India vs Namibia Live Streaming, T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026 માં શાનદાર શરૂઆત કર્યા બાદ, હવે ભારતીય ક્રિકેટ ટીમ પોતાના બીજા મુકાબલા માટે સજ્જ થઈ ગઈ છે. ગુરુવાર, 12 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના ઐતિહાસિક અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ભારત અને નામિબિયા વચ્ચે જંગ જામશે. ગ્રુપ A માં ટોચનું સ્થાન ધરાવતી ભારતીય ટીમ આ મેચ જીતીને સેમીફાઈનલ તરફ પોતાની પકડ મજબૂત કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
પ્રથમ મેચના સંઘર્ષ બાદ સુધારા પર નજર
ઓપનિંગ મેચમાં ભારતે યુએસએ (USA) સામે વિજય મેળવ્યો હતો, પરંતુ આ જીત સંઘર્ષપૂર્ણ રહી હતી. મધ્યક્રમમાં બેટ્સમેનોના ધબડકા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે જવાબદારીપૂર્વક બેટિંગ કરી ટીમને જીત સુધી પહોંચાડી હતી. નામિબિયા સામેની મેચમાં ભારતનો ટોપ ઓર્ડર લયમાં પરત ફરે તેવી પ્રબળ શક્યતા છે. ખાસ કરીને ઈશાન કિશન અને અભિષેક શર્મા પાસે વિસ્ફોટક શરૂઆતની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
નામિબિયા સામે ભારતનો દબદબો
ઐતિહાસિક આંકડાઓ પર નજર કરીએ તો નામિબિયા સામે ભારતનો પક્ષ ઘણો મજબૂત છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં વર્ષ 2021 માં બંને ટીમો સામસામે આવી હતી, જેમાં ભારતે 9 વિકેટથી એકતરફી વિજય મેળવ્યો હતો. હાલમાં ભારત ગ્રુપ A માં 2 પોઈન્ટ્સ અને +1.450 ના શાનદાર નેટ રન રેટ સાથે પ્રથમ સ્થાને છે. પાકિસ્તાન પણ સમાન પોઈન્ટ્સ ધરાવે છે, પરંતુ રન રેટના આધારે ભારત અત્યારે મોખરે છે.
ક્યારે અને ક્યાં જોઈ શકાશે લાઈવ મેચ?
ભારત અને નામિબિયા વચ્ચેનો આ રોમાંચક મુકાબલો ભારતીય સમય અનુસાર સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલો પર કરવામાં આવશે જ્યારે JioCinema એપ અને વેબસાઇટ પર લાઈવ-સ્ટ્રીમ કરવામાં આવશે.
ભારતીય સ્ક્વોડ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, શિવમ દુબે, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન અને વોશિંગ્ટન સુંદર.
