Dashama Visarjan Muhurat 2026: દશામા વ્રતની પૂર્ણાહુતિ ક્યારે? જાણો વિસર્જનની તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Dashama Visarjan Muhurat 2026: વર્ષ 2026માં દશામાં મૂર્તિ વિસર્જનની તારીખ, શુભ મુહૂર્ત, સંપૂર્ણ પૂજા વિધિ અને પૂજા સામગ્રીનું લિસ્ટ. આ લેખમાં મેળવો સંપૂર્ણ જાણકારી.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 06 Aug 2026 10:28 AM (IST)Updated: Thu, 06 Aug 2026 10:28 AM (IST)
dashama-visarjan-muhurat-2026-shubh-timings-puja-vidhi-vrat-katha-and-rituals

Dashama Visarjan Muhurat 2026: ગુજરાતમાં શ્રદ્ધા અને આસ્થાના પર્વ સમાન દશામા વ્રતનો પ્રારંભ આગામી 13 ઓગસ્ટ, 2026થી થવા જઈ રહ્યો છે. અષાઢ વદ અમાસ એટલે કે 'દિવાસા'ના પવિત્ર દિવસથી શરૂ થતું આ 10 દિવસીય વ્રત ભક્તોમાં વિશેષ મહત્વ ધરાવે છે. માન્યતા અનુસાર, દશામા પોતાના ભક્તોની બગડેલી દશા સુધારે છે અને જીવનમાં સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિ પ્રદાન કરે છે.

મુખ્યત્વે અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા પરિવારની સુખાકારી અને સૌભાગ્યની પ્રાપ્તિ માટે આ વ્રત અત્યંત ભક્તિભાવપૂર્વક કરવામાં આવે છે. આ વર્ષે દશામા વ્રતની પૂર્ણાહુતિ 21 ઓગસ્ટ, 2026ના રોજ થશે. વ્રતના અંતિમ દિવસે રાત્રિ જાગરણ કર્યા બાદ બીજા દિવસે વહેલી સવારે પવિત્ર જળમાં મૂર્તિ વિસર્જન સાથે વ્રત પૂર્ણ થાય છે.

દશામાં વિસર્જનની તારીખ 2026 | Dashama Visarjan 2026 Date  

દશામા વ્રતની પૂર્ણાહુતિ 21 ઓગસ્ટ 2026, શુક્રવારના રોજ થશે. વ્રતના દસમા અને અંતિમ દિવસે શ્રદ્ધાળુઓ રાત્રિ જાગરણ કરી માતાજીની આરાધના કરે છે. ત્યારબાદ, બીજા દિવસે એટલે કે 22 ઓગસ્ટ 2026ના રોજ વહેલી સવારે સૂર્યોદય પૂર્વે દશામાની મૂર્તિનું પવિત્ર જળમાં વિસર્જન કરવામાં આવે છે.

દશામાં વિસર્જન મુહૂર્ત સમય 2026 | Dashama Visarjan Muhurat Time 2026  

મૂર્તિ વિસર્જન હંમેશા શુભ સમય અને મુહૂર્ત ધ્યાનમાં રાખીને કરવું ઉત્તમ માનવામાં આવે છે. વર્ષ 2026 માટે વિસર્જનનો શુભ સમય નીચે મુજબ છે:

  • દશામા વ્રત પૂર્ણાહુતિ તારીખ: 21 ઓગસ્ટ 2026, શુક્રવાર
  • તિથિ: અષાઢ સુદ દશમી
  • બ્રહ્મ મુહૂર્ત: સવારે 04:49 થી 05:34 સુધી (22 ઓગસ્ટ 2026)
  • પ્રાતઃ સંધ્યા: સવારે 05:11 થી 06:18 સુધી (22 ઓગસ્ટ 2026)

દશામાં વ્રતની પૂજા વિધિ | Dashama Visarjan Puja Vidhi  

દશામા વ્રત દરમિયાન માતાજીની પૂજા-અર્ચનાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ પૂજા વિધિના મુખ્ય તત્વો નીચે મુજબ છે:

પીપળ અને ઉંબરાના વૃક્ષનું મહત્વ: આ વ્રતમાં પીપળના વૃક્ષની પૂજા ભગવાન વિષ્ણુના રૂપમાં કરવામાં આવે છે, જે સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ ઉપરાંત, ઉંબરાના વૃક્ષની પણ પૂજા કરવામાં આવે છે.

