Kantola Nu Shaak Recipe: ચોમાસાની ઋતુ આવે એટલે ગરમાગરમ અને દેશી ખાવાનું મન ચોક્કસ થાય. કંકોડા (કંટોલા) એ ચોમાસામાં જ મળતી એક ખાસ અને સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી શાકભાજી છે. આજે આપણે રસોડામાં રહેલી સામાન્ય સામગ્રીઓમાંથી જ એકદમ ગામઠી અને કાઠિયાવાડી સ્ટાઈલનું ભોજન બનાવીશું.
કંટોલા (કંકોડા) નું શાક રેસીપી
આ પણ વાંચો
જરૂરી સામગ્રી
કંકોડાના શાક માટે
- કંકોડા (કંટોલા) - 350 ગ્રામ
- તેલ - 4 મોટા ચમચા (વઘાર માટે)
- જીરું - 1 નાની ચમચી
- સૂકા લાલ મરચાં - 2
- તજ - 1 ઇંચનો ટુકડો અને બાદિયા - 1
- લીલા મરચાંની પેસ્ટ - 1 નાની ચમચી
- આદુની પેસ્ટ - અડધી નાની ચમચી
- ઝીણા સમારેલા ટામેટાં - અડધો કપ
- મીઠું - સ્વાદ મુજબ
- હળદર - પા (1/4) નાની ચમચી
- ધાણાજીરું પાવડર અને લાલ મરચું પાવડર - અડધી-અડધી નાની ચમચી
- ખાંડ - અડધી નાની ચમચી
- લીંબુનો રસ - 1 નાની ચમચી
- લીલી કોથમીર - સજાવટ માટે
મસાલા માટે
- શેકેલા સીંગદાણા - 3 મોટા ચમચા
- સફેદ તલ - 2 મોટા ચમચા
- પાપડી ગાંઠિયા - 3 મોટા ચમચા
- મીઠું - સ્વાદ મુજબ
- હળદર - અડધી નાની ચમચી
- ધાણાજીરું - 1 મોટો ચમચો
- કાશ્મીરી લાલ મરચું - 1 મોટો ચમચો
- જીરું પાવડર - 1 નાની ચમચી
- ગરમ મસાલો - અડધી નાની ચમચી
- ગોળ - 2 મોટા ચમચા
- લીંબુનો રસ - 1 મોટો ચમચો
- લીલી કોથમીર - થોડી
મેથી-બાજરીના રોટલા માટે
- બાજરીનો લોટ - 2 કપ
- પાણી - 2 કપ
- મીઠું - સ્વાદ મુજબ
- તેલ - 1 નાની ચમચી
- ઝીણી સમારેલી મેથીની ભાજી
- અટામણ માટે સૂકો લોટ અને ચોપડવા માટે ઘી
મસાલેદાર મરચાં ફ્રાય માટે
- લીલા મરચાં - 250 ગ્રામ
- તેલ - 2 મોટા ચમચા
- રાઈ, જીરું - અડધી-અડધી નાની ચમચી
- કલોંજી - પા (1/4) નાની ચમચી
- હળદર, લાલ મરચું - અડધી-અડધી નાની ચમચી
- ધાણાજીરું - 1 નાની ચમચી
- સંચળ - અડધી નાની ચમચી
- અધકચરી વરિયાળી અને આમચૂર પાવડર - 1-1 નાની ચમચી
- ખાંડ અને ગરમ મસાલો - અડધી-અડધી નાની ચમચી
- મીઠું - સ્વાદ મુજબ
કંકોડાનું મસાલેદાર શાક બનાવવાની રીત
- સૌપ્રથમ કંકોડાને બરાબર ધોઈને કોરા કરી લો. તેના ડીંટા કાપીને વચ્ચેથી બે ભાગ (અડધા) કરી લો.
- હવે એક ખાંડણી-દસ્તામાં શેકેલા સીંગદાણા, સફેદ તલ અને પાપડી ગાંઠિયાને અધકચરા ખાંડી લો.
- આ ભૂકાને એક બાઉલમાં કાઢી, તેમાં મસાલા માટે જણાવેલ મીઠું, હળદર, ધાણાજીરું, લાલ મરચું, જીરું પાવડર, ગરમ મસાલો, ગોળ, લીંબુનો રસ અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો. તમારો સ્પેશિયલ મસાલો તૈયાર છે.
- એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં સમારેલા કંકોડા નાખીને મધ્યમથી ફાસ્ટ ગેસ પર 80% જેટલા ચઢી જાય ત્યાં સુધી સાંતળી લો. ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી લો.
