Makhana Barfi Recipe: શ્રાવણ માસમાં વ્રત દરમિયાન કંઈક મીઠું અને પૌષ્ટિક ખાવાની ઈચ્છા થાય તો મખાના બરફી એક ઉત્તમ વિકલ્પ છે. મખાના પ્રોટીન, ફાઈબર અને કેલ્શિયમથી ભરપૂર હોય છે, જેના કારણે આ બરફી સ્વાદ સાથે આરોગ્ય માટે પણ લાભદાયક બને છે. ખૂબ જ ઓછી સામગ્રીથી ઘરે સરળતાથી તૈયાર થઈ જતી આ મીઠાઈ બાળકો અને મોટાઓને પણ પસંદ આવે છે.
મખાના બરફી માટેની જરૂરી સામગ્રી
- 2 કપ મખાણા
- 1 કપ ખોયો (માવો)
- ½ કપ ખાંડ પાઉડર
- 2 ચમચી ઘી
- ¼ ચમચી એલચી પાઉડર
- 8-10 બદામ (ઝીણા સમારેલા)
- 8-10 પિસ્તા (ઝીણા સમારેલા)
મખાના બરફી બનાવવાની રીત
મખાના શેકો: એક કડાઈમાં 1 ચમચી ઘી ગરમ કરો. તેમાં મખાના ઉમેરીને ધીમા તાપે 5-7 મિનિટ સુધી શેકો. ઠંડા થયા પછી મિક્સરમાં બારીક પાઉડર બનાવી લો.
માવો તૈયાર કરો: એ જ કડાઈમાં બાકીનું ઘી અને માવો ઉમેરી 3-4 મિનિટ સુધી સાંતળો. માવામાંથી સુગંધ આવવા લાગે ત્યારે તેમાં મખાનાનો પાઉડર ઉમેરો.
મિશ્રણ તૈયાર કરો: હવે ખાંડ પાઉડર અને એલચી પાઉડર ઉમેરીને સારી રીતે મિક્સ કરો. મિશ્રણ એકસાર થઈ જાય ત્યાં સુધી હલાવતા રહો.
બરફી સેટ કરો: એક થાળીને ઘી લગાવી તૈયાર રાખો. તેમાં તૈયાર મિશ્રણ પાથરી દો અને ઉપરથી બદામ તથા પિસ્તા ભભરાવો.
કટિંગ કરો: મિશ્રણ થોડું ઠંડું થાય પછી મનપસંદ આકારમાં કાપી લો. 1-2 કલાક માટે સેટ થવા દો.
સર્વિંગ ટીપ: મખાના બરફીને એરટાઇટ ડબ્બામાં રાખવાથી 4-5 દિવસ સુધી તાજી રહે છે. શ્રાવણ વ્રત, જન્માષ્ટમી અથવા અન્ય ઉપવાસના દિવસોમાં આ મીઠાઈનો આનંદ માણી શકાય છે.
મખાના બરફી સ્વાદિષ્ટ હોવા સાથે પૌષ્ટિક પણ છે. ઓછી મહેનત અને ઓછા સમયમાં તૈયાર થતી આ ફરાળી મીઠાઈ શ્રાવણ વ્રત દરમિયાન તમારા પરિવાર માટે એક પરફેક્ટ ડેઝર્ટ બની શકે છે.
