MS Dhoni Bike Racing: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો બાઇક્સ પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. રાંચીમાં આવેલા તેમના આલીશાન ફાર્મહાઉસના ગેરેજમાં એકથી એક ચડિયાતી અને વિન્ટેજ બાઇકોનું વિશાળ કલેક્શન છે. પરંતુ આ વખતે ધોનીનો બાઇક પ્રત્યેનો જુસ્સો એક સાવ અલગ અને રોમાંચક અવતારમાં સામે આવ્યો છે. સોમવારે સોશિયલ મીડિયા પર ધોનીનો એક વિડિયો ખૂબ જ વાયરલ થયો છે, જેમાં તે વ્યાવસાયિક રેસિંગ ટ્રેક પર સુપરબાઇક દોડાવતો નજરે પડે છે.
રાંચીના રસ્તાઓ નહીં, પ્રોફેસનલ રેસિંગ ટ્રેક પર થ્રિલ
સામાન્ય રીતે ધોની રાંચીના રસ્તાઓ પર પોતાની ફેવરિટ બાઇક ચલાવતો જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે નજારો અલગ હતો. ધોની ચેન્નાઈ નજીક આવેલ ઇરુંગટ્ટુકોટ્ટાઇ સ્થિત 'મદ્રાસ ઇન્ટરનેશનલ સર્કિટ' ખાતે પહોંચ્યો હતો. તે 'TVS યુરોગ્રીપ' માટેના એક પ્રમોશનલ ઇવેન્ટના શૂટિંગ સંદર્ભે ત્યાં ગયો હતો.
અહીં ધોનીએ સામાન્ય રાઇડરની જેમ નહીં, પરંતુ એક પ્રોફેસનલ રેસરની જેમ સંપૂર્ણ રેસિંગ ગિયર (લેધર સૂટ અને હેલ્મેટ) પહેરીને કાયમી રેસિંગ સર્કિટ પર ક્રેઝી સ્પીડમાં બાઇક દોડાવી હતી અને એક પૂરો લેપ પૂર્ણ કર્યો હતો.
ચહેરા પર દેખાયો અનોખો આનંદ
બાઇક રાઇડિંગ દરમિયાન અને લેપ પૂર્ણ કર્યા બાદ ધોનીના ચહેરા પરનો રોમાંચ અને આનંદ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો. ખૂબ જ હાઈ-સ્પીડમાં ટ્રેક પર બાઇક દોડાવવાનો અનુભવ ધોની માટે ખાસ રહ્યો હતો. જ્યારે તે બાઇક ચલાવીને પીટ લેનમાં પાછો ફર્યો, ત્યારે ત્યાં હાજર ફોટોગ્રાફર્સ અને ચાહકોએ તેને ઘેરી લીધો હતો. જોકે, તે માત્ર એક શૂટિંગ અને જુસ્સાનો ભાગ હતો; ધોની કોઈ પ્રોફેસનલ રેસિંગ કરિયર શરૂ કરવાનો વિચાર નથી કરી રહ્યો.
હેલ્મેટ ઉતારતાં જ ફેન્સમાં માઇન્ડ-બ્લોઇંગ ઉત્સાહ
ધોનીએ રાઇડ પૂરી કરીને જેવું પોતાનું હેલ્મેટ ઉતાર્યું, કે તુરંત જ ત્યાં હાજર ફેન્સ 'ધોની... ધોની...' ના નારા લગાવવા લાગ્યા હતા. ચાહકો તેની એક ઝલક મેળવવા માટે અત્યંત ઉત્સુક દેખાતા હતા.
ઉલ્લેખનીય છે કે, ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ મુખ્યત્વે IPL રમતો જ જોવા મળે છે. ઈજાના કારણે ગત સીઝનમાં રમવાથી વંચિત રહ્યા બાદ ચાહકો તેને જોવા માટે હંમેશા આતુર હોય છે. આવા સમયે રેસિંગ અવતારમાં ધોનીને જોઈને તેના ચાહકોમાં અનોખો ક્રેઝ જોવા મળ્યો છે.
