types of solar panels: આજના સમયમાં વધતા જતા વીજળીના બિલથી બચવા અને પર્યાવરણને અનુકૂળ ઊર્જા મેળવવા માટે સોલાર પેનલ લગાવવાનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. પરંતુ શું તમે માનો છો કે બજારમાં મળતી તમામ સોલાર પેનલ એકસરખી જ હોય છે? જો તમારો જવાબ હા હોય, તો આ માન્યતા તદ્દન ખોટી છે. હકીકતમાં સોલાર પેનલ મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે: મોનોક્રિસ્ટલાઇન, પોલીક્રિસ્ટલાઇન અને થિન-ફિલ્મ સોલાર પેનલ. દરેક પેનલની બનાવટ, વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા અને કિંમતમાં મોટો તફાવત હોય છે. યોગ્ય પેનલની પસંદગી ન કરવાથી તમારું લાંબા ગાળાનું રોકાણ એળે જઈ શકે છે.
મોનોક્રિસ્ટલાઇન સોલાર પેનલ (સૌથી વધુ વીજળી ઉત્પાદન)
સોલાર ટેક્નોલોજી ક્ષેત્રે મોનોક્રિસ્ટલાઇન પેનલને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ પેનલ એકદમ શુદ્ધ અને સિંગલ સિલિકોન ક્રિસ્ટલમાંથી બનાવવામાં આવે છે. તેનો રંગ ઘાટો કાળો હોય છે અને તેની બનાવટ એકસરખી દેખાય છે. વીજળી ઉત્પન્ન કરવાની દ્રષ્ટિએ આ પેનલ સૌથી આગળ છે, જે આશરે 20 થી 23 ટકા સુધીની કાર્યક્ષમતા ધરાવે છે. આ પેનલની મુખ્ય ખાસિયત એ છે કે તે ઓછો તડકો હોય કે ખૂબ જ વાદળછાયું વાતાવરણ હોય, તો પણ ઝડપથી વીજળી બનાવી શકે છે. જોકે આ પેનલ કિંમતમાં થોડી મોંઘી હોય છે, પરંતુ જો તમે લાંબા સમય માટે શ્રેષ્ઠ પરફોર્મન્સ અને વધુ વીજળી મેળવવા માંગતા હોવ તો આ પેનલ સૌથી ફાયદાકારક સાબિત થાય છે.
પોલીક્રિસ્ટલાઇન સોલાર પેનલ (જૂની ટેક્નોલોજી)
ચમકદાર વાદળી રંગ ધરાવતી પોલીક્રિસ્ટલાઇન પેનલ સિલિકોનના ઘણા નાના ટુકડાઓને ઓગાળીને તૈયાર કરવામાં આવે છે. સિલિકોનના આ ટુકડાઓને કારણે તેના પર એક અલગ જ ચમક જોવા મળે છે. તેની વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા 15 થી 17 ટકા જેટલી જ હોય છે, જે મોનોક્રિસ્ટલાઇન કરતાં નોંધપાત્ર રીતે ઓછી છે. સામાન્ય રીતે વર્ષ 2020 પહેલા લગાવવામાં આવેલા મકાનો પર આ પ્રકારની પેનલ વધુ જોવા મળતી હતી. વર્તમાન સમયમાં તેને જૂની ટેક્નોલોજી ગણવામાં આવે છે. જોકે તે કિંમતમાં થોડી સસ્તી હોય છે, પરંતુ ઓછી કાર્યક્ષમતાને કારણે હવે ઘર માટે આ પેનલ લગાવવાની સલાહ આપવામાં આવતી નથી.
થિન-ફિલ્મ સોલાર પેનલ (પાતળી અને વિશિષ્ટ પેનલ)
આ સોલાર પેનલ પોતાના નામ મુજબ ખૂબ જ પાતળી અને વજનમાં હળવી હોય છે. સામાન્ય સોલાર પેનલની સરખામણીએ તે લગભગ 350 ગણી પાતળી હોઈ શકે છે. તેનો રંગ વાદળી અથવા કાળો હોય છે. આ પેનલ બનાવવા માટે કેડમિયમ ટેલ્યૂરાઇડ અથવા CIGS જેવા વિવિધ મટિરિયલનો ઉપયોગ થાય છે. તેની વીજળી બનાવવાની ક્ષમતા 11 થી 16 ટકા જેટલી સૌથી ઓછી હોય છે. આથી તેનો ઉપયોગ ઘરોની છત પર ઓછો થાય છે. તેને મુખ્યત્વે વાહનો, બોટ અથવા એવી કોમર્શિયલ જગ્યાઓ પર ઉપયોગમાં લેવાય છે જ્યાં વધુ વજન સહન કરવાની ક્ષમતા ન હોય.
તમારા માટે કયો વિકલ્પ બેસ્ટ રહેશે?
જો તમે તમારા ઘર, ઓફિસ કે ફેક્ટરી માટે સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા હોવ, તો મોનોક્રિસ્ટલાઇન સોલાર પેનલ જ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. આ પેનલ ઓછી જગ્યા રોકીને વધુ વીજળી આપે છે અને ખરાબ વાતાવરણમાં પણ ઉત્તમ કામગીરી આપે છે. ભલે શરૂઆતમાં તેની ખરીદી અને ફિટિંગનો ખર્ચ થોડો વધારે લાગે, પરંતુ તેની ઊંચી ક્ષમતાને કારણે તમારા રોકાણના નાણાં ખૂબ ઝડપથી વસૂલ થઈ જાય છે અને લાંબા ગાળે મોટો આર્થિક ફાયદો થાય છે.
