IndiGo Flight Crisis:ઈન્ડિગો ફ્લાઈટ કટોકટી વચ્ચે ઉડ્ડયન મંત્રાલયે ભાડામાં વધારો રોકવા પ્રાઈઝ કેપ લાગૂ કરી,રિફંડ અંગે શું છે અપડેટ?

PIBની માહિતી પ્રમાણે આ મર્યાદા તમામ પ્રકારના બૂકિંગ માટે લાગૂ થશે. પછી એરલાઈનની વેબસાઈટથી ટિકિટ લીધી હોય કે પછી ઓનલાઈન ટ્રાવેલ એજન્ટ પાસેથી ટિકિટ લીધી હોય.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 06 Dec 2025 06:11 PM (IST)Updated: Sat 06 Dec 2025 06:11 PM (IST)
indigo-flight-crisis-aviation-ministry-imposes-fare-cap-to-curb-price-hike-650780

Indigo Crisis: દેશમાં ઈન્ડિગોની સંચાલકીય મુશ્કેલીને કારણે હજારોની સંખ્યામાં યાત્રીઓની ઉડ્ડયન સેવાઓ રદ્દ થઈ છે અને અનેક રુટ્સ પરના ભાડા ઓચિંતા જ વધી ગયા છે. આ સ્થિતિને જોતા નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ભાડાને લઈ કડક વલણ અપનાવ્યું છે અને યાત્રીઓને જલ્દીથી રાહત આપવા માટે એક મોટું પગલું ભર્યું છે.

એરફેર અંગે સરકારે મર્યાદા લાદી
મંત્રાલયે શનિવારે એક પ્રેસ રિલીઝમાં માહિતી આપી કે હવે તમામ એરલાઈન્સ નિયત મર્યાદામાં જ ભાડા વસૂલ કરી શકશે. નવા ભાડાને લગતી મર્યાદા આ પ્રકારે નક્કી થઈ છેઃ

  • 500 કિમી સુધી- મહત્તમ  રૂપિયા 7500
  • 500-1000 કિમી- મહત્તમ 12000
  • 1000-1500 કિમી- મહત્તમ રૂપિયા 15000
  • 1500 કિમીથી વધારે- મહત્તમ રૂપિયા 18000 

PIBની માહિતી પ્રમાણે આ મર્યાદા તમામ પ્રકારના બૂકિંગ માટે લાગૂ થશે. પછી એરલાઈનની વેબસાઈટથી ટિકિટ લીધી હોય કે પછી ઓનલાઈન ટ્રાવેલ એજન્ટ પાસેથી ટિકિટ લીધી હોય. સરકારે કહ્યું છે કે આ મર્યાદા ત્યા સુધી લાગૂ રહેશે કે જ્યા સુધી ભાડા સામાન્ય લેવલ પર પરત ન આવી જાય અથવા તો તેની સમીક્ષા ન કરવામાં આવે.

એરલાઇન્સને આદેશ
મંત્રાલયે એક આદેશ જારી કરીને એરલાઇન્સને નિર્દેશ આપ્યો છે કે તેઓ ખાતરી કરે કે ટિકિટની ઉપલબ્ધતા તમામ ભાડા બકેટમાં સુસંગત રહે, કોઈપણ રૂટ પર અચાનક કે અસામાન્ય ભાડામાં વધારો ન થાય અને બધી એરલાઇન્સ ભાડા મર્યાદાનું કડક પાલન કરે.

સરકાર રીઅલ-ટાઇમ ડેટા અને ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ભાડાનું નિરીક્ષણ કરશે. કોઈપણ અનિયમિતતાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કટોકટીની પરિસ્થિતિઓમાં મુસાફરી કરતા નાગરિકો, ખાસ કરીને વૃદ્ધો, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પર ગેરવાજબી ભાડાનો બોજ ન પડે.