IND vs SA 1st T20I Playing 11: બે ટેસ્ટ અને ત્રણ ODI શ્રેણીના રોમાંચ બાદ હવે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 જંગ જામશે. 5 મેચની આ શ્રેણીનો પ્રથમ મુકાબલો આજે 9 ડિસેમ્બર, મંગળવારના રોજ કટકમાં રમાશે. દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટ શ્રેણીમાં 2-0 થી જીત મેળવી હતી, જ્યારે ભારતે વન-ડે શ્રેણીમાં 2-1 થી વિજય મેળવ્યો હતો. આગામી T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા બંને ટીમો માટે આ શ્રેણી અત્યંત મહત્વની બની રહેશે.
શુભમન ગિલ અને હાર્દિક પંડ્યાની વાપસી
ભારતીય ટીમ માટે રાહતના સમાચાર એ છે કે T20 ટીમનો વાઈસ કેપ્ટન શુભમન ગિલ સંપૂર્ણ રીતે ફિટ થઈને મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે. કોલકાતામાં રમાયેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન ગરદનની ઈજાને કારણે ગિલ ટીમમાંથી બહાર હતો, પરંતુ હવે તે વાપસી કરવા તૈયાર છે. આ ઉપરાંત, સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળશે. એશિયા કપમાં ઈજાગ્રસ્ત થયા બાદ હાર્દિકે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દ્વારા સ્પર્ધાત્મક ક્રિકેટમાં વાપસી કરી છે અને હવે તે T20 શ્રેણી માટે ઉપલબ્ધ છે.
સંજુ સેમસન કે જીતેશ શર્મા?
પ્લેઈંગ 11 માં વિકેટકીપરની પસંદગીને લઈને ટીમ મેનેજમેન્ટ સામે મોટો પ્રશ્ન છે. સંજુ સેમસન મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી રહ્યો છે, પરંતુ તે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે. બીજી તરફ, જીતેશ શર્મા એક આક્રમક ફિનિશર તરીકે ઉભરી આવ્યો છે. ટીમ સંતુલન અને ફિનિશરની ભૂમિકાને ધ્યાનમાં રાખતા, સંજુ સેમસનને સ્થાને જીતેશ શર્માને પ્રથમ મેચમાં તક મળે તેવી પ્રબળ શક્યતાઓ છે.
ભારતની સંભવિત પ્લેઈંગ 11: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, જીતેશ શર્મા (વિકેટકીપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહ.
દક્ષિણ આફ્રિકાની સંભવિત પ્લેઈંગ 11: ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), એડન માર્કરામ (કેપ્ટન), ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવાલ્ડ બ્રેવિસ, ડોનોવન ફેરેરા, જ્યોર્જ લિન્ડે, માર્કો જેન્સેન, કોર્બિન બોશ, એનરિચ નોર્કિયા અને ક્વેના મ્ફાકા.
