Aadhaar Card Update: આધાર કાર્ડ ધારકો માટે અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) આધાર કાર્ડના હાલના સ્વરૂપમાં ધરખમ ફેરફારો કરવાની યોજના બનાવી રહ્યું છે. પ્રાઈવસીને વધુ મજબૂત બનાવવા અને ડેટાનો દુરુપયોગ અટકાવવા માટે, હવે આધાર કાર્ડ પરથી નામ, સરનામું અને અન્ય પ્રિન્ટેડ વિગતો દૂર કરવામાં આવશે.
હવે આધાર કાર્ડ પર શું હશે?
UIDAI ના પ્રસ્તાવિત ફેરફારો મુજબ, ભવિષ્યમાં આધાર કાર્ડ પર વ્યક્તિનું નામ, સરનામું કે 12 અંકનો આધાર નંબર છાપવામાં આવશે નહીં. તેના બદલે, કાર્ડ પર માત્ર યૂઝરનો ફોટો અને QR કોડ જ હશે. તમામ જરૂરી માહિતી આ QR કોડમાં સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવશે, જેને સ્કેન કરીને જ જાણી શકાશે. આ અંગેનો અંતિમ નિર્ણય ડિસેમ્બર 2025 માં લેવામાં આવે તેવી શક્યતા છે.
શા માટે લેવાઈ રહ્યો છે આ નિર્ણય?
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, UIDAI ના સીઈઓ ભુવનેશ કુમારે આ પાછળનું મુખ્ય કારણ 'ડેટા પ્રાઈવસી' ગણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, 'કાયદા દ્વારા મનાઈ હોવા છતાં, હોટલ, સોસાયટીઓ અને ઈવેન્ટ્સ જેવી જગ્યાઓ પર હજુ પણ લોકો પાસેથી આધાર કાર્ડની ફોટોકોપી લેવામાં આવે છે અને તેનો સંગ્રહ કરવામાં આવે છે. જો માહિતી કાર્ડ પર છાપેલી હોય, તો તેનો દુરુપયોગ થવાનું જોખમ વધી જાય છે.'
નવી ડિઝાઇનમાં માહિતી ગુપ્ત રહેશે અને માત્ર અધિકૃત સ્કેનર દ્વારા જ તેની ખરાઈ કરી શકાશે. આનો હેતુ લોકોને આધાર કાર્ડને વિઝ્યુઅલ આઈડી પ્રૂફ તરીકે વાપરતા અટકાવીને ડિજિટલ વેરિફિકેશન તરફ વાળવાનો છે.
1 ડિસેમ્બરે યોજાશે મહત્વની બેઠક
UIDAI નું સ્પષ્ટ માનવું છે કે આધારનો ઉપયોગ માત્ર પ્રમાણીકરણ (Authentication) માટે થવો જોઈએ. પ્રિન્ટેડ માહિતીને કારણે નકલી કાર્ડ બનાવવાની શક્યતાઓ પણ રહેલી છે. આ નવા નિયમો અને ફેરફારોને આખરી ઓપ આપવા માટે 1 ડિસેમ્બર, 2025 ના રોજ એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવશે.
- નવી એપ અને ફેસ રેકોગ્નિશન સુવિધા ફક્ત ફિઝિકલ કાર્ડ જ નહીં, પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ બદલાવ આવશે.
- UIDAI ટૂંક સમયમાં હાલની mAadhaar એપને બદલીને એક નવી એપ લોન્ચ કરશે.
- આ નવી એપમાં QR કોડ સ્કેનિંગ અને ફેસ રેકોગ્નિશન (ચહેરાની ઓળખ) જેવી અદ્યતન સુવિધાઓ હશે.
- યૂઝર્સ પોતાની મરજી મુજબ પસંદગીની માહિતી શેર કરી શકશે.
- આ સિસ્ટમ 'DigiYatra' ની જેમ કામ કરશે, જેથી હોટેલ ચેક-ઇન અને વિવિધ સ્થળોએ એન્ટ્રી પ્રક્રિયા સરળ અને સુરક્ષિત બનશે.
