકસ્માત બાદ મર્સિડીઝનો ડ્રાઈવર કારમાં જ ફસાઈ ગયો હતો. જેને ભારે જહેમતે રેસ્ક્યુ ટીમે બહાર કાઢીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મર્સિડીજનો ડ્રાઈવર નશામાં નહતો. અચાનક તેનું સુગર લેવલ ઈબેલેન્સ થતાં તેણે કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો.