સૂતરના તાંતણાની વિધિ: સૌભાગ્યવતી સ્ત્રીઓ કાચા સૂતરના 10 તાંતણા લઈ તેમાં 10 ગાંઠો બાંધે છે. પીપળના વૃક્ષની પ્રદક્ષિણા કરતી વખતે આ પવિત્ર દોરો વૃક્ષ પર બાંધવામાં આવે છે.

કથા શ્રવણ: વૃક્ષની પૂજા સંપન્ન કર્યા બાદ ભક્તો વૃક્ષ નીચે બેસીને નળ-દમયંતીની વ્રત કથાનું શ્રવણ કરે છે.

ઉપવાસના નિયમો: વ્રત કરનારી મહિલાઓ સમગ્ર દિવસ દરમિયાન ઉપવાસ રાખે છે અને દિવસમાં માત્ર એક જ વાર ભોજન ગ્રહણ કરે છે. ભોજનમાં મીઠા (નમક)નો ઉપયોગ ટાળવામાં આવે છે.

દશામાં વ્રતની પૂજા સામગ્રીની યાદી | Dashama Visarjan Samagri List

  • દશામાની પ્રતિમા અથવા છબી
  • પૂજામાં બેસવા માટેનું આસન
  • લાલ ફૂલો, ચમેલી અને હાર
  • ચંદન, કુમકુમ (સિંદૂર), હળદર પાવડર અને અષ્ટગંધ
  • કાચા ચોખા (અક્ષત)
  • લાલ અને પીળા રંગનો પવિત્ર દોરો
  • સોપારી, નાળિયેર અને મોસમી ફળો
  • મીઠાઈ અને પ્રસાદ
  • તેલનો દીવો, શુદ્ધ દેશી ગાયના ઘીનો દીવો, દિવેટ અને 5 દીવા
  • ધૂપદાની અને કપૂર
  • પવિત્ર ગંગાજળ તેમજ તાંબુ અથવા ચાંદીનો કળશ
  • પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડનું મિશ્રણ)
  • ઘંટડી અને શંખ
  • હવન સામગ્રી
  • દુર્ગા સપ્તશતી અથવા દેવી મહાત્મ્ય ગ્રંથ

દશામાંની વ્રત કથા | Dashama Vrat Katha 

શ્રાવણ માસની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નહાવા જવા લાગી. આ સ્ત્રીઓ નદીએ નહાતી અને પૂજા કરતી હતી.

નદીના કાંઠે રાજાનો મહેલ હતો. રાજાની રાણી ઝરૂખામાંથી બધી સ્ત્રીઓને નાહી પૂજા કરતી જોઈ. દાસીને કહ્યું, "જા આ બહેનોને પૂછી આવ કે તમે કયું વ્રત કરો છો?"

દાસી નદી કાંઠે આવી અને કહેવા લાગી, "બહેનો ! તમે કયું વ્રત કરો છો ?" એક બહેન બોલી, "અમે દશામાનું વ્રત કરીએ છીએ."

"એ વ્રતની વિધિ મને કહો!" ત્યારે બીજી સ્ત્રી બોલી, "દસ સૂતરના તાંતણા લેવા, તેને દશ ગાંઠો વાળવી અને દોરાને કંકુ લગાવી તે દોરો હાથે અને કળશે બાંધી દેવો, એક માટીની સાંઢણી બનાવી તેની સ્થાપના કરવી, દશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને દશ દિવસ નકોરડા ઉપવાસ કરવા અથવા એકટાણું ભોજન કરવું."

દાસીએ મહેલે આવી રાણીને બધી વાત કરી પછી જ્યારે રાત્રે રાજા ઘેર આવ્યા એટલે રાણીએ રાજાને પૂછ્યું કે, "હું દશામાનું વ્રત કરું?" ત્યારે રાજાએ પૂછ્યું કે, "દશામાનું વ્રત કરવાથી શું લાભ થાય છે?" ત્યારે રાણીએ કહ્યું કે, "નિર્ધનને ધન મળે, પુત્ર પરિવાર વધે, સુખ, શાંતિ અને સંતોષ મળે. આ રીતે વ્રત કરનાર દરેકની મનોકામના પૂર્ણ થાય છે." ત્યારે રાજા અભિમાનમાં છલકાઈને બોલ્યા કે, "મારે ધન, દોલત, રાજપાટ, હાથી-ઘોડા, પુત્ર પરિવાર બધું જ છે. મારે ત્યાં કશી જ કમી નથી. તેથી વ્રત કરવું નથી." આ સાંભળી રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો. એ રિસાઈને ખાધા વગર પોતાના શયનખંડમાં જઈને સૂઈ ગઈ.

