વ્હાઈટ બ્રેડ ખાવામાં તો સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તે સ્વાસ્થ્ય પર અનેક રીતે વિપરિત અસર કરી શકે છે. જો તમે પણ નાસ્તામાં વ્હાઈટ બ્રેડ ખાતા હોવ, તો પહેલા તેનાથી સ્વાસ્થ્યને થતાં ગંભીર નુકસાન વિશે પણ જાણી લો...
સફેદ બ્રેડમાં રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. આ કાર્બોહાઇડ્રેટ્સ શરીરમાં ઝડપથી ગ્લુકોઝમાં પરિવર્તિત થાય છે. જેના કારણે બ્લડ સુગર ઝડપથી વધે છે અને પછી ઝડપથી ઘટી પણ જાય છે. જેના પરિણામે સતત થાકનો અહેસાસ અને વારંવાર ભૂખ લાગી શકે છે.
સફેદ બ્રેડમાં ફાઇબરનું પ્રમાણ ઓછું હોય છે. ઓછા ફાઇબરને કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહેતું નથી. જેનાથી કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
સફેદ બ્રેડ ઝડપથી પચી જાય છે અને ભૂખમાં વધારો કરે છે. જેનાથી નાસ્તામાં વારંવાર વધારે ખાવાની આદત પડી શકે છે. જે લોકો વજન ઘટાડવા માંગે છે, તેમણે સફેદ બ્રેડનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.
સોફ્ટ બ્રેડ ખાવાથી શરીરમાં ટ્રાન્સ ફેટ અને કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે. જેના કારણે હાર્ટ એટેક અથવા બ્લડ પ્રેશર જેવી બીમારીઓનું જોખમ વધે છે.
વધુ ગ્લાયકેમિક ફૂડ ખાવાથી શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર વધે છે. આના પરિણામે ખીલ, ફોલ્લીઓ તેમજ સ્કિન ઑઈલી થવાની સમસ્યા વધી શકે છે.
સફેદ બ્રેડ ઝડપથી એનર્જી પૂરી પાડે છે, પરંતુ આ એનર્જી ઝડપથી ખતમ થઈ જાય છે. જેના કારણે દિવસ દરમિયાન થાક, સુસ્તી અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓ થઈ શકે છે.
સફેદ બ્રેડમાં આવશ્યક વિટામિન્સ અને મિનરલ્સની માત્રા ખૂબ ઓછી હોય છે. આનાથી શરીરને પૂરતું પોષણ મળતું નથી અને નબળાઈ અનુભવાઈ શકે છે.