ભારત-શ્રીલંકા ટેસ્ટ શ્રેણી પહેલાં વિવાદ, પ્રેક્ટિસ મેચની પીચ પર ઘાસ જોઈને ટીમ ઈન્ડિયા નારાજ

શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચની પીચને લઈને ભારતીય ટીમ મેનેજમેન્ટે નારાજગી વ્યક્ત કરી છે. પીચ પર વધુ પડતું ઘાસ હોવા અંગે ક્યુરેટરે મોટો ખુલાસો કર્યો છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 06 Aug 2026 05:56 PM (IST)Updated: Thu, 06 Aug 2026 05:56 PM (IST)
controversy-ahead-of-india-sri-lanka-test-series-team-india-displeased-upon-seeing-grass-on-the-practice-match-pitch

IND vs SL Test Series: શ્રીલંકા સામેની બે મેચોની ટેસ્ટ શ્રેણી શરુ થાય તે પહેલાં જ ભારતીય ટીમ માટે એક નવો વિવાદ સામે આવ્યો છે. ગાલે ખાતે રમાનારી પ્રથમ ટેસ્ટ મેચ પહેલાં ટીમ ઈન્ડિયા કોલંબોમાં ત્રણ દિવસીય અભ્યાસ મેચ (Practice Match) રમવાની છે. સ્થાનિક પરિસ્થિતિઓ અને સ્પિન અનુકૂળ વાતાવરણને સમજવા માટે આ પ્રેક્ટિસ મેચ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાઈ રહી છે. પરંતુ શુક્રવારથી શરૂ થઈ રહેલી આ મેચ માટે જે પીચ તૈયાર કરવામાં આવી છે, તેને જોઈને ભારતીય ટીમ મેનેજમેન્ટ બિલકુલ ખુશ નથી.

પીચ પર ઘાસ જોઈને ભડક્યું ભારતીય મેનેજમેન્ટ

અહેવાલો અનુસાર, જ્યારે ભારતીય ટીમ મેનેજમેન્ટે નોનડેસ્ક્રિપ્ટ્સ ક્રિકેટ ક્લબ (NCC)ની પીચનું નિરીક્ષણ કર્યું, ત્યારે ત્યાં પીચ પર ખાસ્સું ઘાસ જોવા મળ્યું હતું. શ્રીલંકાની પીચો સામાન્ય રીતે સ્પિનરો માટે મદદગાર માનવામાં આવે છે અને ટેસ્ટ સીરિઝમાં પણ આવી જ પીચો મળવાની અપેક્ષા છે. પરંતુ પ્રેક્ટિસ મેચ માટે ઘાસવાળી પીચ તૈયાર કરાતાં ટીમ ઈન્ડિયાએ નારાજગી વ્યક્ત કરી હતી, કારણ કે આ પરિસ્થિતિ વાસ્તવિક ટેસ્ટ મેચના માહોલથી સાવ અલગ છે.

ક્યુરેટરનો ખુલાસો- શ્રીલંકા ક્રિકેટની માંગ પર જ રખાયું છે ઘાસ

ભારતીય ટીમની નારાજગી બાદ NCCના અધિકારી એ. ફ્રેન્કે મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે- ભારતીય ટીમે પીચ પર વધારે ઘાસ હોવા અંગે રજૂઆત કરી હતી. પરંતુ ત્રણ દિવસની મેચ હોવાથી અમે પીચ પરથી સાવ ઘાસ હટાવી શકીએ નહીં. આ સિવાય ટીમ પીચની અન્ય બાબતોથી સંતૃપ્ત હતી. અમે જે વિકેટ આપી છે તે બેટિંગ અને બોલિંગ બંને માટે સારી છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે- શ્રીલંકા ક્રિકેટ (SLC) તરફથી જ મેચ માટે પીચ પર થોડું ઘાસ રાખવાની વિનંતી કરવામાં આવી હતી. આ જ કારણે અમે તેને આવું રાખ્યું છે. મેચ આગળ વધશે તેમ પરિસ્થિતિ બદલાઈ શકે છે. સામાન્ય રીતે NCCની પીચ બેટિંગ માટે ઉત્તમ હોય છે અને અહીં મોટા સ્કોર બનવાની પૂરી શક્યતા છે. ભારતીય બેટ્સમેનો ગાલે જતાં પહેલાં અહીં સારી પ્રેક્ટિસ કરી શકશે.

ભારત - શ્રીલંકા ટેસ્ટ સીરિઝનું શિડ્યુલ

3 દિવસીય અભ્યાસ મેચ: 7 ઓગસ્ટથી 9 ઓગસ્ટ (નોનડેસ્ક્રિપ્ટ્સ ક્રિકેટ ક્લબ, કોલંબો)

પ્રથમ ટેસ્ટ મેચ: 15 ઓગસ્ટથી (ગાલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ)

બીજી ટેસ્ટ મેચ: 23 ઓગસ્ટથી (કોલંબો)

શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ માટે આ પ્રવાસ એશિયાઈ મહાદ્વીપમાં પોતાની ટેસ્ટ પકડ મજબૂત કરવાનો સુવર્ણ અવસર છે, પરંતુ તે પહેલાં આ પીચ વિવાદે વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે.