Indigo Flight Crisis: રેલવે હળવી કરશે મુસાફરોની મુશ્કેલી, 89 વિશેષ ટ્રેનો દોડાવાશે, અમદાવાદ એરપોર્ટ પર IRCTC કાઉન્ટર શરૂ

આજે 7 ડિસેમ્બરના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં, અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની કુલ 32 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેમાં 17 પ્રસ્થાન અને 15 આગમન ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 07 Dec 2025 12:57 PM (IST)Updated: Sun 07 Dec 2025 01:02 PM (IST)
indigo-flight-crisis-indian-railways-announces-89-special-trains-irctc-counter-opened-at-ahmedabad-airport-651072

Ahmedabad News: છેલ્લા ચાર દિવસથી ઇન્ડિગો એરલાઇન્સની સેવાઓમાં વારંવાર અવરોધો આવતાં હજારો હવાઇ મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. ફ્લાઇટ રદ થવાને કારણે દેશના વિવિધ એરપોર્ટ પર લોકોનો રોષ ફાટી નીકળ્યો છે, અને અનેક સ્થળોએ રડતા-કકળતા મુસાફરોની ભીડ જોવા મળી રહી છે.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલવેએ આગામી ત્રણ દિવસ – 7 થી 9 ડિસેમ્બર – દરમિયાન 89 વિશેષ ટ્રેનોની 100 થી વધુ ટ્રિપ્સ દોડાવવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં, અમદાવાદ એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને તાત્કાલિક રાહત આપવા માટે IRCTCનું ખાસ કાઉન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે, જ્યાંથી તેમને રેલવે ટિકિટ બુકિંગની સુવિધા મળશે.

અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની કુલ 32 ફ્લાઇટ્સ રદ કરાઈ

આજે 7 ડિસેમ્બરના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં, અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની કુલ 32 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેમાં 17 પ્રસ્થાન અને 15 આગમન ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સુરતથી હૈદરાબાદ અને દિલ્હી જતી-આવતી બે ફ્લાઇટ રદ થઈ હતી, જ્યારે વડોદરાથી મુંબઈ અને બેંગ્લોર જતી-આવતી ચાર ફ્લાઇટ પર પણ અસર પડી હતી. રાજકોટમાં પણ મુંબઈની બે અને દિલ્હી, બેંગ્લોર, પુણેની એક-એક એમ કુલ પાંચ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકોને તેમની ટિકિટ રી-શેડ્યૂલ કરીને બીજા દિવસ માટે આપવામાં આવી રહી છે. જેના કારણે અનેક લોકોની બિઝનેસ મીટિંગ્સ, ઇન્ટરવ્યુ અને અંગત કાર્યક્રમો રદ થયા છે અથવા તો તેઓ પોતાના લગ્નના રિસેપ્શન જેવા મહત્વના પ્રસંગોએ પહોંચી શક્યા નથી. એરપોર્ટ પર કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેલા મુસાફરોમાં નિરાશા, ગુસ્સો અને હતાશાના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં અનેક લોકો રડી પડ્યા હતા.

રેલવે દ્વારા 89 વિશેષ ટ્રેનોની 100 થી વધુ ટ્રિપ્સ

મુસાફરોની આ હાલાકીને ઓછી કરવા માટે ભારતીય રેલવેએ યુદ્ધના ધોરણે પગલાં લીધાં છે. 7, 8 અને 9 ડિસેમ્બર એમ ત્રણ દિવસ દરમિયાન મુંબઈ, દિલ્હી, પુણે, હાવડા અને હૈદરાબાદ જેવા મોટા શહેરો વચ્ચે 89 વિશેષ ટ્રેનોની 100 થી વધુ ટ્રિપ્સ દોડાવવામાં આવશે. આ સેવાઓ દ્વારા ફ્લાઇટ રદ થવાને કારણે ઉભી થયેલી ભીડને નિયંત્રિત કરવામાં મદદ મળશે અને શિયાળાની ઋતુમાં મુસાફરી સરળ બનશે.

અમદાવાદ એરપોર્ટ પર IRCTC કાઉન્ટર શરૂ

પશ્ચિમ રેલવેએ ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો માટે એક મોટો રાહતરૂપ નિર્ણય લીધો છે. એરપોર્ટ પર જ એક કામચલાઉ IRCTC કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના PRO અજય સોલંકીએ જણાવ્યું કે, "જે મુસાફરોની ફ્લાઇટ રદ થઈ હોય કે મિસ થઈ હોય, તેઓ આ કાઉન્ટર પરથી તાત્કાલિક ટ્રેન ટિકિટ બુક કરાવી શકે છે. જો કોઈને દિલ્હી કે મુંબઈ જવું હોય તો તેમને અહીંથી જ ટિકિટ મળી જશે, જેથી તેઓ તરત જ સ્ટેશન પહોંચી ટ્રેન પકડી શકે."