15 વર્ષના વૈભવ સૂર્યવંશીને મળી મોટી જવાબદારી, ઈશાન કિશન સંભાળશે ઈસ્ટ ઝોનની કમાન

દુલિપ ટ્રોફી 2026 માટે ઈસ્ટ ઝોનની ટીમ જાહેર. 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને વાઇસ કેપ્ટન બનાવાયો છે, જ્યારે ઈશાન કિશન ટીમની કેપ્ટનશિપ સંભાળશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 29 Jul 2026 11:25 PM (IST)Updated: Wed, 29 Jul 2026 11:25 PM (IST)
15-year-old-vaibhav-suryavanshi-handed-a-major-responsibility-ishan-kishan-to-lead-east-zone

Duleep Trophy 2026: ભારતીય ક્રિકેટમાં પોતાના વિસ્ફોટક પ્રદર્શનથી સનસનાટી મચાવનાર યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી માટે વધુ એક મોટી અને ઐતિહાસિક ક્ષણ આવી પહોંચી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પસંદગીકારો હવે વૈભવને માત્ર એક બેટ્સમેન તરીકે જ નહીં, પરંતુ એક સક્ષમ લીડર તરીકે પણ તૈયાર કરી રહ્યા છે. આગામી દુલિપ ટ્રોફી 2026 માટે જાહેર કરાયેલી ઈસ્ટ ઝોન (East Zone) ટીમમાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની પસંદગી કરવામાં આવી છે અને તેને ટીમની વાઇસ કેપ્ટનશીપની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે.

બીજી તરફ, ભારત અને ઝારખંડના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશનને ઈસ્ટ ઝોન ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

માત્ર 15ની ઉંમરે વાઇસ કેપ્ટન

તાજેતરમાં ઝિમ્બાબ્વે સામે સમાપ્ત થયેલી ટી20 સિરીઝમાં વૈભવ સૂર્યવંશીએ પોતાના બેટથી રમખાણ મચાવ્યું હતું. તેણે 3 મેચોની સિરીઝમાં બે શાનદાર અડધી સદી ફટકારી હતી અને સિરીઝમાં સૌથી વધુ રન બનાવીને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો હતો. નોંધનીય છે કે, વૈભવ ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે અડધી સદી ફટકારનાર બેટ્સમેન પણ બન્યો હતો.

અસાધારણ ટેલેન્ટ અને મેચ્યોરિટીને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ માત્ર 15 વર્ષની વયે જ તેને ઈસ્ટ ઝોન જેવી મજબૂત ટીમનો વાઇસ કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો છે, જે દર્શાવે છે કે તેને ભારતીય ક્રિકેટના ભવિષ્યના સુકાની તરીકે જોવામાં આવી રહ્યો છે.

ઈશાન કિશનના ખભા પર ટ્રોફી જીતાડવાની જવાબદારી

ઘરઆંગણાના ક્રિકેટમાં ઝારખંડની સફળ કપ્તાની કરી ચૂકેલા ઈશાન કિશન પર પસંદગીકારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઈશાનની આગેવાની હેઠળ ઝારખંડે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. હવે ઈસ્ટ ઝોનને દુલિપ ટ્રોફીમાં ચેમ્પિયન બનાવવાનો મોટો પડકાર ઈશાન કિશન સામે રહેશે.

બિહાર ક્રિકેટ માટે ગર્વની ક્ષણ

બિહાર ક્રિકેટ એસોસિએશન (BCA)ના પ્રમુખ હર્ષ વર્ધને વૈભવ સૂર્યવંશીની આ સિદ્ધિને બિરદાવતા ખુશી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે- આટલી નાની ઉંમરે દુલિપ ટ્રોફીની ઈસ્ટ ઝોન ટીમમાં ઉપકેપ્ટન બનવું એ સમગ્ર બિહાર ક્રિકેટ માટે અત્યંત ગર્વની વાત છે. વૈભવના શાનદાર પ્રદર્શન અને તેની પરિપક્વ રમત શૈલીએ પસંદગીકારોનો વિશ્વાસ જીત્યો છે.

નોંધનીય છે કે, ઈસ્ટ ઝોનની આ ટીમમાં બિહારમાંથી પસંદગી પામેલો વૈભવ એકમાત્ર ખેલાડી છે, જ્યારે ટીમમાં મોટાભાગના ખેલાડીઓ બંગાળ અને ઝારખંડના છે.

દુલિપ ટ્રોફી 2026 માટે ઈસ્ટ ઝોનની સંપૂર્ણ સ્ક્વોડ

ઈશાન કિશન (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી (વાઇસ કેપ્ટન), અભિમન્યુ ઈશ્વરન, સુદીપ કુમાર ઘરામી, શાહબાઝ અહમદ, સુરજ સિંધુ જેસ્વાલ, મોહમ્મદ શમી, મુકેશ કુમાર, કુમાર કુશાગ્ર, શિકર મોહન, અનુકૂલ રોય, વિરાટ સિંહ, સુભ્રાંશુ સેનાપતિ, દેનિશ દાસ, અભિજીત સરકાર.