Dwarkadhish Temple: હિન્દુ ધર્મમાં ચાર ધામ પૈકીના એક એવા પવિત્ર ધામ દ્વારકાધીશજીના દર્શનનું અનોખું મહત્ત્વ રહેલું છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ મેળવવા માટે દ્વારકા પહોંચે છે. પરંતુ, પૌરાણિક માન્યતાઓ અનુસાર દ્વારકાની યાત્રા માત્ર મંદિરમાં પ્રવેશ કરી ભગવાનના દર્શન કરી લેવાથી પૂર્ણ થતી નથી. આ પવિત્ર યાત્રા પાછળ એક ચોક્કસ ધાર્મિક વિધિ, આત્મશુદ્ધિ અને આધ્યાત્મિક રહસ્ય જોડાયેલું છે, જેને જાણવું દરેક ભક્ત માટે અત્યંત જરૂરી છે.
1) પવિત્ર ગોમતી નદીમાં સ્નાન અને આત્મશુદ્ધિ
દ્વારકા યાત્રાનો પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ તબક્કો 'આત્મશુદ્ધિ' ગણાય છે. ધાર્મિક પરંપરા મુજબ, જગત મંદિરમાં પ્રવેશતા પહેલાં યાત્રાળુઓ સૌપ્રથમ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરે છે. ગોમતી નદીમાં ડૂબકી લગાવવાથી મન, વચન અને કર્મથી થયેલા પાપોનો નાશ થાય છે અને ભક્ત સંપૂર્ણ રીતે પવિત્ર બનીને ભગવાનના શરણમાં જવાની પાત્રતા મેળવે છે.
2) ઐતિહાસિક છપ્પન સીડી અને સ્વર્ગ દ્વારથી પ્રવેશ
ગોમતી ઘાટ પર સ્નાન કર્યા બાદ શ્રદ્ધાળુઓ આગળ વધે છે. અહીંથી મંદિર તરફ જવા માટે ઐતિહાસિક 'છપ્પન સીડી' આવેલી છે. આ સીડી ચઢતી વખતે ભક્તો ભગવાન દ્વારકાધીશના નામનું સ્મરણ કરે છે અને એક-એક પગથિયું ચઢીને 'સ્વર્ગ દ્વાર' સુધી પહોંચે છે. જગત મંદિરમાં પ્રવેશવા માટેનું મુખ્ય દ્વાર 'સ્વર્ગ દ્વાર' તરીકે ઓળખાય છે. માન્યતા છે કે આ દ્વારથી મંદિરમાં પ્રવેશ કરવાથી મનુષ્યને આ લોકમાં જ સ્વર્ગીય શાંતિ અને દિવ્યતાનો અનુભવ થાય છે.
3) જગત મંદિર દર્શન અને મોક્ષ દ્વારથી નિષ્ક્રમણ
સ્વર્ગ દ્વારમાંથી પ્રવેશ કર્યા બાદ ભક્તો ભગવાન દ્વારકાધીશજીના મનોરમ્ય રૂપના દર્શન કરે છે, શિશ ઝુકાવે છે અને પોતાના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે. દર્શન પૂર્ણ થયા બાદ ભક્તો પરંપરા મુજબ 'મોક્ષ દ્વાર' મારફતે મંદિર પરિસરની બહાર નીકળે છે.
'જીવનથી મોક્ષ' સુધીની આધ્યાત્મિક યાત્રાનું પ્રતીક
દ્વારકાધીશ મંદિરની આ સ્થાપત્ય અને દર્શન શૈલી પાછળ ઊંડો આધ્યાત્મક અર્થ છુપાયેલો છે. ધાર્મિક માન્યતા અનુસાર, સ્વર્ગ દ્વારથી પ્રવેશ કરવો અને મોક્ષ દ્વારથી બહાર નીકળવું એ મનુષ્યના 'જીવનથી મોક્ષ' સુધીની સમગ્ર સફરનું પ્રતીક છે. સ્વર્ગ દ્વાર જીવનમાં ભક્તિ અને પુણ્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે, જ્યારે મોક્ષ દ્વાર આ સંસારના ભવબંધનોમાંથી મુક્ત થઈને પ્રભુના પરમધામમાં સ્થાન મેળવવાની ભાવના દર્શાવે છે. આ જ કારણસર, આ વિધિવત પરંપરા સાથે કરાયેલી દ્વારકા યાત્રા જ પૂર્ણ અને ફળદાયી માનવામાં આવે છે.
