Vaibhav Sooryavanshi: તાજેતરમાં રમાયેલા અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે માત્ર 80 બોલમાં 175 રન ફટકારીને ભારતને છઠ્ઠું વર્લ્ડ કપ ટાઈટલ જીતાડનાર 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી અત્યારે ચર્ચાના કેન્દ્રમાં છે. 15 છગ્ગા અને 15 ચોગ્ગા સાથેની તેની આ ઈનિંગે તેને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધો છે. જોકે, BCCI ની ઈચ્છા અને ચાહકોની માંગ હોવા છતાં વૈભવ અત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (સિનિયર ટીમ) રમી શકશે નહીં. તેની પાછળનું મુખ્ય કારણ ICCના કડક નિયમો છે.
શું છે ICCનો લઘુત્તમ વય મર્યાદાનો નિયમ?
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વર્ષ 2020માં ખેલાડીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે એક નવી નીતિ અમલમાં મૂકી હતી. આ નિયમ મુજબ, કોઈપણ ખેલાડીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (ટેસ્ટ, વનડે કે ટી20) રમવા માટેની લઘુત્તમ વય 15 વર્ષ હોવી અનિવાર્ય છે. આ નિયમ તમામ ફોર્મેટ અને અંડર-19 સિવાયની તમામ આંતરરાષ્ટ્રીય મેચોને લાગુ પડે છે.
27 માર્ચ 2026 સુધી જોવી પડશે રાહ
બિહારના વતની વૈભવ સૂર્યવંશીનો જન્મ 27 માર્ચ, 2011ના રોજ થયો છે. વર્તમાન સમય (ફેબ્રુઆરી 2026) મુજબ તે હજુ પણ તકનીકી રીતે 14 વર્ષનો જ છે. તે ભલે ગમે તેટલી ઝડપી સદી ફટકારે કે IPL માં પ્રભાવશાળી દેખાવ કરે, પરંતુ જ્યાં સુધી તે 27 માર્ચ, 2026 ના રોજ 15 વર્ષ પૂરા ન કરે ત્યાં સુધી ભારતીય પસંદગીકારો તેને સિનિયર ટીમ માટે પસંદ કરી શકશે નહીં.
અંડર-19 ટીમમાં પણ હવે ફરી તક નહીં મળે?
વૈભવ માટે બીજી મુશ્કેલી એ છે કે BCCIની નવી નીતિ મુજબ, કોઈ પણ ખેલાડી સામાન્ય રીતે એક જ અંડર-19 વર્લ્ડ કપ રમી શકે છે. આ નીતિનો હેતુ વય-જૂથની છેતરપિંડી રોકવાનો અને નવી પ્રતિભાઓને સતત તક પૂરી પાડવાનો છે. આથી, અંડર-19 માં તેનો સમય પૂરો થયો છે અને સિનિયર ટીમ માટે હજુ તે વય મર્યાદામાં બંધાયેલો છે.
ભવિષ્યનો સુપરસ્ટાર
વૈભવે જે રીતે ઇંગ્લિશ બોલરોના હૃદયમાં ડર પેદા કર્યો છે, તે જોતા નિષ્ણાતો માને છે કે 15 વર્ષ પૂર્ણ થતાની સાથે જ તે ભારત માટે ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડીઓમાંનો એક બની શકે છે. અત્યારે તેની પાસે સ્થાનિક ક્રિકેટ અને આગામી IPL સિઝનમાં વધુ અનુભવ મેળવવાની ઉત્તમ તક છે.
