Gandhinagar: ટોરેન્ટ પાવરના કર્મચારીએ 'RTO ઈ-ચલણની APK ફાઇલ ડાઉનલોડ કરતાં લૂંટાયા, 45 મિનિટમાં 4.99 લાખનું થયું ટ્રાન્જેક્શન

ગાંધીનગરના કિશાન નગરમાં રહેતા અને ટોરેન્ટ પાવરમાં નોકરી કરતા એક કર્મચારીને ઠગબાજોએ R.T.O. ઈ-ચલણના નામે માલવેર ધરાવતી APK ફાઇલ મોકલીને તેમનો મોબાઈલ ફોન હેક કરી લીધો હતો.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Mon 20 Oct 2025 04:31 PM (IST)Updated: Mon 20 Oct 2025 04:31 PM (IST)
gandhinagar-torrent-power-employee-loses-rs-4-99-lakh-in-45-minute-rto-e-challan-apk-scam-624327
HIGHLIGHTS
  • ખાતામાંથી 4.99 લાખ રૂપિયાની મોટી રકમની ઠગાઈ આચરી હતી.
  • આ મામલે સેક્ટર 21 પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Gandhinagar News: રાજ્યમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે ગાંધીનગર શહેરમાં વધુ એક ગંભીર સાયબર છેતરપિંડીની ઘટના સામે આવી છે. ગાંધીનગરના કિશાન નગરમાં રહેતા અને ટોરેન્ટ પાવરમાં નોકરી કરતા એક કર્મચારીને ઠગબાજોએ R.T.O. ઈ-ચલણના નામે માલવેર (Malware) ધરાવતી APK ફાઇલ મોકલીને તેમનો મોબાઈલ ફોન હેક કરી લીધો હતો અને ખાતામાંથી 4.99 લાખ રૂપિયાની મોટી રકમની ઠગાઈ આચરી હતી. આ મામલે સેક્ટર 21 પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

APK ફાઇલ ડાઉનલોડ કરતા જ ફ્રોડ થયો

ગાંધીનગરના સેકટર 26$, કિશાનનગર ખાતે રહેતા 57 વર્ષીય મહેશભાઈ પુરોહીતને ગત તા. 8 જુલાઈના રોજ તેમના મોબાઈલ પર એક અજાણ્યા વોટ્સએપ નંબર પરથી R.T.O. ઈ-ચલણની એક APK ફાઇલ સાથેનો મેસેજ આવ્યો હતો. RTOનું ચલણ હોવાનું સમજીને મહેશભાઈએ તે ફાઇલ ઓપન કરી હતી, પરંતુ નોકરી પર હોવાથી તેમણે માત્ર નામ સિવાય અન્ય કોઈ વિગત ભરી ન હતી.

લગભગ 12 વાગ્યાની આસપાસ તેઓ ઘરે પહોંચ્યા, ત્યારે તેમના મોબાઈલ પર બેંકના OTP (One-Time Password) આવવાના મેસેજ શરૂ થતાં તેમને શંકા ગઈ હતી. આ અંગે તેમણે તાત્કાલિક HDFC બેંકના રિલેશન મેનેજરનો સંપર્ક કર્યો હતો. મેનેજરે તેમને ચિંતા ન કરવા અને તરત જ મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવા અથવા એરોપ્લેન મોડ પર મૂકવા સલાહ આપી હતી, કારણ કે તેમનું એકાઉન્ટ ઓફલાઈન હતું.

45 મિનિટમાં 4.99 લાખનું ટ્રાન્જેક્શન

મેનેજરની સલાહ મુજબ, મહેશભાઈએ લગભગ 45 મિનિટ માટે મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો. જોકે, 45 મિનિટ બાદ મોબાઈલ ચાલુ કરતાં જ તેમને તેમના HDFC બેંક ખાતામાંથી રકમ ડેબિટ (Debit) થયાના મેસેજ આવવા લાગ્યા હતા. તાત્કાલિક બેંકનો સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ જતાં તેઓ બેંક પહોંચ્યા અને એકાઉન્ટ બ્લોક કરાવ્યું હતું.

બાદમાં બેંક સ્ટેટમેન્ટની ચકાસણી કરતાં માલુમ પડ્યું કે તેમના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા કુલ ₹ 4.99 લાખની રકમ ઉપાડી લેવાઈ હતી. આ સમગ્ર સાયબર ઠગાઈ બાદ તેમણે નેશનલ સાયબર ફ્રોડ હેલ્પલાઇન નંબર 1930 પર પણ કોલ કરીને જાણ કરી હતી.

સાયબર નિષ્ણાતોની ચેતવણી

આ સાયબર ફ્રોડના કિસ્સામાં સેકટર 21 પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમ નિષ્ણાતોએ લોકોને ખાસ ચેતવણી આપી છે કે RTO, પોલીસ, બેંક કે અન્ય સરકારી સંસ્થાઓના નામે આવતા કોઈપણ અજાણ્યા APK ફાઇલ કે શંકાસ્પદ લિંક પર ક્લિક કરવું કે તેને ડાઉનલોડ કરવું નહીં. આવા માલવેરથી ફોન હેક થઈ શકે છે અને બેંકિંગ વિગતો ચોરાઈ શકે છે. કોઈપણ પ્રકારના નાણાકીય ફ્રોડની શંકા જાય તો તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર જાણ કરવી જરૂરી છે.