Ravindra Jadeja Emotional Video: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) માટે સ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. વર્ષો સુધી જે ટીમ માટે પોતાનું લોહી-પરસેવો એક કર્યો, તે જ ટીમની સામે ગઈકાલે તે મેદાનમાં ઉતર્યો હતો. રાજસ્થાન રોયલ્સ (RR) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાયેલી રોમાંચક મેચ દરમિયાન એક એવી ક્ષણ આવી જ્યારે રવિન્દ્ર જાડેજા પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યો નહીં અને લાઈવ મેચમાં તેની આંખો છલકાઈ ગઈ હતી.
કેમ ભાવુક થયો 'સર' જાડેજા?
રવિન્દ્ર જાડેજા આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહ્યો છે. મેચ દરમિયાન જ્યારે તે બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો, ત્યારે ચેન્નાઈના ચાહકોએ એકસાથે તેનું નામ લેવાનું શરૂ કર્યું અને તેના માનમાં નારા લગાવ્યા. આ ઘટના CSK ની ઇનિંગ્સની 9મી ઓવર દરમિયાન બની હતી. ચાહકોનો આ અપાર પ્રેમ જોઈને જાડેજા ગળગળો થઈ ગયો હતો અને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા.
Jadeja was seen emotional when crowd starts to chant CSK...CSK pic.twitter.com/oPRvmU2wAm
— rocket.jadeja (@sherjedeja) March 30, 2026
ખલીલ અહેમદની જર્સી પરના લોગોને કર્યું ચુંબન
મેચ પૂરી થયા બાદ જાડેજાનો ચેન્નાઈ પ્રત્યેનો લગાવ ફરી એકવાર જોવા મળ્યો હતો. જ્યારે તે CSK ના ખેલાડી ખલીલ અહેમદ સાથે વાત કરવા ગયો, ત્યારે ખલીલની જર્સી પર ચેન્નાઈ સુપર કિંગ્સનો લોગો જોઈને જાડેજા ભાવુક થઈ ગયો. તેણે તરત જ નમીને તે લોગોને ચુંબન કર્યું હતું. આ ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હવે તે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
The best moment of tonight’s match was, when Jaddu kissed CSK logo on khaleel ahmad’s chest while having a conversation with khaleel. Jaddu still love and respect CSK🥺💛 pic.twitter.com/RDASHgg70e
— seema. (@moviemaniacs_7) March 30, 2026
મેચમાં શાનદાર પ્રદર્શન
લાગણીશીલ હોવા છતાં, જાડેજાએ મેદાન પર વ્યાવસાયિક અભિગમ જાળવી રાખ્યો હતો. તેણે પોતાની જૂની ટીમ સામે ઘાતક બોલિંગ કરતા 3 ઓવરમાં માત્ર 18 રન આપીને 2 મહત્વની વિકેટ ઝડપી હતી. તેના આ પ્રદર્શનને કારણે રાજસ્થાન રોયલ્સે આ મેચ 8 વિકેટથી જીતી લીધી હતી.
'CSK છોડવું સરળ નહોતું' - જાડેજા
મેચ બાદ પોતાની પ્રતિક્રિયા આપતા રવિન્દ્ર જાડેજાએ જણાવ્યું હતું કે, '12-13 વર્ષ સુધી જે ટીમ માટે રમ્યો હોઉં, તેને છોડવું જરાય સરળ નહોતું. RR માં જોડાયા બાદ મારી લાગણીઓ પર કાબૂ મેળવવામાં મને ઘણો સમય લાગ્યો છે. આજે જ્યારે મેદાન પર ચાહકોએ મારા નામની બૂમો પાડી, ત્યારે હું મારી જાતને રોકી શક્યો નહીં.'
