ગુજરાત પ્રવાસની વાત આવે ત્યારે પાવાગઢનું નામ સૌપ્રથમ આવે છે. અહીં તીર્થધામ, પ્રાચીન ઇતિહાસ અને કુદરતી સૌંદર્ય ત્રણેયનો અદભુત સમન્વય જોવા મળે છે. જો તમે પાવાગઢ મહાકાળી મંદિરના દર્શન કરવા જાવ છો, તો નજીકના આ સ્થળો અવશ્ય જોવાલાયક છે.
પાવાગઢ મહાકાળી મંદિર ગુજરાતનું અત્યંત પવિત્ર તીર્થધામ છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલું આ મંદિર 52 શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે. દરરોજ હજારો ભક્તો માતાજીના દર્શન માટે અહીં આવે છે. મંદિર સુધી પહોંચવા માટે રોપવે પણ ઉપલબ્ધ છે.
પાવાગઢ પર્વતની તળેટીમાં આવેલું ચાંપાનેર ગુજરાતનું એક ઐતિહાસિક અને પ્રાચીન નગર છે. સુલતાન મહમદ બેગડાની રાજધાની તરીકે જાણીતું ચાંપાનેર તેની સુંદર શિલ્પકલા અને પ્રાચીન ઇમારતો માટે વિશ્વપ્રસિદ્ધ છે. યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે.
ચોમાસા બાદ ખુણિયા મહાદેવનો ધોધ અનન્ય સૌંદર્યથી ભરપૂર બની જાય છે. ઊંચા પર્વત પરથી નીચે પડતો પાણીનો ધોધ પ્રવાસીઓનું મન મોહી લે છે. શહેરની કોલાહલભરી જિંદગીથી દૂર અહીં કુદરતી શાંતિ અને ઠંડકનો અનોખો અનુભવ મળે છે.
ઝંડ હનુમાન મંદિર જાંબુઘોડા અભયારણ્યમાં આવેલું 500 વર્ષ જૂનું તીર્થસ્થળ છે. અહીં પ્રાચીન મંદિરો, ઐતિહાસિક સ્થાપત્ય અને શાંત કુદરતી વાતાવરણ યાત્રાળુઓને આકર્ષે છે. સ્થાનિક માન્યતા મુજબ, પાંડવોએ વનવાસ દરમિયાન અહીં નિવાસ કર્યો હતો.
જાંબુઘોડાથી 16 કિમી દૂર આવેલો હાથણી માતા ધોધ કુદરત પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. હાલોલ પાવાગઢ અથવા શીવરાજપુર તરફથી પણ અહીં પહોંચી શકાય છે. હરિયાળ કુદરતી સૌંદર્ય વચ્ચે પ્રવાસીઓ અહીં ધોધ નીચે નાહવાની મજા પણ માણી શકે છે.
પાવાગઢથી આશરે 15 કિમી દૂર આવેલું ચમત્કારી બાબા દેવ મંદિર, જેને ચેલાવાડા મંદિર પણ કહેવાય છે, લોક આસ્થાનું પ્રાચીન સ્થાન છે. અહીં બે મંદિરો છે એક પર્વતની ટોચ પર અને બીજું તળેટીમાં, ઉપરના મંદિર પાસે બાબા દેવની પાવન ગુફા પણ છે, જ્યાં ભક્તો દર્શન કરવા આવે છે.
પર્યટનની સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.