Gujarat State Squash Championship 2026: તાજેતરમાં યોજાયેલી ચિરિપાલ ગુજરાત સ્ટેટ સ્ક્વૉશ ચેમ્પિયનશિપ 2026ની જુનિયર, સીનિયર અને માસ્ટર્સ કેટેગરીમાં 11 ખેલાડીને સ્ટેટ ચેમ્પિયનનો ખિતાબ આપવામાં આવ્યો છે. આ ચેમ્પિયનશિપનું આયોજન ઑલ ગુજરાત સ્ક્વૉશ રેકેટ્સ એસોસિયેશન (AGSRA) દ્વારા ‘ચિરિપાલ સ્ક્વૉશ એક્સિલેન્સ પ્રોગ્રામ’ હેઠળ 1થી 3 ઓગસ્ટ, 2026 દરમિયાન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ ચેમ્પિયનશિપને સ્ક્વૉશ રેકેટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (SRFI)ની માન્યતા પ્રાપ્ત થયેલી છે.
જે ખેલાડીઓને ખિતાબ આપવામાં આવ્યો છે તેમાં અહાન ભટ્ટ (બોઇઝ અંડર-11), સાયેશા મોદી (ગર્લ્સ અંડર-11), ભવ્યરાજસિંહ જાડેજા (બોઇઝ અંડર-13), મિરાયા પટેલ (ગર્લ્સ અંડર-13), કિયાન કનાડે (બોઇઝ અંડર-15), હેતાંશ કાલરિયા (બોઇઝ અંડર-17), માન્યા સાવલિયા (ગર્લ્સ અંડર-17), અમિત સિંઘવી (મેન્સ 35+), ધૃતિહ કાંડપાલ (વિમેન્સ), વિરાજ શાહ (મેન્સ 45+) અને વેદાંત પટેલ (મેન્સ ઓપન)નો સમાવેશ થાય છે. તેઓ પોત-પોતાની કેટેગરીમાં સ્ટેટ ચેમ્પિયન બન્યાં હતાં.
ચિરિપાલ ગ્રૂપના પ્રમોટર રોનક ચિરિપાલે જણાવ્યું હતું કે ચિરિપાલ ગુજરાત સ્ટેટ સ્ક્વૉશ ચેમ્પિયનશિપ માત્ર એક ટુર્નામેન્ટ નથી પરંતુ તે આપણા રાજ્યમાં સ્ક્વૉશની લોકપ્રિયતા સતત વધી રહી હોવાનું પ્રતિબિંબ છે. દરેક ચેમ્પિયનશિપ ખેલાડીઓની નવી પેઢીને પ્રેરણા આપે છે તેમજ રમતના પાયાના સ્તરેથી રાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠતા સુધી પહોંચવાનો માર્ગ મોકળો કરી આપે છે.
ગત એક વર્ષ દરમિયાન ‘ચિરિપાલ સ્ક્વૉશ એક્સિલેન્સ’ AGSRA, વિવિધ ક્લબ્સ, કૉચ અને સ્ક્વૉશના વ્યાપક સમુદાય સાથે મળીને તેના 4C ફ્રેમવર્ક – કૉચિઝ, ક્લિનિક્સ, કૉમ્પિટિશન્સ અને ચેમ્પિયન્સ દ્વારા આ રમતને નવા સ્તરે લઈ જવા માટે કામગીરી કરી રહ્યું છે તેમજ ગુજરાત અને રાજ્યની બહાર પણ સ્ક્વૉશ માટે એક સ્થાયી ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટે કટિબદ્ધ છે.
ઑલ ગુજરાત સ્ક્વૉશ રેકેટ્સ એસોસિયેશન (AGSRA)ના સેક્રેટરી ભાનુ પ્રતાપ સિંહ વાલાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ખાસ કરીને જુનિયર લેવલે સ્ક્વૉશની ગુણવત્તામાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. અમારું ફૉકસ સુઆયોજિત સ્પર્ધાઓ, કૉચના વિકાસ અને મજબૂત સહભાગીદારીના માધ્યમથી વધુ તકો ઊભી કરવા પર છે. આવી પહેલના માધ્યમથી અમે વધુને વધુ ખેલાડીઓને ગુજરાત અને ભારતનું સર્વોચ્ચ સ્તરે પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર કરી રહ્યા છીએ.સ્ક્વૉશ વર્ષ 2028માં લૉસ એન્જલસ ખાતે યોજાનારી ઑલિમ્પિક ગેમ્સમાં પ્રથમ વખત સામેલ થશે. ગુજરાતમાં નિયમિત સ્પર્ધાઓ, ગુણવત્તાસભર કૉચિંગ અને પર્ફોમન્સને સતત સુધારીને ઉભરતા ખેલાડીઓ માટે સતત નવી તકોનું સર્જન કરવામાં આવી રહ્યું છે.
