Ration Card Helpline: દેશના લાખો રાશન કાર્ડ ધારકો માટે એક મોટા અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. જો તમને સરકારી માન્ય દુકાનેથી રાશન મેળવવામાં કોઈ તકલીફ પડતી હોય, રાશન ડીલર ઓછું વજન આપતો હોય, ગેરવર્તણૂક કરતો હોય કે પછી રેશન કાર્ડમાં કોઈ ભૂલ સુધારવાની હોય, તો હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની કે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની કોઈ જ જરૂર નથી.
આમ જનતાની સુવિધા અને પારદર્શિતા વધારવાના હેતુથી કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ (DFPD) દ્વારા 'અન્ના સહાયતા' નામની એક વિશેષ ડિજિટલ હેલ્પલાઇન અને વોટ્સએપ ચેટબોટ સેવા શરૂ કરવામાં આવી છે. આ નવી સુવિધા થકી હવે તમે ઘરે બેઠા જ તમારા મોબાઈલથી સીધા વોટ્સએપ નંબર 9868200445 પર મેસેજ મોકલીને પોતાની ફરિયાદ નોંધાવી શકશો.
WhatsApp પર ફરિયાદ નોંધાવવાની સરળ રીત
- સૌ પ્રથમ તમારા ફોનમાં હેલ્પલાઇન નંબર 9868200445 સેવ કરી લો.
- આ નંબર પર વોટ્સએપ દ્વારા Hi અથવા Hello લખીને મેસેજ કરો.
- ચેટબોટ તરફથી જવાબ આવ્યા બાદ તમારી અનુકૂળતા મુજબ ભાષા પસંદ કરો.
- તમારી ઓળખ સુનિશ્ચિત કરવા માટે રેશન કાર્ડ નંબર અને તમારા આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા દાખલ કરવાના રહેશે.
- સ્ક્રીન પર દર્શાવેલ વિકલ્પોમાંથી તમારી ફરિયાદની કેટેગરી જેમ કે અનાજ ન મળવું, ઓછું તોલવું વગેરે પસંદ કરીને મોકલી દો.
- ફરિયાદ સફળતાપૂર્વક નોંધાઈ ગયા બાદ તમને એક કોમ્પ્લેઇન ટ્રેકિંગ નંબર આપવામાં આવશે. આ નંબરની મદદથી તમે કોઈપણ સમયે તમારી ફરિયાદનું સ્ટેટસ ચકાસી શકશો.
ફરિયાદ નોંધાવવાના અન્ય વિકલ્પો
જો તમારી પાસે સ્માર્ટફોન કે વોટ્સએપ વાપરવાની સુવિધા ન હોય, તો પણ ગભરાવાની જરૂર નથી. સરકારે અન્ય ઘણા માધ્યમો પણ આપ્યા છે:
- તમે 14457 પર કૉલ કરીને વોઇસ મેસેજ દ્વારા ફરિયાદ દર્જ કરાવી શકો છો.
- કસ્ટમર એજન્ટ સાથે સીધી વાત કરવા માટે 1967 અથવા 180018002084 પર સંપર્ક કરી શકાય છે.
- ગૂગલ પ્લે સ્ટોર પરથી Mera Ration App ડાઉનલોડ કરીને પણ રાશન સંબંધિત સમસ્યાઓનું ઓનલાઈન નિવારણ મેળવી શકાય છે.
આ સેવા શરૂ થવાથી હવે રેશન કાર્ડ ધારકોને નાની નાની સમસ્યાઓ માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું નહીં પડે અને ડીલરોની ગેરરીતિઓ પર પણ અંકુશ આવશે.
