Dakor Ranchhodraiji Temple History: ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલ ડાકોર ધામ શ્રીકૃષ્ણ ભક્તો માટે એક પરમ પવિત્ર યાત્રાધામ છે. પશ્ચિમ ભારતના સૌથી પ્રખ્યાત અને ખૂબ જ આદરણીય તીર્થસ્થાનોમાંનું એક છે. શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે.ડાકોર તેના ભવ્ય મંદિર અને ભગવાન શ્રી રણછોડરાયજીની મનમોહક મૂર્તિ અને ગોમતી નદીના કિનારે વસેલા શાંત વાતાવરણ માટે પ્રસિદ્ધ છે. ગુજરાતી જાગરણ તેની મંદિરોની સિરીઝમાં આજે સુપ્રસિદ્ધ ડાકોકરધામ વિશે વિગતવાર જાણકારી આપશે.
ડાકોર મંદિર વિશે માહિતી:
આ પણ વાંચો
શ્રી રણછોડરાયજીના ભવ્ય મંદિરનું નિર્માણ ઈ.સ 1772માં શ્રી ગોપાલરાવ જગન્નાથ તાંબેકર (પેશ્વાના શરાફ) દ્વારા કરવામાં આવ્યું હતું. આ મંદિર મરાઠા અને શિખર શૈલીનું સુંદર સમન્વય છે. મંદિરના આંઠ ગુંબજ અને સુંદર કોતરણીવાળા સ્તંભો છે. મુખ્ય શિખર પર સોનાનો ઢોળ ચડાવેલો કળશ અને ધજા વિરાજમાન છે. ડાકોર મંદિરના ગર્ભગૃહમાં રણછોડરાયજીની ચતુર્ભુજ શ્યામવર્ણની મનમોહક મૂર્તિ છે. જે સોનાના દાગીના અને રેશમી વસ્ત્રોથી અલંકૃત છે.
ડાકોરનો રોચક ઈતિહાસ:
રણછોડરાયજી અને ભક્ત બોડાણાની દંતકથા જગપ્રસિદ્ધ છે. એવું માનવામાં આવે છે કે, મૂળ ભગવાન દ્વારકાધીશની મૂર્તિ આજે જે ડાકોરમાં છે તે જ છે. ડાકોર મંદિર સાથે જોડાયેલા ઈતિહાસ પ્રમાણે, ડાકોરમાં ભગવાન શ્રીકૃષ્ણના વિજયસિંહ બોડાણા નામના એક પરમ ભક્ત રહેતા હતા. તેઓ દર પૂનમે હાથમાં તુલસીનો છોડ લઈને ડાકોરથી દ્વારકા ચાલીને જતા હતા.જ્યારે તેઓ વૃદ્ધ અને નબળા થઈ ગયા જેથી તેઓ કઠિન યાત્રા કરી શક્યા નહી. તેથી ભગવાન કૃષ્ણ પોતાના ભક્તની અનન્ય ભક્તિથી પ્રસન્ન થઈને સપનામાં આવીને હું ડાકોર આવીશ એમ કહ્યું.
મૂર્તિની ચોરી અને ચમત્કાર: ભગવાનની આજ્ઞાથી બોડાણા દ્વારકાથી મૂર્તિ લઈને ડાકોર આવ્યા. દ્વારકાના પૂજારીઓ (ગુગળી બ્રાહ્મણો) મૂર્તિ શોધતા ડાકોર આવ્યા. ત્યારે ભગવાનની મૂર્તિ ગોમતી તળાવમાં છુપાવી દીધી હતી. દ્વારકાથી આવેલા પુજારીઓએએ મૂર્તિ મેળવવા માટે બોડાણાને કહ્યું અંતે સમાધાન કરતા પૂજારીઓએ શરત મૂકી હતી.
સોનાની બરાબર વજન: પૂજારીઓએ શરત રાખી કે, મૂર્તિના વજન જેટલું સોનું આપો તો જ મૂર્તિ અહીં રાખવા દઈશું. ભક્ત બોડાણા ગરીબ હતા, તેમની પત્નીા પાસે માત્ર એક નાની સોનાની વાળી (બુટ્ટી) હતી. જ્યારે ત્રાજવામાં એકબાજુ ભગવાનની મૂર્તિ અને બીજીબાજુ એ નાની વાળી મૂકવામાં આવી, ત્યારે ભગવાને ચમત્કાર કર્યો અને મૂર્તિનું વજન એ નાની વાળી જેટલું જ હલકું થઈ ગયું! આ રીતે ભગવાન ડાકોરમાં જ રોકાઈ ગયા.
