Delhi Premier League 2026: દિલ્હી પ્રીમિયર લીગ 2026 માં 4 ઓગસ્ટ ના રોજ ન્યૂ દિલ્હી ટાઇગર્સ અને આઉટર દિલ્હી વોરિયર્સ વચ્ચે રમાયેલી મેચમાં એક આશ્ચર્યજનક ઘટના બની હતી. ક્રિકેટના મેદાનમાં ભાગ્યે જ જોવા મળે તેવા આ દ્રશ્યમાં ન્યૂ દિલ્હી ટાઇગર્સના કેપ્ટન હિંમત સિંહે છેલ્લી ઘડીએ પોતાની ભૂલ પર ગુસ્સે થઈને બોલને લાત મારી હતી, જે સીધી સ્ટમ્પમાં વાગતા બેટ્સમેન રનઆઉટ થયો હતો અને મેચ ટાઈ થઈ હતી. આ અજીબોગરીબ રન આઉટનો વીડિયો જોઈ દરેક ક્રિકેટ ચાહક ચાહક અવાક રહી ગયા છે. પહેલી નજરે એવું લાગે કે મેચ જીતી જશે, પરંતુ નિરાશામાં બોલને મારેલી લાતથી બોલ સ્ટમ્પને વાગે છે અને મેચ પલટાઈ જાય છે.
મેચમાં વરસાદનું વિઘ્ન અને રોમાંચક અંત
વરસાદને કારણે મેચના ઓવરો ઘટાડીને 15-15 કરવામાં આવ્યા હતા. ન્યૂ દિલ્હી ટાઇગર્સે પ્રથમ બેટિંગ કરતા 156 રનનો સ્કોર ઊભો કર્યો હતો. ટીમ વતી લક્ષ્ય થરેજાએ 62 રન અને કેપ્ટન હિંમત સિંહે 5 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 61 રન ફટકાર્યા હતા. 156 રનનો પીછો કરવા ઉતરેલી આઉટર દિલ્હી વોરિયર્સને છેલ્લી ઓવરમાં જીત માટે 9 રનની જરૂર હતી.
છેલ્લા બોલે ડ્રામા
મેચના છેલ્લા બોલ પર આઉટર દિલ્હીને જીતવા માટે માત્ર 1 રનની જરૂર હતી. બેટ્સમેન પ્રથમ સલૂજાએ શોટ માર્યો અને રન માટે દોડ્યો. મીડ-ઓફ પર ઉભેલા હિંમત સિંહ બોલ પકડવામાં નિષ્ફળ રહ્યા હતા અને તેમને લાગ્યું કે તેઓ મેચ હારી ગયા છે. આ હતાશા અને ગુસ્સામાં તેમણે બોલને જોરથી લાત મારી હતી. ચમત્કારિક રીતે બોલ સીધો નોન-સ્ટ્રાઈકર એન્ડના સ્ટમ્પ સાથે અથડાયો અને બેટ્સમેન ક્રીઝની બહાર હોવાથી રનઆઉટ જાહેર થયો હતો. આ ઘટના જોઈને ન્યૂ દિલ્હી ટાઇગર્સના ખેલાડીઓ અને ખુદ હિંમત સિંહ પણ ચોંકી ગયા હતા.
સુપર ઓવરમાં વિજેતાનો નિર્ણય
આ અણધાર્યા રનઆઉટ સાથે મેચ ટાઈ થઈ હતી, જેના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. જોકે, ત્યારબાદ રમાયેલી સુપર ઓવરમાં આઉટર દિલ્હી વોરિયર્સે શાનદાર પ્રદર્શન કરતા 20 રન બનાવ્યા હતા. સામે પક્ષે ન્યૂ દિલ્હી ટાઇગર્સ માત્ર 6 રન જ બનાવી શકી હતી અને આખરે આઉટર દિલ્હી વોરિયર્સનો વિજય થયો હતો.
ઉલ્લેખનીય છે કે હિંમત સિંહ આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમી ચૂક્યા છે અને ગત વર્ષે મુશ્તાક અલી ટ્રોફીમાં પણ તેમણે સારું પ્રદર્શન કર્યું હતું. દિલ્હી પ્રીમિયર લીગની આ સિઝન 31 જુલાઈ થી શરૂ થઈ છે અને તેની ફાઈનલ 30 ઓગસ્ટના રોજ રમાશે.
