ક્રિકેટ જગતમાં મોટો આંચકો! માત્ર 25 વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડના આ યુવા ફાસ્ટ બોલરે અચાનક લીધો સંન્યાસ

ઇંગ્લેન્ડના 25 વર્ષીય ઝડપી બોલર જોન ટર્નરે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. ઇજાના કારણે લીધો મોટો નિર્ણય.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 06 Aug 2026 11:37 PM (IST)Updated: Thu, 06 Aug 2026 11:37 PM (IST)
john-turner-retires-at-25-england-fast-bowlers-career-ends

John Turner Retirement: સામાન્ય રીતે કોઈપણ ક્રિકેટર માટે 25 વર્ષની ઉંમર તેની કારકિર્દીનો ગોલ્ડન ફેઝ (પીક ફોર્મ) માનવામાં આવે છે. આ જ ઉંમરે ઘણા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની જગ્યા મજબૂત કરતા હોય છે, ત્યારે ઇંગ્લેન્ડના યુવા ઝડપી બોલર જોન ટર્નરે અચાનક સંન્યાસની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે.

સતત ઇજાઓથી ઝઝૂમી રહેલા આ 25 વર્ષીય ફાસ્ટ બોલરે આંતરરાષ્ટ્રીય અને પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો મોટો નિર્ણય લીધો છે.

ઇજાઓએ બગાડી કારકિર્દી

જોન ટર્નરે ઇંગ્લેન્ડ માટે વનડે અને ટી20 ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેઓ છેલ્લે 17 જૂન 2025ના રોજ એક ટી20 મેચમાં રમતા જોવા મળ્યા હતા, જેમાં તેમણે 4 ઓવરમાં 23 રન આપ્યા હતા પરંતુ એકપણ વિકેટ મળી નહોતી. ત્યારબાદ સતત ઇજાઓને કારણે તે ટીમમાંથી બહાર થતો રહ્યો અને આખરે તેણે નાની ઉંમરે જ રમતને અલવિદા કહેવાનો આકરો નિર્ણય લેવો પડ્યો.

ટર્નરે ઇંગ્લેન્ડ માટે 2 વનડે અને 2 ટી20 મેચ રમી છે, જેમાં વનડેમાં 2 વિકેટ અને ટી20 માં 1 વિકેટ ઝડપી હતી. તેમણે વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી.

ઘરઆંગણે મેળવી હતી મોટી સફળતા

ઘરેલુ ક્રિકેટમાં જોન ટર્નરનું પ્રદર્શન અત્યંત શાનદાર રહ્યું હતું, જેના જોરે જ તેમને નેશનલ ટીમમાં સ્થાન મળ્યું હતું. તેમણે 10 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 25 વિકેટ, 19 લિસ્ટ-એ મેચોમાં 37 વિકેટ (જેમાં બે વાર 5 વિકેટ હોલ સામેલ છે) અને 35 ટી20 મેચોમાં 8.44ની ઇકોનોમીથી 48 વિકેટ ઝડપી હતી.

જોકે, ફિટનેસની સતત સમસ્યારૂપ સ્થિતિના કારણે આ પ્રતિભાશાળી બોલરની આંતરરાષ્ટ્રીય કારકિર્દી અકાળે પૂરી થઈ ગઈ છે.