આ બાજુ રાજા ઉપર દશામા કોપાયમાન થયાં. રાત્રે દશામા આવી તેમના આખા રાજમહેલમાં ફરી વળ્યાં. આથી સવારમાં રાજ્યમાં અંધાધુંધ થવા માંડી. તિજોરીમાં એકેય પૈસો ન મળે. કોઠારમાં જોવા ગયા તો અન્નનો કણ ન મળે. આ બધી વાત આખા નગરમાં ફેલાતાં પ્રજાજનો કહેવા લાગ્યા, "હે રાજા! તમે નગર છોડી ચાલ્યા જાવ. તમારા ઉપર દેવીનો કોપ ઉતર્યો લાગે છે. તેથી તમારા માથે ખરાબ દશા બેઠી છે."

આ સાંભળી રાજા રાણી બંને પુત્રોને લઈને નગર છોડી ચાલી નીકળ્યા. નગરની બહાર બગીચામાં તેઓ આરામ કરવા બેઠા તો બગીચો સુકાઈ ગયો. ત્યારે રાણી કહે છે કે, "આપણી દશા ખરાબ છે. તો આપણે જ્યાં જઈએ ત્યાં અહિત થશે. માટે અહીંથી ચાલી નીકળો." રસ્તામાં બંને કુંવરો કહેવા લાગ્યા, "અમને તો ભૂખ લાગી છે" પણ રાણી તેમને સમજાવીને રાખે છે. એટલામાં એક ગામમાં બહેનપણીનું ઘર આવતાં તે બંને કુંવરને લઈ બહેનપણીને ઘરે જઈને કહે છે કે, "જરા બંને બાળકોને ખાવા આપને. આ બંનેને ખૂબ જ ભૂખ લાગી છે." ત્યારે તેની બહેનપણીએ રાણીને કહે છે કે, "જા જા હું તો તને ઓળખતી પણ નથી અને મારા ઘેર તું ખાવા આવે છે?" આથી રાણીને ઘણું જ દુ:ખ થયું.

અને પછી તેઓ ત્યાંથી આગળ ચાલી નીકળ્યાં. રસ્તામાં બંને કુંવરને તરસ લાગી એટલામાં વાવ આવતાં રાણી બંને કુંવરોને લઈને પાણી પીવડાવવા જાય છે. ત્યાં તો દશામાએ અદૃશ્ય સ્વરૂપે તેના બંને બાળકોને પાણીમાં ખેંચી લીધા. આથી રાણી રડતી રડતી રાજા પાસે આવી અને કહ્યું કે, "આપણાં બંને બાળકો વાવમાં પડી ગયાં" આથી રાજા કહે છે કે, "કલ્પાંત ન કરશો એ તો જેના હતા તેને લઈ લીધા છે."

ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળ્યાં. એવામાં રાજાની બહેનનું ગામ આવ્યું. ત્યારે રાજાએ કહ્યું કે, "આ તો મારી બહેનનું ગામ છે. તેને મળ્યા વગર કેમ જવાય?" ગામમાં પખાલી સાથે કહેવડાવ્યું કે, "તમારા ભાઈ ભાભી તમને મળવા આવ્યા છે." ત્યારે બહેનને વિચાર આવ્યો કે ભાઈની દશા ખરાબ હોવી જોઈએ. નહિતર મારા ભાઈ હાથી, ઘોડા, પાલખી સાથે આવે. ચોક્કસ તેમની દશા ખરાબ હોવી જોઈએ. તેથી તેને પખાલી સાથે સુખડી તેમજ સોનાનું સાંકળું માટલીમાં મૂકી ભાઈ જ્યાં બેઠા હતા ત્યાં મોકલ્યું.

પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડીના કોલસા થઈ ગયા અને સોનાનું સાંકળું સાપ બની ગયું. ત્યારે રાજા વિચારે છે કે, "માં જણી બેન કોઈ દિવસ ભાઈને મારી નાખવા માટે રાજી ન હોય, ચોક્કસ મારી દશાનું પરિણામ છે." તેથી રાજાએ માટલી ત્યાં જ જમીનમાં દાટી અને આગળ ચાલી નીકળ્યાં.

આગળ જતાં એક નદીના કાંઠે એક ખેડૂતના વાડામાં ખૂબ જ તરબૂચ થયાં હતાં. રાણીએ કહ્યું કે, "ભાઈ! અમને એક તરબૂચ ખાવા આપો તો સારું." ખેડૂતને દયા આવી. તેણે રાણીને તરબૂચ આપ્યું, પણ રાજા-રાણીને સૂર્ય આથમ્યા પછી ન જમવાનો નિયમ હોવાથી તેઓ તરબૂચને ત્યાં જ મૂકીને સૂઈ ગયાં. ત્યાં તો બાજુના ગામના રાજાનો કુંવર રિસાઈને નાસી ગયો હતો. તેથી તેના સૈનિકો કુંવરને ખોળતાં ખોળતાં ત્યાં આવ્યાં.

હવે રાજા-રાણી પોતાની બાજુમાં જે તરબૂચ મૂકીને સૂતા હતા, તે તેમની દશાના પ્રતાપે ખોવાયેલા કુંવરનું મસ્તક બની ગયું. તે જોતા સૈનિકો રાજા-રાણીને અપરાધી ગણીને ખૂબ જ માર માર્યો. પછી તેમને દોરડાંથી બાંધી પોતાના રાજા પાસે રાજમહેલમાં લઈ ગયા. પછી ત્યાંના રાજાએ પોતાના કુંવરનું મસ્તક જોઈ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બંનેને પોતાના પુત્રના હત્યારા ગણીને જેલમાં પૂરી દીધાં.

આવી રીતે દશામાના વ્રતનું અપમાન કરવાથી મહેલમાં રહેનારા જેલમાં રહેવા લાગ્યા. એમ કરતાં કરતાં બીજા વર્ષે શ્રાવણ માસ આવતાં રાણીના મનમાં થયું કે મારા પતિએ દશામાના વ્રતનું અપમાન કર્યું હતું. તેથી માતાજી રૂઠ્યાં છે. માટે રાણીએ દશામાનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો.

રાણીએ દશામાનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું અને જેલના ઉપરી ખૂબ જ દયાળું હોવાથી તેની પાસે વ્રતનું ઉજવણું કરવાની બધી જ સામગ્રી મંગાવી. અને સગવડતા પણ કરાવી. ઉપરીને રાણી ઉપર દયા આવવાથી તેનું કામ કરી આપ્યું. વ્રતના જ ઉજવણા વખતે દશ મુઠ્ઠી ઘઉં ભરડાવી તેની લાપસી બનાવી સર્વને પ્રસાદી આપી. પોતે પણ પ્રસાદ લીધો. પછી માતાજીની સાંઢણી નદીમાં પધરાવી. આ પ્રસાદ રાજાએ પણ ખાધો હતો. તેથી દશામાએ તેમની દશા પલટાવી નાખવાનો વિચાર કર્યો.

પછી રાજાને દશામા સ્વપ્નમાં આવ્યાં અને કહ્યું, "હે રાજા! જેમને તે જેલમાં પૂર્યા છે, તે તારા કરતાં મોટા રાજ્યના રાજા છે. તેમણે તારા પુત્રની હત્યા કરી નથી, પરંતુ તારો પુત્ર આવશે. માટે તું જેલમાં પૂરાયેલા રાજા-રાણીને છોડી તેમની ક્ષમા માગજે. જો તું આ વાત સાચી નહીં માને તો જેવી તેમની દશા થઈ તેવી તારી દશા થશે." એમ કહી માતાજી અંતર્ધ્યાન થઈ ગયાં.

