કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તેના સભ્યોને રાહત આપવા માટે નિયમોને સરળ બનાવવા માટે સતત દબાણ કરી રહ્યું છે.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ તેમની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આવા બે મોટા ફેરફારોનો ઉલ્લેખ કર્યો છે.
ટ્વિટર પર એક પોસ્ટ શેર કરતા તેમણે લખ્યું, પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, EPFO સતત સુધારાત્મક પગલાં લઈ રહ્યું છે.
મનસુખ માંડવિયાએ લખ્યું કે, આ સુધારાઓને કારણે કરોડો EPFO સભ્યો માટે PF ક્લેઇમ પ્રોસેસ હવે સરળ, ઝડપી બની છે.
આ માટે તેમણે બે મુખ્ય સુધારાઓ પર ભાર મૂક્યો છે, આમાંથી એક ચેક કે ચકાસાયેલ બેંક પાસબુકના ફોટા અપલોડ કરવાની જરૂરિયાતને દૂર કરવાનું છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, આ સુધારો પહેલા કેટલાક સભ્યો પર પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવામાં આવ્યો હતો અને પછી 28 મે, 2024 થી બધા માટે લાગુ કરયો હતો.
આ ફેરફાર ગેમ-ચેન્જર સાબિત થયો જેણે નબળી ગુણવત્તાવાળા દસ્તાવેજ અપલોડને કારણે PF ક્લેઇમ રિજેક્ટની સમસ્યાને દૂર કરી.
આ ઉપરાંત આગામી સુધારો એ છે કે, બેંક વિગતોને UAN સાથે લિંક કરવા માટે નોકરીદાતાની મંજૂરીની જરૂરિયાતને દૂર કરવામાં આવે.
અગાઉ EPF સભ્યોને PF ઉપાડ માટે તેમના બેંક ખાતાઓને લિંક કરવા પડતા હતા અને તેમની ચકાસણી માટે નોકરીદાતાની મંજૂરી જરૂરી હતી.
EPFO દ્વારા કરવામાં આવેલા આ ફેરફારો માત્ર ક્લેઇમ પ્રોસેસ ઝડપી સાબિત થયા નથી, પરંતુ સભ્યો માટે તેમના ખાતાની વિગતો અપડેટ કરવાનું પણ સરળ બનાવ્યું છે.