Wallet Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં દરેક વસ્તુને લઈને કોઈને કોઈ નિયમોનું વર્ણન કરવામાં આવ્યું છે, ત્યારે આપણું પાકીટ અર્થાત પર્સ પણ આવી જ એક વસ્તુ છે, જેને વ્યક્તિગત ઉર્જાનો ભાગ ગણવામાં આવે છે.
પાકીટ માત્ર પૈસા રાખવા માટેની વસ્તુ નથી, પરંતુ તેને ધનની દેવી લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે. આથી પાકીટ તરફ પૈસા અને સકારાત્મક ઉર્જા આકર્ષિત કરવા માટે તેને વ્યવસ્થિત રાખવું આવશ્યક છે. જેવી રીતે ઘરની દિશાઓ તેમજ ઘરની સ્વચ્છતા આપણા જીવન પર અસર કરે છે, તેવી રીતે પાકીટમાં રાખવામાં આવેલી વસ્તુઓ પણ આપણી આર્થિક સ્થિતિને અસર કરતી હોય છે.
આપણામાંથી ઘણા લોકો પર્સમાં ATMમાંથી નીકળેલ બેંક સ્ટેટમેન્ટની રિસિપ્ટો, બસ કે ટ્રેનની ટિકિટો, કોઈના વિઝિટિંગ કાર્ડ જેવી અનેક વસ્તુઓ ભરી રાખતા હોય છે. આવી નકામી વસ્તુઓ પાકીટમાં ભરી રાખવાથી ધનનો પ્રવાહ અટકી જાય છે. તો ચાલો આજે અમે આપને પાકીટ માટેના કેટલાક વાસ્તુ નિયમો જણાવીએ, જેનું પાલન કરવાથી તમને ક્યારેય પૈસાની તંગી નહીં વર્તાય...
- જૂના બિલઃ અનેક લોકો શૉપિંગ મોલમાંથી ખરીદી કર્યાં બાદ મળતા બિલને પાકીટમાં મૂક્યા બાદ કાઢવાનું ભૂલી જતાં હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં તેને નકારાત્મક ઉર્જાનો સંચાર માનવામાં આવે છે. આવા જૂના બિલ આપણને ખર્ચાઓની યાદ અપાવે છે અને પૈસાની કમીનો ડર ઉભો કરે છે. આથી આવા બિલોને જેમ બને તેમ જલ્દી કાઢી દેવા જોઈએ.
- ફાટેલી નોટઃ વાસ્તુ શાસ્ત્રમાં ફાટેલી નોટો દરિદ્રતાને આમંત્રણ આપતી હોવાનું કહેવાય છે. જ્યારે પૈસા લક્ષ્મી માતાનું સ્વરૂપ છે. આથી પાકીટમાં રાખેલી ફાટેલી નોટો લક્ષ્મી માતા પ્રત્યેનો અનાદર દર્શાવે છે. જેના પરિણામે અણધાર્યા ખર્ચા આવી પડતા પૈસાની બચત નથી થતી. આથી હંમેશા પર્સમાં નવી નોટોને વ્યવસ્થિત ગોઠવીને રાખવી જોઈએ.
- મૃત પૂર્વજોના ફોટાઃ ઘણા લોકો લાગણીવશ પોતાના મૃત પૂર્વજોનો ફોટા પાકીટમાં રાખતા હોય છે, પરંતુ તેનાથી વ્યક્તિ પર નકારાત્મક અસર પડી શકે છે અને આવકના માર્ગ બંધ થઈ જાય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે, પૂર્વજોને ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં સ્થાન આપવું જોઈએ, પરંતુ પર્સમાં ના રાખવા જોઈએ.
- અણીદાર વસ્તુઓઃ વાસ્તુ શાસ્ત્રમાં પાકીટમાં જૂની ચાવીઓ, સેફ્ટી પિન જેવી અણીદાર વસ્તુઓ રાખવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. આવી વસ્તુઓ વાસ્તુ દોષ પેદા કરે છે, જે તમારી નિર્ણય લેવાની ક્ષમતાને અસર કરે છે.
- હિસાબની ચબરખીઓઃ ઘણાં લોકો પૈસાની લેવડ-દેવડના હિસાબની ચબરખીઓ પણ પાકીટમાં મૂકી રાખતા હોય છે, જે વાસ્તુ દોષ પેદા કરે છે. આવી ચબરખીઓ તમને સતત તણાવની સ્થિતિમાં રાખે છે. આથી પૈસાની લેવડ-દેવડ માટે એક અલગથી ડાયરી રાખવી જોઈએ.
ઉપાયઃ (Vastu Upay)
જો તમે વાસ્તુ દોષથી બચવા માંગતા હોવ તો પાકીટમાં ચલણી નોટ અને સિક્કાને અલગ-અલગ તેમજ વ્યવસ્થિત રાખવા જોઈએ. આ ઉપરાંત તમે પાકીટમાં ચોખાના દાણા અને લક્ષ્મી માતાનો ફોટો પણ રાખી શકો છે. જેનાથી પૈસાનો પ્રવાહ વધશે.