રાજાને પછી ઊંઘ આવી નહીં. તેથી તેણે સવારે વહેલા ઊઠીને પોતાના સ્વપ્નની વાત સર્વેને કહી સંભળાવી. એટલામાં રાજકુંવર પણ માની કૃપાથી પાછો આવ્યો. રાજાએ ખાતરી કરવા પેલું કુંવરનું માથું જોયું તો તે તરબૂચ નીકળ્યું. પોતાનું સ્વપ્ન સાચું લાગ્યું. તેથી તે પોતે જ જેલમાં જઈ રાજા-રાણીને છોડી તેમના પગમાં પડી તેમની ક્ષમા માગી. તેમને રાજમહેલમાં લાવીને તેમનો સારો આદર-સત્કાર કર્યો અને પછી સર્વ હકીકત કહી સંભળાવી.

આથી રાજા-રાણીએ તે રાજાની રજા માગી. રાજાએ હર્ષ સાથે હાથી, ઘોડા, રથ, નોકર-ચાકર વગેરે આપ્યાં. રાજા-રાણી ત્યાંથી રથમાં નીકળ્યાં. પોતાના રાજ્યમાં આવતાં રસ્તામાં રાજાની બહેનનું ઘર આવ્યું.

રાજા વિચારે છે કે, "લાગે હવે માટલું કાઢી જોઉં." માટલું કાઢી જોયું તો સરસ સુખડી અને સોનાનું સાંકળું જોયું. માટલું રથમાં મૂકી ચાલી નીકળ્યાં. એમ કરતાં તેઓ જે વાવ પાસે પાણી પીવા ગયાં હતાં ત્યાં આવ્યાં. ત્યારે દશામાએ વિચાર કર્યો કે બંને બાળકો લીધા તો ખરા, પણ હવે આપવા કેવી રીતે? તેમ વિચાર કરીને તેમણે ડોશીનું રૂપ લઈ બંને બાળકો બંને આંગળીએ વળગાડીને આવ્યાં અને બૂમ પાડી કહ્યું, "કે આ કોઈના કુંવરો ભૂલા પડ્યાં છે. તેને લેતા જાવ."

રાજાએ રથ ઊભો રાખ્યો. તેઓ પોતાના બંને પુત્રોને ઓળખી ગયાં અને બંને પુત્રને હેતપૂર્વક છાતી સરસા લગાડી દીધા.

આ ડોશી દશામા પોતે હતાં. રાજાને કહે કે, "હવે તમારી દશા વળતી થઈ છે. તમે તમારી રાણીને અભિમાનમાં છલકાઈને દશામાના વ્રત વિષે ગમે તેમ બોલ્યાં હતાં. તેથી તમારી દશા કઠિન બની ગઈ હતી. હવે તમને સમજાયું હશે કે કોઈ દેવ-દેવીની અવગણના કરવી નહીં. જાવ, હવે તમે રાજ્યમાં સુખેથી રહો."

બધા રથમાં બેસી પ્રથમ હતી તે બહેનપણીના ઘર પાસે આવ્યાં, જેણે તેમનું અપમાન કર્યું હતું. તે બહાર ઊભી હતી. તે દોડી અને રાણીને ભેટી પડી, રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો. જ્યારે દશા ખરાબ હતી ત્યારે રોટલો પણ ન આપ્યો. અત્યારે મિષ્ટાનથી જમાડે તો પણ નકામું છે. એમ કહી તેઓ નગરની ફૂલવાડીમાં આવી પહોંચ્યા. ત્યાં તો ફૂલવાડી લીલીછમ બની ગઈ.

રાજાના આગમનની ખબર પડતાં સર્વ નગરજનો વાજતે-ગાજતે સામૈયા સાથે રાજાને રાજમહેલમાં લઈ ગયા. દશામાના પ્રતાપે રાજા સુખી થયાં. રાણીએ પાંચ વર્ષ પૂરા થતાં વ્રતનું ઉજવણું કર્યું. રૂપાની સાંઢણી જળમાં પધરાવી, બ્રાહ્મણોને દક્ષિણા આપી અને વ્રતનું રૂઢી રીતે ઉજવણું કર્યું. માતાના પ્રતાપથી સુખ, શાંતિ અને સંતોષમાં રહેવા લાગ્યાં.

