WhatsAppનું મોટું એક્શન! ભારતમાં અનેક એકાઉન્ટ 24 કલાક માટે બંધ, યુઝર્સ પરેશાન

WhatsAppએ ભારતમાં અનેક યુઝર્સના એકાઉન્ટને 24 કલાક માટે રિવ્યૂ હેઠળ મૂક્યા. જાણો શા માટે એકાઉન્ટ ‘Under Review’ થયું અને કંપનીએ શું સ્પષ્ટતા કરી.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Tue, 04 Aug 2026 09:48 AM (IST)Updated: Tue, 04 Aug 2026 09:48 AM (IST)
whatsapp-temporarily-blocks-multiple-accounts-in-india-for-24-hours-what-happened

WhatsApp Accounts Suspend News: ભારતમાં સોમવાર સાંજે અનેક WhatsApp યુઝર્સને અચાનક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘણા લોકોના WhatsApp એકાઉન્ટને કંપનીએ 24 કલાક માટે ‘Under Review’ એટલે કે સમીક્ષા હેઠળ મૂકી દીધા. જેના કારણે યુઝર્સ એપની કેટલીક મહત્વપૂર્ણ સુવિધાઓનો ઉપયોગ કરી શક્યા નહોતા.

રાતે આશરે 8 વાગ્યાથી યુઝર્સને આ સમસ્યા જોવા મળી હતી. એપ ખોલતા જ સ્ક્રીન પર એક સંદેશ દેખાતો હતો કે તેમનું એકાઉન્ટ હાલમાં તપાસ હેઠળ છે અને તેની પ્રવૃત્તિ તેમજ ફોન સંબંધિત માહિતીની સમીક્ષા કરવામાં આવી રહી છે. WhatsApp દ્વારા જણાવવામાં આવ્યું કે 24 કલાકની અંદર આ અંગે નિર્ણય લેવામાં આવશે.

સોશિયલ મીડિયા પર યુઝર્સે વ્યક્ત કરી નારાજગી

એકાઉન્ટ રિવ્યૂમાં જતાં અનેક યુઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની ફરિયાદો શેર કરી. કેટલાક લોકોએ જણાવ્યું કે કોઈપણ પૂર્વ ચેતવણી વિના તેમનું એકાઉન્ટ તપાસ હેઠળ મૂકી દેવામાં આવ્યું છે. એક યુઝરે લખ્યું કે, “મારું WhatsApp એકાઉન્ટ કોઈ સ્પષ્ટ કારણ વગર બંધ કરી દેવામાં આવ્યું છે. અપીલ કર્યા પછી પણ માત્ર સામાન્ય જવાબ મળી રહ્યો છે.” જ્યારે અન્ય એક યુઝરે જણાવ્યું કે તેનો વ્યવસાય WhatsApp પર આધારિત છે અને અચાનક એકાઉન્ટ બંધ થવાથી કામકાજમાં મોટી મુશ્કેલી ઉભી થઈ છે.

WhatsApp દ્વારા કયા વિકલ્પો દર્શાવવામાં આવ્યા?

રિવ્યૂ હેઠળ આવેલા એકાઉન્ટ ધરાવતા યુઝર્સને એપમાં જવાબદારીપૂર્વક સેવા ઉપયોગ કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી. સાથે જ ચોરાયેલા ફોન, એકાઉન્ટ સુરક્ષા અને અન્ય સંબંધિત માહિતીના વિકલ્પો પણ દર્શાવવામાં આવ્યા હતા.

WhatsAppનું શું કહેવું છે?

આ સમગ્ર મામલે WhatsAppના પ્રવક્તાએ જણાવ્યું કે કંપની સતત એવા એકાઉન્ટ્સ પર નજર રાખે છે જે પ્લેટફોર્મનો ખોટો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે. અન્ય યુઝર્સની સુરક્ષા જાળવવા માટે આવા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવે છે.

પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, “ક્યારેક અમારી તરફથી ભૂલ પણ થઈ શકે છે. આવા કિસ્સાઓમાં અમે શક્ય તેટલી ઝડપથી સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ જેથી યુઝર્સ ફરીથી સામાન્ય રીતે WhatsAppનો ઉપયોગ કરી શકે.”

WhatsApp એકાઉન્ટ રિવ્યૂમાં કેમ જાય છે?

સામાન્ય રીતે WhatsAppના નિયમોનું ઉલ્લંઘન, શંકાસ્પદ પ્રવૃત્તિ, સ્પામ મેસેજિંગ, બલ્ક મેસેજ મોકલવા અથવા અનધિકૃત એપ્સના ઉપયોગને કારણે એકાઉન્ટ તપાસ હેઠળ જઈ શકે છે. જોકે, હાલના કિસ્સામાં ઘણા યુઝર્સે કોઈ ખોટી પ્રવૃત્તિ ન કરી હોવાનો દાવો કર્યો છે.

WhatsAppના આ અચાનક પગલાંથી ભારતમાં અનેક યુઝર્સ પરેશાન થયા છે. ખાસ કરીને જે લોકો પોતાના રોજિંદા કામકાજ માટે WhatsApp પર નિર્ભર છે, તેમના માટે આ સમસ્યા વધુ ગંભીર બની છે. હવે કંપની દ્વારા સમીક્ષા પૂર્ણ થયા બાદ અસરગ્રસ્ત એકાઉન્ટ્સને ફરીથી સામાન્ય સ્થિતિમાં લાવવામાં આવે તેવી અપેક્ષા છે.