Shakib Al Hasan: બાંગ્લાદેશના પૂર્વ ક્રિકેટ કેપ્ટન અને અવામી લીગના પૂર્વ સાંસદ શાકિબ અલ હસનના પૈતૃક નિવાસસ્થાન પર બુધવારે રાત્રે અજ્ઞાત તત્વો દ્વારા પેટ્રોલ બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો છે. આ ભયાનક ઘટના બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના દ્વારા દિલ્હીથી યોજાયેલી વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં શાકિબની ઉપસ્થિતિના ગણતરીના કલાકો બાદ જ બની હતી.
માગુરા સ્થિત ઘર પર રાત્રે થયો હુમલો
આ પણ વાંચો
સ્થાનિક સમય મુજબ રાત્રે આશરે 8:45 વાગ્યે માગુરા શહેરના કેશબમોડ વિસ્તારમાં આવેલા શાકિબ અલ હસનના પૈતૃક મકાન પર કેટલાક અસામાજિક તત્વોએ પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. આ દરમિયાન મકાનમાં તોડફોડ પણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, નવી દિલ્હીના ફોરેન કોરસ્પોન્ડન્ટ્સ ક્લબ ખાતે શેખ હસીનાએ એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં શાકિબ અલ હસન પણ વર્ચ્યુઅલી જોડાયો હતો. તે કાર્યક્રમમાં દેખાયા તેના થોડા જ સમયમાં તેના ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું.
અવામી લીગે હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી
આ ઘટના બાદ અવામી લીગે એક સત્તાવાર નિવેદન જારી કરીને હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી છે. પાર્ટીએ જણાવ્યું હતું કે- પ્રેસ કોન્ફરન્સમાં સામેલ થવાની કિંમત ઘરો પર આગચંપી કરીને વસૂલવામાં આવી રહી છે. બાંગ્લાદેશમાં નવ-ફાસીવાદ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અવામી લીગે આ ઘટનાને પોતાની પાર્ટીના કાર્યકરો અને નેતાઓ સામે ચાલી રહેલા હિંસક અભિયાનનો એક ભાગ ગણાવ્યો છે.
ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પાછા ફરવા શેખ હસીનાનો મક્કમ નિર્ધાર
બીજી તરફ, વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન 78 વર્ષીય પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ મોટું નિવેદન આપતા કહ્યું હતું કે તેઓ આગામી ડિસેમ્બરમાં ગમે તે ભોગે બાંગ્લાદેશ પરત ફરવા માટે મક્કમ છે.
તેમણે ઉમેર્યું હતું કે- મારી વાપસી સત્તા મેળવવા માટે નથી, પરંતુ બાંગ્લાદેશને ફરીથી વિકાસ, ધર્મનિરપેક્ષતા અને સમૃદ્ધિના માર્ગે લાવવા માટે છે. જીવનું જોખમ સ્વીકારતાં તેમણે કહ્યું હતું કે તેમને જેલમાં મોકલવામાં આવે કે મારી નાખવામાં આવે, છતાં પણ તેઓ પોતાના દેશના લોકો પાસે પાછા ફરશે.