- આ ગરમ કંકોડા પર તૈયાર કરેલો મસાલો ભભરાવી દો જેથી તેનો સ્વાદ કંકોડામાં બેસી જાય.
- હવે એક કડાઈમાં 4-5 ચમચી તેલ ગરમ કરો. તેમાં જીરું, સૂકા લાલ મરચાં, તજ અને બાદિયાનો વઘાર કરો.
- તેમાં આદુ-મરચાંની પેસ્ટ સાંતળી, ઝીણા સમારેલા ટામેટાં અને મીઠું ઉમેરો. ટામેટાં એકદમ નરમ થઈ જાય ત્યાં સુધી પકાવો.
- ગેસ ધીમો કરીને ગ્રેવીમાં હળદર, ધાણાજીરું, લાલ મરચું અને ખાંડ ઉમેરી મિક્સ કરો.
- હવે તેમાં મસાલાવાળા ફ્રાય કરેલા કંકોડા ઉમેરી ગ્રેવી સાથે હળવા હાથે મિક્સ કરો.
- ઉપરથી 2-3 ચમચી જેટલું પાણી છાંટી, ઢાંકણ ઢાંકીને ધીમા તાપે 5-7 મિનિટ ચઢવા દો.
- ગેસ બંધ કરી ઉપરથી લીંબુનો રસ અને લીલી કોથમીર ભભરાવી દો. તમારું શાક તૈયાર છે!
મેથી-બાજરીનો રોટલો બનાવવાની રીત
- એક પહોળા વાસણમાં 1 ચમચી તેલ ગરમ કરી ઝીણી સમારેલી મેથી અને થોડું મીઠું સાંતળી લો.
- તેમાં 2 કપ પાણી ઉમેરી ઉકળવા દો. પાણી ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી તેમાં 2 કપ બાજરીનો લોટ ઉમેરી વેલણની મદદથી ફટાફટ મિક્સ કરી લો.
- ગેસ બંધ કરી, ઢાંકણ ઢાંકીને લોટને 2 મિનિટ બફાવા દો.
- ત્યારબાદ આ મિશ્રણને એક કથરોટમાં કાઢીને એકદમ નરમ અને સુવાળો લોટ બાંધી લો. જરૂર લાગે તો થોડું ગરમ પાણી છાંટી શકો છો.
- લોટમાંથી લૂઓ લઈ, હથેળી વચ્ચે દબાવી, પાટલા પર સૂકો લોટ ભભરાવીને હળવા હાથે રોટલો વણી કે ટીપી લો.
- ગરમ તવી પર રોટલાને મધ્યમ આંચે બંને બાજુ આછા બ્રાઉન ડાઘ પડે ત્યાં સુધી શેકી લો. ગરમાગરમ રોટલા પર ઘી લગાવી દો.
મસાલેદાર લીલા મરચાં બનાવવાની રીત
- લીલા મરચાંને મીડિયમ સાઇઝના ગોળ ટુકડામાં કાપી લો.
- એક બાઉલમાં હળદર, ધાણાજીરું, લાલ મરચું, સંચળ, અધકચરી વરિયાળી, આમચૂર પાવડર, ખાંડ અને ગરમ મસાલો બરાબર મિક્સ કરી મસાલો તૈયાર કરો.
- કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરી રાઈ, જીરું અને કલોંજીનો વઘાર કરો.
- તેમાં સમારેલા મરચાં નાખીને ફાસ્ટ ગેસ પર 1 મિનિટ માટે સાંતળી લો.
- હવે તેમાં તૈયાર કરેલો સૂકો મસાલો અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.
- ઢાંકણ ઢાંકીને ધીમા તાપે માત્ર 1 મિનિટ ચઢવા દો. તમારા ચટપટા મરચાં તૈયાર છે.
ટિપ્સ
કંકોડા માટે: કંકોડાના બીજ જો નરમ હોય તો તેને કાઢવાની જરૂર નથી. પાપડી ગાંઠિયા ન હોય તો તમે ભાવનગરી ગાંઠિયા અથવા શેકેલા ચણાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. ગરમ કંકોડા પર જ મસાલો છાંટવો જેથી સ્વાદ અંદર સુધી ઉતરી જાય.
રોટલા માટે: રોટલાનું પરફેક્ટ માપ એ છે કે પાણી અને બાજરીના લોટનું પ્રમાણ એકસરખું હોવું જોઈએ. ગરમ પાણીમાં લોટ બાંધવાથી રોટલા ફાટતા નથી અને એકદમ નરમ બને છે.