શ્રી ઠાકોરજીના નિત્ય દર્શનનો સમય (ડાકોર)
| દર્શનનો પ્રકાર | દર્શન ખુલ્લા સમય | દર્શન બંધ સમય |
| મંગળા આરતી દર્શન | 6:45 થી 8:30 | 8:30 થી 9:00 |
| બાલભોગ, શૃંગારભોગ, ગ્વાલભોગ દર્શન (ત્રણભોગ ભેગા) | 9:00 થી 11:00 | 11:00 થી 11:30 |
| રાજભોગ આરતી દર્શન | 11:30 થી 12:00 | 12:00 થી 4:00 |
| બપોરનો વિરામ | — | બપોરે 12 થી 4 મંદિર દર્શન સંપૂર્ણ બંધ રહેશે |
| ઉત્થાપન આરતી દર્શન | 4:00 થી 5:00 | 5:00 થી 5:15 |
| શયનભોગ આરતી | 5:15 થી 6:00 | 6:00 થી 6:45 |
| સખડીભોગ દર્શન | 6:45 થી 7:30 | 7:30 દર્શન બંધ |
રવિવાર માટે વિશેષ સમયપત્રક
| વાર | સવારનો સમય | સાંજનો સમય | સ્થિતિ |
| રવિવાર | 09:00 થી 12:00 | 04:00 થી 06:00 | દર્શન સતત ખુલ્લા રહેશે |
મંદિર પરિસરમાં સુવિધા:
- ભક્તો શાંતિથી અને શિસ્તબદ્ધ રીતે દર્શન કરી શકે તે માટે સ્ટીલના બેરિકેડ્સવાળી સુધારેલી લાઈન વ્યવસ્થા છે. તહેવારોના દિવસોમાં ભીડને નિયંત્રિત કરવા માટે ખાસ વોકિંગ ટ્રેક અને વધારાના શેડ બનાવવામાં આવે છે.
- વૃદ્ધો, અશક્ત લોકો અને દિવ્યાંગ ભક્તો માટે મંદિરમાં વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ છે. તેમજ તેમના માટે દર્શનની લાઈનમાં પણ વિશેષ પ્રાથમિકતા આપવામાં આવે છે.
- મંદિર પરિસરમાં ઠેર-ઠેર ભક્તો માટે ઠંડા અને શુદ્ધ પીવાના પાણીના વોટર કૂલર (RO પ્લાન્ટ સાથે) મૂકવામાં આવ્યા છે.
- મંદિર ટ્રસ્ટ દ્વારા ખૂબ જ નજીવા દરે (અથવા મર્યાદિત કૂપન દ્વારા) ભક્તો માટે શુદ્ધ અને સાત્વિક ભોજન/પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ઉપરાંત, ભગવાનનો મુખ્ય પ્રસાદ (મગજના લાડુ) મેળવવા માટે પરિસરમાં જ ખાસ પ્રસાદ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે.
- યાત્રાળુઓ પોતાના કિંમતી સામાન, બેગ અને મોબાઈલ ફોન સુરક્ષિત રીતે મૂકી શકે તે માટે મંદિરની બહાર/પરિસરમાં લોકરની સુવિધા ઉપલબ્ધ છે (કારણ કે ગર્ભગૃહની આસપાસ મોબાઈલ કે કેમેરા લઈ જવાની મનાઈ છે).
- ભક્તોના પગરખાં સાચવવા માટે વિનામૂલ્યે મોટા જૂતા ઘરની વ્યવસ્થા છે.
- સમગ્ર મંદિર પરિસર ચોવીસ કલાક CCTV કેમેરાની દેખરેખ હેઠળ રહે છે. ભક્તોની સુરક્ષા અને ખિસ્સાકાતરુઓથી બચાવવા માટે પૂરતા પ્રમાણમાં સિક્યોરિટી ગાર્ડ અને પોલીસ તૈનાત હોય છે.
