India vs Namibia T20 World Cup 2026 Playing 11: T20 વર્લ્ડ કપ 2026 માં પોતાની વિજયી લય જાળવી રાખવાના ઈરાદા સાથે ભારતીય ટીમ આજે તેની બીજી ગ્રુપ મેચમાં નામિબિયા સામે ટકરાશે. દિલ્હીના ઐતિહાસિક અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાનારી આ મેચમાં ચાહકોની નજર ટીમ ઇન્ડિયાના પ્લેઇંગ 11 પર રહેશે, કારણ કે સ્ટાર ઓપનર અભિષેક શર્માની બીમારી અને જસપ્રીત બુમરાહની વાપસીએ ચર્ચા જગાવી છે.
સેમસનને મળી શકે છે તક
ભારતીય ટીમ માટે ચિંતાના સમાચાર એ છે કે યુવા ઓપનર અભિષેક શર્મા પેટમાં ઇન્ફેક્શન અને તાવના કારણે નાદુરસ્ત છે. જોકે તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, પરંતુ મેચ ફિટનેસને જોતા તેનું રમવું શંકાસ્પદ છે. આવી સ્થિતિમાં, કેપ્ટન સૂર્યકુમાર યાદવ ઈશાન કિશન સાથે સંજુ સેમસનને ઓપનિંગમાં અજમાવી શકે છે. સેમસન પાસે પાવરપ્લેનો આક્રમક ઉપયોગ કરવાની ક્ષમતા છે, જે ટીમને મજબૂત શરૂઆત અપાવી શકે છે.
બુમરાહની વાપસીથી બોલિંગ આક્રમણ મજબૂત બનશે
પ્રથમ મેચમાં ન રમનાર વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હવે સંપૂર્ણ સ્વસ્થ છે. મંગળવારે નેટ્સમાં તેણે ધારદાર બોલિંગનો અભ્યાસ કર્યો હતો, જે સ્પષ્ટ સંકેત આપે છે કે તે નામિબિયા સામે મેદાનમાં ઉતરશે. બુમરાહના આગમનથી મોહમ્મદ સિરાજને પ્લેઇંગ 11 માંથી બહાર બેસવું પડી શકે છે. ડેથ ઓવર્સમાં બુમરાહની હાજરી વિરોધી ટીમ માટે પડકારરૂપ સાબિત થશે.
પાકિસ્તાન સામેની મહાજંગ પૂર્વે લય મેળવવાનો પડકાર
15 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમાનારી હાઈ-વોલ્ટેજ મેચ પહેલા ભારત માટે આ એક મહત્વપૂર્ણ પ્રેક્ટિસ જેવી મેચ છે. ગત મેચમાં સૂર્યકુમાર યાદવ સિવાયના બેટ્સમેનો ખાસ પ્રભાવ પાડી શક્યા નહોતા. તેથી, તિલક વર્મા અને રિંકુ સિંહ જેવા મધ્યમ ક્રમના બેટ્સમેનો માટે આ મેચમાં રન બનાવીને આત્મવિશ્વાસ મેળવવો અનિવાર્ય છે. ટીમ મેનેજમેન્ટ સંતુલન જાળવવા માટે ત્રણ ઓલરાઉન્ડરો, હાર્દિક પંડ્યા, શિવમ દુબે અને અક્ષર પટેલ સાથે મેદાનમાં ઉતરે તેવી પ્રબળ શક્યતા છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
સંજુ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ.
ભારતીય ટીમ સ્ક્વોડ
સંજુ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અભિષેક શર્મા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર.