દશામાંની આરતી | Dashama Ni Aarti 

ચાર ચાર ધામની માં દશામાંની આરતી | Char Char Dham Ni Maa Dashama Ni Aarti

હો ચાર ચાર ધામની માં દશામાની આરતી,
હે દુઃખડા નીવારતી ને સુખડા છલકાવતી,
ચાર ચાર ધામની માં દશામાની આરતી... (2)

દશામાની આરતી દ્વારિકામાં થાય છે,
એ માવલડીને મંદિરિયે આનંદ વર્તાય છે,
હે દર્શન પામીને ભક્તો ઘેલા ઘેલા થાય છે,
ચાર ચાર ધામની માં દશામાની આરતી... (2)

હે દુઃખડા નીવારતી ને સુખડા છલકાવતી,
ચાર ચાર ધામની માં દશામાની આરતી... (2)

દશામાની આરતી મીનાવાડા થાય છે,
ચોમેર અજવાળા અજવાળા પથરાય છે,
હે ભોળા સૌ ભક્તોના હૈયાં હરખાય છે,
ચાર ચાર ધામની માં દશામાની આરતી... (2)

હે દુઃખડા નીવારતી ને સુખડા છલકાવતી,
ચાર ચાર ધામની માં દશામાની આરતી... (2)

દશામાની આરતી કડી ગામે થાય છે,
ભક્તોને જોઈ માનું મુખડું મલકાય છે,
હે છલકે આનંદ સુખ, દુઃખ વિસરાય છે,
ચાર ચાર ધામની માં દશામાની આરતી... (2)

હે દુઃખડા નીવારતી ને સુખડા છલકાવતી,
ચાર ચાર ધામની માં દશામાની આરતી... (2)

દશામાની આરતી મોરાગઢે થાય છે,
ભેળા થઈ ભક્તો માના ગુણલા રે ગાય છે,
હે દુનિયા પર માવડીની શિવી મીઠી જાય છે,
ચાર ચાર ધામની માં દશામાની આરતી... (2)

હે દુઃખડા નીવારતી ને સુખડા છલકાવતી,
ચાર ચાર ધામની માં દશામાની આરતી... (2)

દશામાની આરતી | Dashama Ni Aarti Lyrics

હે ખમ્મા ખમ્મા હો દશામાંત માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
હા શક્તિ સ્વરૂપે તારો વાસ માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
ખમ્મા ખમ્મા હો દશામાંત માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે

હે દરિયાદીલની માંડી તારો મહિમા અપરમ પાર છે
તારો પાલવ જલે એનો પલમાં બેડો પાર છે
હે દરિયાદીલની માંડી તારો મહિમા અપરમ પાર છે
તારો પાલવ જલે એનો પલમાં બેડો પાર છે
તારા ચરણોનો હું તો દાસ માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
ખમ્મા ખમ્મા હો દશામાંત માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે

હા નિર્ધનને ધનવૈભવ દેતી દેતી સુખ ભંડાર રે
વંશતણી તું વેલ વધારે પુત્રને પરિવાર રે
હો નિર્ધનને ધનવૈભવ દેતી દેતી સુખ ભંડાર રે
વંશતણી તું વેલ વધારે પુત્રને પરિવાર રે
સૌના મનડાની પુરો આશ માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
હે ખમ્મા ખમ્મા હો દશામાંત માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે

હે તારા દર્શન કરતા માંડી પાપી પાવન થાઈ છે
ભાવે તારી ભક્તિ કરતા આંનદ મંગલ થાઈ છે
હે તારા દર્શન કરતા માંડી પાપી પાવન થાઈ છે
ભાવે તારી ભક્તિ કરતા આંનદ મંગલ થાઈ છે
ભક્તોને પુરો છે વિશ્વાશ માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
હે ખમ્મા ખમ્મા હો દશામાંત માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે

હે આંખે આશુ ઢાળી માંડી કરતો દિલની વાત રે
મનમાં તારૂ ધ્યાન ધરીને કરતો પુજાપાટ રે
હે આંખે આશુ ઢાળી માંડી કરતો દિલની વાત રે
મનમાં તારૂ ધ્યાન ધરીને કરતો પુજાપાટ રે
એને ના કરતી તું નિરાશ માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે

હો ખમ્મા ખમ્મા હો અંબેમાંત માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
હે માંડી હું તો હેતે ઉતારૂ તારી આરતી રે
હે માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે