Burn First Aid Tips: રોજિંદા જીવનમાં અથવા અકસ્માત સમયે દાઝી જવાની ઘટનાઓ બનતી હોય છે. આવી સ્થિતિમાં યોગ્ય સમયે લેવાયેલા સાચા પગલાં દર્દીને મોટી રાહત આપી શકે છે. આરોગ્ય નિષ્ણાતો અને ઉપલબ્ધ માર્ગદર્શિકા મુજબ દાઝી જવાની ગંભીરતા અનુસાર પ્રાથમિક સારવાર આપવી જોઈએ.
ઓછા પ્રમાણમાં દાઝ્યા હોય ત્યારે શું કરવું?
જો વ્યક્તિ સહેજ અથવા ઓછા પ્રમાણમાં દાઝી ગઈ હોય, તો બળેલા અંગને તરત જ પાણીમાં ડૂબાડી રાખવું જોઈએ. આ માટે પહોળું વાસણ, ડોલ, ટબ અથવા સિંકનો ઉપયોગ કરી શકાય છે. જો હાથ કે પગ દાઝ્યા હોય તો તેને ચાલુ નળ નીચે 15 થી 20 મિનિટ રાખવાથી બળતરા ઓછી થાય છે. નળની સુવિધા ન હોય તો સ્વચ્છ ભીનું કપડું દાઝેલા ભાગ પર વીંટી રાખવું અને તેના પર અવારનવાર પાણી છાંટતા રહેવું. આ ઉપરાંત, દાઝેલી ત્વચા હવાના સંપર્કમાં વધુ ન આવે તેવો પ્રયાસ કરવો જોઈએ. દર્દીએ વીંટી, બંગડી કે પગરખાં પહેર્યા હોય તો સોજો આવે તે પહેલાં જ તરત ઉતારી લેવા. જો વધારે ભાગ બળી ગયો હોય તો રૂમાલમાં બરફ મૂકીને વીંટી શકાય.
વધુ પ્રમાણમાં દાઝ્યા હોય ત્યારે પ્રાથમિક સારવાર
વધુ પ્રમાણમાં આગ લાગી હોય ત્યારે સૌથી પહેલાં આગ બુઝાવવી જરૂરી છે. વ્યક્તિને ધાબળો કે જાડા કપડાથી ઢાંકીને અથવા પાણી છાંટીને આગ બુઝાવી શકાય છે. જો કપડાંમાં આગ લાગે તો ભાગવાને બદલે જમીન પર આળોટવું જોઈએ, જેથી આગ ઓલવાઈ જાય. નોંધનીય છે કે પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, વીજળી કે શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં પાણી છાંટવું નહીં. આવા ગંભીર કિસ્સામાં તરત જ આગ બુઝાવીને ડૉક્ટર અને એમ્બ્યુલન્સને બોલાવવી જોઈએ.
ઘરગથ્થુ ઉપચાર અને ધ્યાન રાખવાની બાબતો
સામાન્ય રીતે દાઝ્યા પર લગાડવા માટે ઘરમાં જ કેટલીક વસ્તુઓ મળી રહે છે. કોપરેલ, ખાદ્ય તેલ, દહીં-દૂધની સર, માખણ, કાચા બટાકા અથવા ડુંગળીનો રસ લગાડવાથી રાહત મળે છે. આ ઉપરાંત બજારમાં મળતી દાઝ્યા પર લગાડવાની દવાઓ પણ વાપરી શકાય.
શું ન કરવું?
- દાઝેલા ભાગ પર લોટ, માખણ કે બેકિંગ સોડા જેવી વસ્તુઓ ચોપડવી નહીં.
- જો ફોલ્લા પડ્યા હોય તો તેને ખોતરવા, દબાવવા કે ફોડવાની કોશિશ ન કરવી.
- દાઝેલી જગ્યાએ કપડું ચોંટી ગયું હોય તો તેને ખેંચીને ઉખાડવું નહીં, તેનાથી વધુ નુકસાન થાય છે.
- દર્દીને બિનજરૂરી ફેરવવો કે ચલાવવો નહીં તેમજ હાથ-આંગળીઓના જીવાણુથી ચેપ ન લાગે માટે દાઝેલા ભાગને વધુ અડકવું નહીં.
