T20 World Cup 2026 India Full Schedule: T20 વર્લ્ડ કપ 2026માં 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે મહામુકાબલો, અમદાવાદમાં આ દિવસે રમશે ટીમ ઈન્ડિયા

T20 World Cup ના ઇતિહાસમાં આજ સુધી કોઈ પણ ટીમ સફળતાપૂર્વક પોતાનું ટાઈટલ ડિફેન્ડ કરી શકી નથી, તેમજ કોઈ યજમાન દેશ પણ ટ્રોફી જીતી શક્યો નથી.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Wed 26 Nov 2025 10:35 AM (IST)Updated: Wed 26 Nov 2025 10:35 AM (IST)
icc-t20-world-cup-2026-team-india-full-schedule-dates-venues-ind-vs-pak-match-644698

T20 World Cup 2026 India Full Schedule: ક્રિકેટરસિકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે T20 વર્લ્ડ કપ 2026 ના કાર્યક્રમની મંગળવારે ICC એ સત્તાવાર જાહેરાત કરી છે. ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં યોજાનારી આ મેગા ઇવેન્ટમાં ટીમ ઈન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત 7 ફેબ્રુઆરીથી કરશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને ગ્રુપ A માં કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે રાખવામાં આવ્યું છે.

ભારત સામે ઈતિહાસ રચવાનો પડકાર

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ગત વર્ષે દક્ષિણ આફ્રિકાને હરાવીને ચેમ્પિયન બનેલી ભારતીય ટીમ પાસે આ વખતે નવો ઈતિહાસ રચવાની તક છે. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આજ સુધી કોઈ પણ ટીમ સફળતાપૂર્વક પોતાનું ટાઈટલ ડિફેન્ડ કરી શકી નથી, તેમજ કોઈ યજમાન દેશ પણ ટ્રોફી જીતી શક્યો નથી. ટીમ ઈન્ડિયા આ બંને રેકોર્ડ તોડવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

Group A: કાગળ પર સરળ, મેદાન પર જોખમી

ભારતને ગ્રુપ A માં સ્થાન મળ્યું છે, જેમાં પાકિસ્તાન, યુનાઇટેડ સ્ટેટ્સ (USA), નામિબિયા અને નેધરલેન્ડ્સનો સમાવેશ થાય છે. આ ગ્રુપ દેખાવમાં સરળ લાગે છે પરંતુ USA અને નેધરલેન્ડ્સ જેવી ટીમોને હળવાશથી લેવી ભારે પડી શકે છે. ગત વર્લ્ડ કપમાં USA ની ટીમે પાકિસ્તાનને હરાવીને મોટો ઉલટફેર સર્જ્યો હતો. આ ટીમમાં અનેક ભારતીય અને અન્ય દેશોના મૂળના ખેલાડીઓ છે જેઓ અનુભવી છે. તેવી જ રીતે નેધરલેન્ડ્સ પણ ભૂતકાળમાં મોટી ટીમોને ચોંકાવી ચુકી છે.

ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ સમયપત્રક

  • 7 ફેબ્રુઆરી: ભારત વિરુદ્ધ USA – વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ
  • 12 ફેબ્રુઆરી: ભારત વિરુદ્ધ નામિબિયા – અરુણ જેટલી સ્ટેડિયમ, નવી દિલ્હી
  • 15 ફેબ્રુઆરી: ભારત વિરુદ્ધ પાકિસ્તાન – આર. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો
  • 18 ફેબ્રુઆરી: ભારત વિરુદ્ધ નેધરલેન્ડ્સ – નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ

નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો હાઈ-વોલ્ટેજ મુકાબલો 15 ફેબ્રુઆરીના રોજ શ્રીલંકાના કોલંબોમાં રમાશે. અમદાવાદમાં પણ 18 ફેબ્રુઆરીએ ભારતનો મુકાબલો જોવા મળશે.