Guru Nanak Dev Jayanti: શીખ ધર્મના આદ્યસ્થાપક ગુરુ નાનક દેવ માનવતા, સમાનતા અને સેવાના પ્રેરણામૂર્તિ;કચ્છ સાથે છે શું નાતો છે તે જાણો

Guru Nanak Dev Jayanti: વૈશ્વિક સ્તરે પ્રેમ, સમાનતા અને ભાઈચારાનો સંદેશ ફેલાવનાર શીખ ધર્મના પ્રથમ ગુરુ ગુરુ નાનક દેવ જીના વિચારો સદી બાદ આજે પણ એટલા જ પ્રાસંગિક છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 23 Nov 2026 02:38 PM (IST)Updated: Mon, 23 Nov 2026 03:00 PM (IST)
guru-nanak-dev-jayanti-inspiring-facts-about-his-life-teachings-and-gujarat-connection

Guru Nanak Dev Jayanti: વૈશ્વિક સ્તરે પ્રેમ, સમાનતા અને ભાઈચારાનો સંદેશ ફેલાવનાર શીખ ધર્મના પ્રથમ ગુરુ ગુરુ નાનક દેવ જીના વિચારો સદી બાદ આજે પણ એટલા જ પ્રાસંગિક છે. વર્ષ 1469માં કારતક પૂનમના દિવસે અત્યારના પાકિસ્તાનના પંજાબ પ્રાંત સ્થિત રાય ભોઈ દી તલવંડી ખાતે તેમનો જન્મ થયો હતો.આ પવિત્ર ભૂમિ વિશ્વભરમાં નનકાના સાહિબ તરીકે પૂજાય છે. તેમના જીવનના એવા ઐતિહાસિક અને આધ્યાત્મિક પાસા પર નજર કરશું.

એકતા અને સમાનતાનો ક્રાંતિકારી વિચાર

આધ્યાત્મિક અનુભૂતિ બાદ ગુરુ નાનક દેવ જીએ પરમાત્મા એક જ હોવાનો 'એક ઓંકાર'નો સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો. ધાર્મિક વાડાબંધીથી પર રહીને તેમણે 'ના કોઈ હિન્દુ છે, ના કોઈ મુસલમાન'નો નાદ ગુંજતો કર્યો, જેનો મૂળ આશય માત્ર માનવ ધર્મને સર્વોપરી ગણવાનો હતો. સમાજમાંથી ઊંચ-નીચના ભેદભાવને જડમૂળથી નાબૂદ કરવા તેમણે 'પંગત' (એક હરોળમાં બેસવું) અને લંગર (નિઃશુલ્ક સમૂહ ભોજન) ની અનોખી પરંપરા શરૂ કરી, જ્યાં કોઈ પણ વર્ગ કે દરજ્જાના ભેદભાવ વિના સૌ સાથે બેસીને પ્રસાદ ગ્રહણ કરે છે.

સાર્થક જીવનના ત્રણ સૂત્રો અને નારી ગૌરવ

સામાન્ય માનવી પણ આધ્યાત્મિક ઉન્નતિ સાધી શકે તે માટે તેમણે જીવનના ત્રણ પાયાના નિયમો આપ્યા: પ્રભુનું સ્મરણ કરવું ('નામ જપો'), પ્રામાણિક પરિશ્રમથી આજીવિકા રળવી ('કિરત કરો') અને પોતાની કમાણીનો હિસ્સો જરૂરિયાતમંદો સાથે વહેંચવો ('વંડ છકો'). તે સમયના રૂઢિચુસ્ત સમાજમાં નારી સશક્તિકરણનો અવાજ બુલંદ કરતા તેમણે વાણી ઉચ્ચારી હતી કે, જે સ્ત્રી સમ્રાટોને જન્મ આપે છે, તેને સમાજમાં ક્યારેય ઉતરતી ગણી શકાય નહીં.

24 વર્ષની વિશ્વયાત્રા અને ગુજરાતનું કચ્છ

સત્ય અને સદભાવનાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવા ગુરુ નાનક દેવ જીએ આશરે અઢી દાયકા સુધી ચારેય દિશાઓમાં પગપાળા પરિભ્રમણ કર્યું, જે ઈતિહાસમાં 'ઉદાસીઓ' તરીકે જાણીતું છે. આ પ્રવાસમાં તેમણે ભારત ઉપરાંત તિબેટ, શ્રીલંકા, મક્કા-મદીના અને બગદાદ સુધીની મુલાકાત લીધી હતી. આ સમગ્ર સફરમાં તેમના અભિન્ન સાથી ભાઈ મર્દાના સતત સાથે રહ્યા, જેઓ ગુરુજીની રચનાઓને 'રબાબ' વાદ્યના સૂર સાથે સંગીતબદ્ધ કરતા હતા. ગુજરાત માટે એ ઐતિહાસિક ગૌરવની બાબત છે કે આ યાત્રા દરમિયાન ગુરુ નાનક દેવ જી કચ્છના લખપત ખાતે રોકાયા હતા. અહીં નિર્મિત 'ગુરુદ્વારા પહેલી પાતશાહી'ને તેના સ્થાપત્ય અને ઐતિહાસિક મહત્ત્વ બદલ યુનેસ્કો દ્વારા એશિયા-પેસિફિક હેરિટેજ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે.

સાહિત્યિક વારસો અને કરતારપુરમાં અંતિમ પડાવ

ગુરુ નાનક દેવ જી દ્વારા રચિત 974 જેટલા પવિત્ર પદો શીખ ધર્મના સર્વોચ્ચ ગ્રંથ 'શ્રી ગુરુ ગ્રંથ સાહિબ'માં સંગ્રહિત છે, જેમાં જપજી સાહિબ'નું સ્થાન અત્યંત મહત્ત્વનું છે. જીવનના ઉત્તરાર્ધમાં તેમણે રાવી નદીના તટે કરતારપુર કે જે હાલ પાકિસ્તાનમાં છે તે નગર વસાવ્યું અને સ્વયં ખેતી કરીને શ્રમના મહિમાનું ઉદાહરણ પૂરું પાડ્યું. સપ્ટેમ્બર 1539માં નશ્વર દેહ ત્યાગતા પૂર્વે તેમણે પોતાના પરમ શિષ્ય ભાઈ લહણાને 'ગુરુ અંગદ દેવ જી' તરીકે ઉત્તરાધિકારી જાહેર કરી ગુરુ પરંપરાને આગળ ધપાવી હતી.