Head Coach India: આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ પર મળેલી કારમી હાર બાદ દબાણમાં ઘેરાયેલી ભારતીય ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે સામેના પ્રવાસમાં શાનદાર વાપસી કરી છે. કેપ્ટન શ્રેયસ અય્યરની આગેવાની અને સ્ટેન્ડ-ઇન હેડ કોચ વીવીએસ લક્ષ્મણ (VVS Laxman)ના માર્ગદર્શન હેઠળ યુવા ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને તેના જ ઘરમાં 3-0થી ક્લીન સ્વીપ કરીને શ્રેણી પોતાના નામે કરી લીધી છે.
પરંતુ, આ વિજય કરતાં પણ વધુ ચર્ચા અત્યારે સોશિયલ મીડિયા પર એ વાતની થઈ રહી છે કે— શું ગૌતમ ગંભીરની જગ્યાએ વીવીએસ લક્ષ્મણને જ ટીમ ઈન્ડિયાના કાયમી હેડ કોચ બનાવી દેવા જોઈએ?
દબાણ વચ્ચે યુવા ટીમે દેખાડ્યો દમ
મુખ્ય કોચ ગૌતમ ગંભીરને આ પ્રવાસ માટે આરામ આપવામાં આવ્યો હતો અને તેમની ગેરહાજરીમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE)ના વડા વીવીએસ લક્ષ્મણને ટીમની જવાબદારી સોંપાઈ હતી. અનુભવી ખેલાડીઓની ગેરહાજરી અને અગાઉના ખરાબ પ્રદર્શનના દબાણ વચ્ચે લક્ષ્મણે જે રીતે યુવા ખેલાડીઓમાં ઉત્સાહ ભર્યો, તેનાથી ટીમે દરેક મેચમાં વિરોધી ટીમ પર આક્રમક દબાણ બનાવી રાખ્યું.
ડ્રેસિંગ રૂમનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ
મેચ પૂરી થયા બાદ BCCI દ્વારા હરારે ડ્રેસિંગ રૂમનો એક ખાસ વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જે જોતજોતામાં વાયરલ થઈ ગયો. આ વીડિયોમાં VVS લક્ષ્મણ અને કેપ્ટન શ્રેયસ અય્યર એકબીજાના વખાણ કરતા જોવા મળ્યા હતા.
લક્ષ્મણે શ્રેયસ અય્યરની પ્રશંસા કરતા કહ્યું- શરૂઆતમાં કેપ્ટનશિપ થોડી પડકારજનક રહી હતી, પરંતુ શ્રેયસે જે રીતે વાપસી કરી અને આખી ટીમમાં વિશ્વાસ જગાડ્યો તે પ્રશંસનિય છે. એક નવી ટીમ સાથે દરેક ખેલાડીને પ્રોત્સાહિત કરીને વિજય અપાવવામાં કેપ્ટનનો મોટો ફાળો છે.
સામે પક્ષે શ્રેયસે પણ લક્ષ્મણનો આભાર માનતા જણાવ્યું કે, લક્ષ્મણ સરે સમગ્ર પ્રવાસ દરમિયાન ટીમને સચોટ દિશા બતાવી અને દરેક ખેલાડીમાં નવી ઉર્જાનો સંચાર કર્યો.
ફેન્સની માંગ: ગંભીર નહીં, લક્ષ્મણ જ શ્રેષ્ઠ
આ વિડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સે ગૌતમ ગંભીરના કોચિંગ એપ્રોચ સામે સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. લોકો લક્ષ્મણના શાંત સ્વભાવ, ખેલાડીઓ સાથેના તેમના સંવાદ અને સકારાત્મક મેનેજમેન્ટ સ્ટાઇલના વખાણ કરી રહ્યા છે.
ઘણા ક્રિકેટ ચાહકોનું માનવું છે કે ગંભીરના આક્રમક વલણ કરતાં લક્ષ્મણની શાંત અને પ્રેરણાદાયી શૈલી યુવા ખેલાડીઓ માટે વધુ ફાયદાકારક છે. જોકે, BCCIના પ્લાન મુજબ લક્ષ્મણ માત્ર આ એક જ શ્રેણી માટે સ્ટેન્ડ-ઇન કોચ હતા અને આગામી પ્રવાસથી ગૌતમ ગંભીર ફરી કાયમી હેડ કોચ તરીકે ટીમ સાથે જોડાઈ જશે. પરંતુ ફેન્સના આ વિરોધ અને માંગે સોશિયલ મીડિયા પર નવો વિવાદ ઊભો કરી દીધો છે.
