8,600 કિમીની ઝડપે સ્પેસએક્સનું રોકેટ ચંદ્ર સાથે ટકરાશે, સપાટી પર નવો ક્રેટર બનશે; વૈજ્ઞાનિકો માટે સંશોધનની ઉત્તમ તક

એલોન મસ્કનું સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટ 8,600 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાંદ સાથે ટકરાશે. નાસા મુજબ આ ઘટનાથી પૃથ્વીને કોઈ ખતરો નથી પણ સ્પેસ રિસર્ચ માટે ખૂબ મહત્વની છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 05 Aug 2026 06:46 PM (IST)Updated: Wed, 05 Aug 2026 06:46 PM (IST)
spacex-rocket-to-collide-with-the-moon-at-8600-kmh-creating-a-new-crater-on-the-surface

SpaceX Rocket Moon Crash: અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં એક દુર્લભ ઘટના બનવા જઈ રહી છે. સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટનો ઉપલો ભાગ ખૂબ જ તીવ્ર ઝડપે ચંદ્રની સપાટી સાથે ટકરાવા જઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, આ ટક્કર ચંદ્રના ઉત્તરીય ભાગમાં આવેલા પ્રખ્યાત આઈન્સ્ટાઈન ક્રેટર (Einstein Crater)ની નજીક થશે.

ઉલ્લેખનીય છે કે, આ રોકેટ જાન્યુઆરી 2026માં બે ખાનગી મૂન લેન્ડર લઈને અવકાશમાં ગયું હતું. મિશન પૂર્ણ થયા બાદ તેનો બીજો ભાગ સ્પેસમાં જ રહી ગયો હતો અને સૂર્યની ગતિવિધિઓ તથા ગુરુત્વાકર્ષણના કારણે તેની દિશા બદલાઈને ચંદ્ર તરફ થઈ ગઈ હતી.

ટક્કર કેટલી ભયાનક હશે?

સ્પીડ અને વજન: આ રોકેટનો ટુકડો આશરે 4,000 કિલોગ્રામ વજન ધરાવે છે અને તે 8,690 કિમી પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે ચંદ્રની જમીન પર પટકાશે.

ધૂળનું વાદળ: આ ટક્કરથી ચંદ્રની સપાટી પર એક નવો ખાડો (ક્રેટર) બનશે અને વિપુલ પ્રમાણમાં ધૂળ તથા પત્થરોનો ગુબાર ઉડશે, જેને પૃથ્વી પરથી મોટા ટેલિસ્કોપ દ્વારા જોઈ શકાશે.

માનવજાતના ભવિષ્યના મિશન માટે કેમ મહત્વનું?

નાસા (NASA) એ સ્પષ્ટ કર્યું છે કે આ ટક્કરથી પૃથ્વી કે માનવજાતને કોઈ જ ખતરો નથી. સામાન્ય રીતે ચાંદ પર ઉલ્કાપિંડ (Meteorites) પટકાતા હોય છે, પરંતુ માનવસર્જિત રોકેટનું આ રીતે ટકરાવવું અતિ દુર્લભ છે.

નાસા અને વિશ્વભરના સ્પેસ સાયન્ટિસ્ટ્સ આ ઘટના પર ચાંપતી નજર રાખી રહ્યા છે. ચાંદ પર ભવિષ્યમાં માનવ વસાહતો સ્થાપવા અને આર્ટેમિસ જેવા મોટા મૂન મિશનની તૈયારીઓ માટે આ ટક્કરથી મળનારો ડેટા, ધૂળનો અભ્યાસ અને સ્પેસ ડેબ્રિસની અસર સમજવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે.