SMAT 2025: અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 32 બોલમાં સદી ફટકારી; 16 છગ્ગા સાથે રોહિત-યુવરાજની બરાબરી કરી

SMAT 2025માં પંજાબના કેપ્ટન અભિષેક શર્માએ બંગાળ સામે માત્ર 32 બોલમાં સદી ફટકારી અને 52 બોલમાં 148 રનની ઐતિહાસિક ઈનિંગ રમી. અનેક રેકોડ્સ તોડ્યા.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sun 30 Nov 2025 02:07 PM (IST)Updated: Sun 30 Nov 2025 02:07 PM (IST)
smat-2025-abhishek-sharma-148-runs-fastest-century-records-t20-highlights-647104

SMAT 2025: સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) 2025 માં આજે રનના ઢગલા જોવા મળ્યા હતા. વિશ્વના નંબર 1 T20I બેટ્સમેન અને પંજાબના કેપ્ટન અભિષેક શર્માએ બંગાળ વિરુદ્ધ રમાયેલી મેચમાં તોફાની બેટિંગ કરતા ઐતિહાસિક ઈનિંગ રમી હતી. હૈદરાબાદના જીમખાના ગ્રાઉન્ડ પર અભિષેક શર્માએ માત્ર 52 બોલમાં 148 રન ખડકી દીધા હતા, જેમાં તેણે રોહિત શર્મા, યુવરાજ સિંહ અને ઋષભ પંત જેવા દિગ્ગજોના રેકોર્ડની બરાબરી કરી હતી.

SMAT 2025: અભિષેક શર્માની રેકોર્ડ બ્રેકિંગ ઈનિંગ

  • ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ અભિષેક શર્માએ આક્રમક શરૂઆત કરી હતી. તેણે પોતાની જ જૂની IPL ટીમના સાથી અને અનુભવી બોલર મોહમ્મદ શમીની પહેલી જ ઓવરમાં 23 રન ફટકારીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. અભિષેકે માત્ર 52 બોલનો સામનો કરીને 148 રનની યાદગાર ઈનિંગ રમી હતી.
  • આ ઈનિંગ દરમિયાન અભિષેકે 16 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ તેણે T20 ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ છગ્ગા મારવાનો વિશ્વવિક્રમ સ્થાપ્યો છે. ગત વર્ષે તેણે 87 છગ્ગા માર્યા હતા, જ્યારે આ વર્ષે તેણે પોતાનો જ રેકોર્ડ તોડીને 91 છગ્ગા ફટકાર્યા છે.
  • અભિષેકે T20 માં પોતાની 8 મી સદી ફટકારીને રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી છે. ભારતીય બેટ્સમેનોમાં હવે માત્ર વિરાટ કોહલી (9 સદી) તેનાથી આગળ છે.
  • અભિષેકે માત્ર 12 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. આ સાથે તેણે પોતાના મેન્ટોર યુવરાજ સિંહના 12 બોલમાં ફિફ્ટીના રેકોર્ડની બરાબરી કરી છે. (ભારતીય રેકોર્ડ આશુતોષ શર્માના નામે છે - 11 બોલ).
  • 32 બોલમાં સદી ફટકારીને અભિષેકે ઋષભ પંતના રેકોર્ડની બરાબરી કરી છે, જે કોઈ ભારતીય દ્વારા ત્રીજી સૌથી ઝડપી સદી છે. (નોંધ: સૌથી ઝડપી સદીનો રેકોર્ડ સંયુક્ત રીતે ઉર્વિલ પટેલ અને ખુદ અભિષેક શર્માના નામે છે - 28 બોલ).

T20માં એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટર્સ

  • તિલક વર્મા - 151 રન (67 બોલ) - 23 નવેમ્બર 2024
  • અભિષેક શર્મા - 148 રન (52 બોલ) - 30 નવેમ્બર 2025
  • શ્રેયસ ઐયર - 147 રન (55 બોલ) - 21 ફેબ્રુઆરી 2019
  • પુનિત બિષ્ટ - 146* રન (51 બોલ) - 13 ફેબ્રુઆરી 2021
  • વૈભવ સુર્યવંશી - 144 રન (42 બોલ) - 14 નવેમ્બર 2025

ભારત માટે T20માં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન

  • ઉર્વિલ પટેલ - 28 બોલ
  • અભિષેક શર્મા - 28 બોલ
  • ઉર્વિલ પટેલ - 31 બોલ
  • ઋષભ પંત - 32 બોલ
  • અભિષેક શર્મા - 32 બોલ
  • વૈભવ સુર્યવંશી - 32 બોલ

ભારત માટે T20માં સૌથી ઝડપી ફિફ્ટી

  • આશુતોષ શર્મા - 11 બોલ
  • યુવરાજ સિંહ - 12 બોલ
  • અભિષેક શર્મા - 12 બોલ
  • યશસ્વી જયસ્વાલ - 13 બોલ