- અચાનક કોઈ ભક્તની તબિયત બગડે તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પ્રાથમિક તબીબી કીટ અને ઈમરજન્સી એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખવામાં આવે છે. મોટી પૂનમ કે હોળી જેવા ઉત્સવોમાં ખાસ મેડિકલ કેમ્પ પણ યોજાય છે.
- પરિસરમાં ભક્તો માટે આધુનિક અને સ્વચ્છ શૌચાલય (Toilets) તેમજ હાથ-પગ ધોવા માટેના ઘાટ બનાવવામાં આવ્યા છે. સ્વચ્છતા જાળવવા માટે સફાઈ કર્મચારીઓ સતત કાર્યરત રહે છે.
- દૂર-દૂરથી આવતા ભક્તો માટે મંદિર ટ્રસ્ટ સંચાલિત ધર્મશાળાઓ આવેલી છે, જ્યાં ખૂબ જ સસ્તા દરે એસી (AC) અને નોન-એસી રૂમો રહેવા માટે મળી રહે છે. આ સિવાય ડાકોરમાં ઘણી ખાનગી હોટલો અને અન્ય જ્ઞાતિની વાડીઓ પણ ઉપલબ્ધ છે.
- પદયાત્રીઓ અને વાહનો લઈને આવતા ભક્તો માટે મંદિરથી થોડે દૂર મોટા પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી મંદિરની આસપાસ ટ્રાફિક જામ ન થાય.
ડાકોરધામ કેવી રીતે પહોંચવુ?
સડક માર્ગ:
ડાકોર ધામનું અંતર અમદાવાદથી અંદાજે 80 કિમી અને વડોદરાથી અંદાજે 70 કિમી જેટલું થાય છે. ગુજરાતના તમામ મુખ્ય શહેરોથી એસ.ટી બસ અને પ્રાઈવેટ વાહનો દ્વારા ભક્તો ડાકોર સુધી પહોંચી શકે છે.
રેલ્વે માર્ગ:
ડાકોર રેલ્વે સ્ટેશન આણંદ-ગોધરા બ્રોડગેજ લાઈન પર આવેલું છે, ડાકોર પાસે આણંદ અને નડિયાદ મેઈન જંકશન છે. ગુજરાતના કોઈ પણ ભાગેથી ભક્તો દર્શન કરવા માટે અહીં આવી શકે છે.
હવાઈ માર્ગ:
ડાકોરની નજીકનું એરપોર્ટ અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. અહીંથી ભક્તો હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટ થઈને ટ્રેન, એસ.ટી અને પ્રાઈવેટ ગાડીના માધ્યમથી ડાકોર પહોંચી શકે છે.
ડાકોરની આસપાસ જોવાલાયક સ્થળો
જો તમે ડાકોર જઈ રહ્યા છો, તો રણછોડરાયજીના મંદિર સિવાય આ સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો:
- ગોમતી તળાવ: મુખ્ય મંદિરની બિલકુલ સામે આવેલું મોટું તળાવ, જ્યાં ભક્તો સ્નાન કરે છે અને નૌકાવિહાર (બોટિંગ) ની મજા માણે છે.
- ડંકનાથ મહાદેવ મંદિર: ડાકોરનું નામ ડંક ઋષિ પરથી પડ્યું છે. આ મંદિર ડંક ઋષિની તપોભૂમિ માનવામાં આવે છે.
- શ્રી લક્ષ્મીજી મંદિર: મુખ્ય મંદિરની થોડે દૂર આવેલું છે. એવી પરંપરા છે કે રણછોડરાયજીના દર્શન કર્યા પછી લક્ષ્મીજીના દર્શન કરવા જરૂરી છે.
- બોડાણાની જગ્યા: ભક્ત બોડાણાનું ઘર અને તેમનું સ્મરણ સ્થાન આવેલું છે.
ડાકોરનું પ્રખ્યાત ખાણું:
જો તમે ડાકોર દર્શન કરવાની તૈયારીમાં હોય તો ત્યાંના ફેમસ ગોટા ખાવાનું ભૂલતા નહી. ત્યાંના ગોટા અને દહીંનું કોમ્બિનેશન આખા ગુજરાતમાં ફેમસ છે.
